આ વર્ષે આખા દેશમાં ઘઉંની ઉપજ ઓછી થશે? ચિંતાજનક કારણ આવ્યું સામે

છેલ્લા બે વર્ષમાં ઘઉંનો પાક હવામાનથી પ્રભાવિત થયો છે, સાથે જ આ વર્ષને અલ નીનો પ્રભાવિત જાહેર કરવામાં આવ્યું છે

નિષ્ણાતોના મતે ફેબ્રુઆરી પછી અલ નીનોની અસર વધુ તીવ્ર બની હોવાથી ઘઉંના બફર સ્ટોક પર પણ તેની અસર પડી શકે છે

Updated: Dec 19th, 2023


Google NewsGoogle News
આ વર્ષે આખા દેશમાં ઘઉંની ઉપજ ઓછી થશે? ચિંતાજનક કારણ આવ્યું સામે 1 - image


Wheat Crisis: ઘઉંના ઉત્પાદનમાં ભારત મોખરે છે. ઘઉંની નિકાસ ઘણા દેશોમાં કરવામાં આવે છે. દેશના મોટાભાગના રાજ્યોમાં ઘઉંનું વાવેતર શરુ થઇ ગયું છે. જોકે, છેલ્લા કેટલાક વર્ષોમાં જે રીતે ઘઉંનું ઉત્પાદન થયું છે તે હાલ ભારત માટે ચિંતાનો વિષય છે.

છેલ્લા બે વર્ષોથી ઘઉંની ઉપજમાં ઘટાડો 

છેલ્લા બે વર્ષમાં હવામાનના કારણે ઘઉંના પાકને માઠી અસર થઈ છે. વર્ષ 2023ના માર્ચ મહિનામાં જ જૂન-જુલાઈ મહિના જેવી ગરમી પડવાની શરુ થઇ ગઈ હતી. આથી એકાએક આટલું તાપમાન વધતા ઘઉંના પાકને ઉગાડવાની તક મળી નથી અને ઉત્પાદન પર માઠી અસર પડી હતી. આવું વર્ષ 2022 માં પણ થયું હતું, કે જયારે ઘઉંના પાકનો સમય આવ્યો ત્યારે કમોસમી વરસાદના કારણે પાક પર અસર પડી હતી અને તેની ઉપજ પણ સારી રહી ન હતી. 

ઘઉંના બફર સ્ટોકમાં થઇ શકે છે ઘટાડો 

કેન્દ્ર સરકાર પાસેથી મળતી માહિતી અનુસાર નવેમ્બર મહિનામાં ઘઉંનો બફર સ્ટોક 210 લાખ મેટ્રિક ટન છે. ઘટતા સ્ટોકને કારણે ઘઉંના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. જો કે ભાવમાં ઘટાડો કરવાનો સરકાર પ્રયાસ કરી રહી છે. જેના માટે બફર સ્ટોકનો ઉપયોગ કરવો પડશે. આવી સ્થિતિમાં ઘઉંના બફર સ્ટોકમાં પણ વધુ ઘટાડો થઇ શકે છે, જે પણ એક ચિંતાનો વિષય છે. આ ઉપરાંત ઘણા રાજ્યોમાં રાજકીય પક્ષો દ્વારા લોકોને મફત ઘઉં અને ચોખા આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે. જેના કારણે બફર સ્ટોકને પણ અસર થઇ શકે છે અને ઘઉંની આયાત પણ કરવી પડી શકે છે. 

અલ નીનોની અસરના કારણે પણ ઘટી શકે છે ઉત્પાદન 

ઓક્ટોબર માસમાં સામાન્ય કરતા ઓછો વરસાદ નોંધાયો હતો. આવી જ પરિસ્થિતિ નવેમ્બરમાં પણ જોવા મળી હતી. આથી દુષ્કાળની સ્થિતિ પણ ઘઉંના પાક માટે નુકસાનકારક સાબિત થાય છે. આથી આકરા તાપના કારણે ઘઉંની વાવણીને અસર થઈ છે. આ ઉપરાંત આ વર્ષને અલ નીનો વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. નિષ્ણાતોના મતે અલ નીનોની અસર ફેબ્રુઆરી પછી વધુ તીવ્ર બનશે. આ પણ એક કારણ હશે કે ગયા વર્ષની સરખામણીમાં તેનું 4 થી 5 ટકા ઓછું ઉત્પાદન થઇ શકે છે.

સરકાર વર્તે છે સાવચેતી 

અગાઉ ઘઉં, લોટ અને હવે નોન-બાસમતી ચોખાની નિકાસ પર સરકારે પ્રતિબંધ મૂક્યો છે. જે પરથી એવું કહી શકાય કે સરકાર આ બાબતે સાવચેતી વર્તી રહી છે. આ ઉપરાંત ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકારને ખાદ્ય સંકટનો ડર પણ છે તેમજ તે ઘઉંની કિંમતોને નિયંત્રિત કરવા માંગે છે. આ સ્થિતિમાં જો ઘઉંના બફર સ્ટોકમાં ઘટાડો થાય છે તો એવી પણ પરિસ્થિતિ સર્જાય શકે કે ભારતે પણ ઘઉંની આયાત કરવી પડી શકે. વર્ષ 2016માં બફર સ્ટોકમાં ઘટાડો થવાથી રશિયા , યુક્રેન અને ઓસ્ટ્રેલીયા પાસેથી 5.75 મિલિયન ટન ઘઉં ભારતે આયાત કરવાની જરૂરિયાત ઉભી થઇ હતી. પરંતુ હાલ બધું જ આ વર્ષના ચોમાસા પર નિર્ભર છે. 

આ વર્ષે આખા દેશમાં ઘઉંની ઉપજ ઓછી થશે? ચિંતાજનક કારણ આવ્યું સામે 2 - image


Google NewsGoogle News