અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયો સાથે શું કરાશે? જાણો કયા કેસમાં ગુનો નોંધાશે
Deport Illegal Immigrants : અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોની પહેલી ખેપનો દેશનિકાલ કરી દેવાયો છે. પાંચમી ફેબ્રુઆરીએ અમેરિકાનું લશ્કરી વિમાન તેમને પંજાબના અમૃતસર એરપોર્ટ પર છોડી ગયું હતું. ભારત પરત મોકલાયેલા 205 ભારતીય નાગરિકોમાં પંજાબ અને હરિયાણા ઉપરાંત ગુજરાતના પણ ઘણા લોકો હતા. અમેરિકાએ પોતાના દેશમાં ગેરકાયદે રહેતા અનેક દેશોના લોકોને પરત મોકલી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ગેરકાયદે રહેતા અનેક લોકો પર જોખમ શરૂ થઈ ગયું છે. ટ્રમ્પ સરકાર નાગરિકતા કાયદા પર ખૂબ જ કડક વલણ અપનાવી રહી છે. રિપોર્ટ મુજબ અમેરિકામાં રહેતા 14 લાખ ગેરકાદેસર ભારતીયો પર દેશનિકાલની તલવાર લટકાઈ રહી છે. સૌથી મોટો સવાલ એ છે કે, આ ગેરકાયદે પ્રવાસીઓ વિરુદ્ધ ભારતમાં કાર્યવાહી થશે કે તેઓ બચી જશે?
શું ગેરકાયદે પ્રવાસીઓ વિરુદ્ધ ભારતમાં ગુનો નોંધાશે?
સૌથી પહેલા પોલીસ તપાસ કરશે કે, ગેરકાદેસર પ્રવાસીઓ કંઈ રીતે અમેરિકા પહોંચ્યા? શું તેઓએ ‘ડંકી રૂટ’નો ઉપયોગ કરી ત્યાં ગયા? આ પ્રવાસીઓમાંથી કેટલાક એવા લોકો પણ હોઈ શકે છે, જેઓ પ્રવાસી વીઝા પર અમેરિકાના પ્રવાસે ગયા અને તક મળતાં જ ત્યાં ગેરકાયદે રહેવા લાગ્યા, તેથી આવા લોકો વિરુદ્ધ ભારતમાં કોઈ ગુનો નોંધાશે નહીં. ભારતમાંથી કાયદેસર જનારા પ્રવાસીઓએ ગેરકાયદે રહેવાનો ગુનો અમેરિકામાં કર્યો છે, ભારતમાં નહીં, તેથી તેવા પ્રવાસી વિરુદ્ધ કોઈ ગુનો નહીં નોંધાય.
પોલીસ તે બાબતની પણ તપાસ કરશે કે, શું પ્રવાસી વ્યક્તિ ભારતમાં કોઈ ગુનો કરીને અમેરિકા ગયો હતો કે પછી માનવ તસ્કરીની મદદથી ક્રાઈમ કરી ‘ડંકી રૂટ’થી અમેરિકા ગયો હતો. જો આ બાબત સામે આવશે તો તેવા પ્રવાસી વિરુદ્ધ જરૂરી કાયદેસરની કાર્યવાહી કરાશે.
ગુનો નોંધાશે તો કેટલી સજા થશે?
ગેરકાયદે પ્રવાસીઓ કેવી રીતે અમેરિકા ગયા છે, ઘટનાનો પ્રકાર કેવો છે, તે કેસની વિવિધ કલમો પર આધારીત છે. સામાન્ય રીતે આવા કેસમાં એકથી સાત વર્ષ સુધીની સજા અને નાણાકીય દંડની જોગવાઈ છે.
કયા કાયદા હેઠળ ગેરકાયદેસર પ્રવાસીઓની તપાસ થઈ શકે?
- નિયમો અનુસાર અમેરિકાથી ભારતમાં આવેલા ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સ સામે 4 રીતે કાનૂની કાર્યવાહી થઈ શકે છે. જો પાસપોર્ટ સાથે છેડછાડ કરાઈ હોય અથવા પાસપોર્ટનો નાશ કરી દેવાયો હોય, તો નાગરિકતા અધિનિયમ 1955 અને પાસપોર્ટ અધિનિયમ 1967ના નિયમો મુજબ કાર્યવાહી કરવાની જોગવાઈ છે.
