ઘઉં અને ચોખાના વધતા ભાવો વચ્ચે સરકારનો મોટો નિર્ણય, કિંમતને કંટ્રોલ કરવા બનાવ્યો આ પ્લાન
કેન્દ્ર સરકારે ઘઉં અને ચોખાની વધતી કિંમતોને અંકુશમાં લેવા આજે મોટી જાહેરાત કરી
સરકારે OMSS હેઠળ વધારાના 50 લાખ ટન ઘઉં, 25 લાખ ટન ચોખા વેંચવાનો નિર્ણય કર્યો
નવી દિલ્હી, તા.09 ઓગસ્ટ-2023, બુધવાર
કેન્દ્ર સરકારે ઘઉં અને ચોખાની વધતી કિંમતોને અંકુશમાં લેવા આજે મોટી જાહેરાત કરી છે. સરકારે કેન્દ્રીય પૂલમાંથી વધારાના 50 લાખ ટન ઘઉં અને 25 લાખ ટન ચોખા ખુલ્લા માર્કેટમાં વેંચવાનો નિર્ણય કર્યો છે. ખાદ્ય સચિવ સંજીવ ચોપડાએ કહ્યું કે, તાજેતરમાં સમયમાં ઘઉં અને ચોખાની કિંમતમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. સરકારે ઓપન માર્કેટ સેલ સ્કીમ એટલે કે OMSS હેઠળ 50 લાખ ટન ઘઉં અને 25 લાખ ટન ચોખા વેચવાનો નિર્ણય કર્યો છે.
અગાઉ 15 લાખ ટન ઘઉં, 5 લાખ ટન ચોખા વેચવાની જાહેરાત કરી હતી
ઉલ્લેખનિય છે કે, થોડા દિવસો પહેલા જ આ યોજના હેઠળ 15 લાખ ટન ઘઉં અને 5 લાખ ટન ચોખાની જાહેરાત કરાઈ છે. આ બાબતનો ઉલ્લેખ કરતા સંજીવ ચોપડાએ કહ્યું કે, આ ઉપરાંત 50 લાખ ટન ઘઉં અને 25 લાખ ટન ચોખા વેચવાનો નિર્ણય કરાયો છે. ચોપડાએ કહ્યું કે, અત્યાર સુધીમાં 7 લાખ ટન ઘઉં ઓએમએસએસ હેઠળ ઈ-હરાજી દ્વારા વેચવામાં આવ્યા છે, જ્યારે ચોખાની ખરીદી ખુબ ઓછી નોંધાઈ છે.
ચોખાની રિઝર્વ પ્રાઈઝમાં ઘટાડો
7 ઓગસ્ટે એક વર્ષમાં ઘઉંની કિંમતો રિટેલ માર્કેટમાં 6.77 ટકા અને જથ્થાબંધ માર્કેટમાં 7.37 ટકા વધી છે. આ જ રીતે રિટેલ માર્કેટમાં ચોખાની કિંમતો 10.63 ટકા અને જથ્થાબંધ માર્કેટમાં 11.12 ટકા વધી છે. ચોપડાએ કહ્યું કે, પ્રતિ કિલોગ્રામ ચોખાની રિઝર્વ પ્રાઈઝ 2 રૂપિયા ઘટાડી 29 રૂપિયા કરવામાં આવી છે.