ક્યારે પડશે કડકડતી ઠંડી, આગામી ત્રણ દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMDની લેટેસ્ટ આગાહી
IMD Forecast : દેશભરમાં શિયાળાની કડકડતી ઠંડીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, વાતાવરણમાં પલટો આવવાથી દેશભરમાં તેની અસર વર્તાશે. જેમાં ઉત્તરના ભાગોમાં જમ્મુ કાશ્મીરના પહાડોમાં પક્ષિમી વિક્ષોભની અસર મંગળવારની રાતથી જ જોવા મળી. જ્યારે પૂર્વમાં બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે તટીય વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે.
ધુમ્મસ સાથે પ્રદૂષણ
દક્ષિણના રાજ્યોમાં સતત વરસાદી માહોલ છે, ત્યારે દિલ્હી સહિત ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં આજે બુધવારે અચાનક ધુમ્મસનું વાતાવરણ જોવા મળ્યું. લોકોએ પહેલા તો ધુમ્મસ જેવું લાગ્યું, પરંતુ આ હકીકતમાં ધુમ્મસ સાથે પ્રદુષણનું મિશ્રણ હતું. હાલ દિલ્હીમાં ધુમ્મસની સ્થિતિ, ગુજરાત અને રાજસ્થાન તરફથી આવતા પવનના કારણે છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન નિષ્ણાતોનું માનવું છે કે, બે દિવસ પછી ઉત્તર-પક્ષિમથી હવાનું દબાણ વધશે તો ઉત્તરના મેદાની વિસ્તારોમાં તાપમાન પણ ધીમે ધીમે ઘટવા લાગશે. હવામાન વિભાગ પ્રમાણે, આગામી દિવસમાં ત્રણ-ચાર દિવસમાં તાપમાન હજુ નીચે જશે. જો કે, કડકડતી ઠંડીની શક્યતા ઓછી વર્તાઈ છે. જેમાં ઠંડીની સૌથી વધુ અસર પહાડોમાં ભારે હિમવર્ષા બાદ જોવા મળશે. જ્યારે જમ્મી કાશ્મીરમાં ધીમીધારે હિમવાર્ષ થઈ રહી છે. હાલમાં, ઉત્તરીય ભાગના પર્વતીય વિસ્તારોમાં હળવા હિમવર્ષાના કારણે તાપમાનમાં થોડો ઘટાડો થયો છે, પરંતુ કોઈ મોટો ફેરફાર દેખાતો નથી.
પશ્ચિમી વિક્ષોભ મજબૂત નથી
ગુરુવારે વધુ એક પશ્ચિમી વિક્ષોભ ઉત્તરના પહાડો પર ત્રાટકશે. આ વખતે હજુ સુધી કોઈ મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવ્યું નથી. આવી સ્થિતિમાં, તાપમાન તેના સ્તર પર રહે છે, જે ઠંડીના આગમનને અટકાવે છે. અગાઉના વર્ષોમાં 15 નવેમ્બર પહેલા પશ્ચિમી વિક્ષોભ બે-ત્રણ વખત આવતો હતો અને તાપમાનમાં ઘટાડો થતો હતો.
બંગાળની ખાડીમાંથી સર્જાયેલા ઓછા દબાણને કારણે આંધ્રપ્રદેશથી તેલંગાણા તરફ ભેજનો પ્રવાહ ચાલુ છે. તેની અસર ઓડિશા અને છત્તીસગઢમાં પણ જોવા મળી શકે છે. દિલ્હી તરફ આવતા પવનની ગતિ ઘણી ધીમી છે. જેના કારણે આકાશ સ્વચ્છ નથી અને પ્રદુષણનું સ્તર પણ ઉંચુ રહે છે. જો 15 થી 20 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હોત તો દિલ્હીમાં ધુમ્મસની સ્થિતિ સર્જાઈ ન હોત.