- જો કોઈપણ NRI પોતાના દેશની બહાર ગેરકાયદે પૈસા કે કોઈ મિલકત લઈ ગયા હોય તો કસ્ટમ્સ એક્ટ 1962 હેઠળ કાર્યવાહીની જોગવાઈ છે.
- જો માનવ તસ્કરો દ્વારા ડંકી રૂટ સુધી પહોંચવા માટે રકમ આપવામાં આવી હોય, તો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ આવકવેરા અધિનિયમ 1961 હેઠળ કાર્યવાહી થઈ શકે છે.
- ઈમિગ્રેશન એક્ટ 1983ની જોગવાઈઓ હેઠળ ભારતની સરહદ ગેરકાયદે પાર કરીને અન્ય દેશમાં જતા લોકો સામે કાર્યવાહી કરવાનો અધિકાર છે.
શું છે ડંકી રુટ?
ભારત પરત મોકલાવાઈ રહેલા આ તમામ લોકો શ્રેષ્ઠ ભવિષ્યની લાયમાં ‘ડંકી રુટ’ મારફતે અમેરિકા પહોંચ્યા હતા. ફ્લાઈટમાં આવી રહેલા લોકો પંજાબ-ગુજરાત અને હરિયાણાના સૌથી વધુ છે. લાખો રૂપિયા ખર્ચીને ગયેલા આ લોકો ખાલી હાથે સ્વદેશ પાછા આવી ગયા છે. ડંકી રુટ શબ્દ પંજાબી ભાષામાંથી આવ્યો છે. પંજાબીમાં ‘ડંકી’નો અર્થ થાય છે ‘કૂદીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવું’. બીજા દેશમાં ગેરકાયદે ઘૂસણખોરી કરતી વખતે પણ સીધે રસ્તે જવાને બદલે એક દેશમાંથી બીજા દેશમાં અને બીજાથી ત્રીજામાં, એમ કૂદી-કૂદીને જવાનું હોવાથી એના માટે ‘ડંકી રુટ’ શબ્દ જામી ગયો છે. આ માટે ‘ડોન્કી રુટ’ (ગધેડા માર્ગ) શબ્દ પણ વપરાય છે.
ભારતના આ રાજ્યો ડંકી રુટથી જવામાં સૌથી આગળ
ભારતના પંજાબ, હરિયાણા અને ગુજરાત જેવા રાજ્યોના લોકો ડંકી રુટ લેવામાં સૌથી આગળ છે. એ પછી કેરળ, તમિલનાડુ, તેલંગાણા અને આંધ્રપ્રદેશના લોકોનો નંબર આવે છે. ઘણી વખત આ માર્ગનો લાભ લઈને ગંભીર ગુના કરનારા લોકો પણ ભારત છોડીને ભાગી જાય છે.
કઈ રીતે કામ કરે છે આ રુટ?
સમૃદ્ધ દેશોમાં ગેરકાયદે ઘૂસ મારવા લોકો ટ્રાવેલ એજન્ટની મદદ લે છે; ઘર, સંપત્તિ, જમીન વેચીને લાખો રૂપિયા ચૂકવે છે. એજન્ટ રેસિડન્સી પરમિટ અને ડ્રાઈવિંગ લાયસન્સ સહિતના બનાવટી દસ્તાવેજો તૈયાર કરાવી આપે છે. દરિયાઈ જહાજોમાં અથવા પ્લેનમાં બેસાડીને લોકોને ગ્વાટેમાલા અને નિકારાગુઆ જેવા મધ્ય અમેરિકી દેશોમાં પહોંચાડવામાં આવે છે. ત્યાંથી પછી તેમને સરહદ પાર કરાવનારા એજન્ટોને સોંપી દેવામાં આવે છે. એવા એજન્ટો લોકોને મેક્સિકો પાર કરાવીને અમેરિકન બોર્ડર પર છોડી દે છે. પછી લોકોએ પોતાના જોખમે સરહદ પાર કરીને અમેરિકામાં ઘૂસવાનું હોય છે. પકડાયા તો ગોળી ખાઈને મરવું પણ પડે અથવા તો પછી જેલમાં સબડવું પડે. લાંબે ગાળે ભારત પરત..!
અમેરિકાએ એક વર્ષમાં 192 દેશોના 2,70,000 લોકોને દેશમાંથી કાઢી મૂક્યાં
યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (USICE) વિભાગ દ્વારા છેલ્લા એક વર્ષમાં ભારત સહિત 192 દેશોમાં 270000 લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા, તેમ જારી કરાયેલા રિપોર્ટમાં જણાવાયું હતું. 30 સપ્ટેમ્બરે પુરાં થયેલાં નાણાંકીય વર્ષ દરમ્યાન USICE દ્વારા કુલ 271484 જણાંને તેમના દેશમાં પરત મોકલવામાં આવ્યા હતા. આ આંકડો ગયા વર્ષના આંકડા 142580 કરતાં લગભગ બમણો છે. 2014 બાદ ડિપોર્ટ કરવામાં આવેલાં લોકોની આ સર્વાધિક સંખ્યા છે. 2014માં 315943 જણાંને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. ટ્રમ્પના અગાઉના શાસનકાળ દરમ્યાન 2019માં 267258 જણાંને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા.
નવેમ્બરમાં 46612 જણાંની ધરપકડ
યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેકશને કહ્યું કે, નવેમ્બરમાં ઓથોરિટીએ મેક્સિકોમાંથી ગેરકાયદે પ્રવેશતાં 46612 જણાંની ધરપકડ કરી હતી. જે એક મહિના અગાઉ કરવામાં આવેલી 56526 ધરપકડ કરતાં 18 ટકા ઓછી છે. 2023 ના ડિસેમ્બરમાં સૌથી વધારે અઢી લાખ લોકોની ધરપકડ કરાઇ હતી. ડિપોર્ટેશન ફલાઇટની સંખ્યા વધવાથી અને ગ્વાટેમાલા, હોન્ડુરાસ અને અલ સાલ્વાડોરમાં ટ્રાવેલ પ્રોસિજર સરળ બનવાથી ડિપોર્ટીઓની સંખ્યામાં વધારો થયો છે. છ વર્ષમાં પહેલીવાર આઇસીઇ દ્વારા ચીનમાં ડિપોર્ટેશન ફલાઇટ મોકલી હતી. આ ઉપરાંત વિમાનો દ્વારા આલ્બાનિયા, અંગોલા, ઇજિપ્ત, જ્યોર્જિયા, ઘાના, ગીની, ભારત,મોરીટાનિયા, રોમાનિયા, સેનેગલ, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનમાં પણ લોકોને પાછાં મોકલવામાં આવ્યા હતા.
અમેરિકામાં સાત લાખ ગેરકાયદે ભારતીયો
મીડિયા અહેવાલ અનુસાર, અમેરિકાએ 18 હજાર ગેરકાયદે ભારતીય અપ્રવાસીઓની ઓળખ કરી છે, જેને પરત મોકલવામાં આવશે. જોકે, અમુક રિસર્ચ એવું જણાવે છે કે, આ સંખ્યા લાખોમાં છે. બ્રિટિશ અખબાર ધ ગાર્ડિયન પ્યૂ રિસર્ચ સેન્ટરના આંકડા અનુસાર, અમેરિકામાં લગભગ 7,25,000 ભારતીય અપ્રવાસી છે, જે રેકોર્ડમાં નોંધાયેલા નથી. આ પ્રકારે ભારતીય સમુદાય મેક્સિકો અને સાલ્વાડોર બાદ અમેરિકામાં ત્રીજું સૌથી મોટું ગેરકાયદે અપ્રવાસીનું સમૂહ છે. જોકે, આ આંકડાની સત્તાવાર પુષ્ટિ કરવામાં નથી આવી. ધ ગાર્ડિયનના અહેવાલ અનુસાર, ગત વર્ષે પણ 1 હજારથી વધારે ભારતીયોને કોમર્શિયલ ફ્લાઇટ્સ દ્વારા પાછા મોકલવામાં આવ્યા હતાં. પરંતુ, આટલાં મોંઘા સૈન્ય વિમાનનો ઉપયોગ પહેલીવાર થયો છે. એક અંદાજ અનુસાર, ચાર્ટર્ડ કોમર્શિયલ ફ્લાઇટની બદલે સૈન્ય વિમાનથી ઉપયોગ કરવાથી પ્રતિ વ્યક્તિ દેશનિકાલનો ખર્ચ પાંચ ગણો વધી શકે છે. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, અમેરિકામાં લગભગ 18 હજાર ભારતીય નાગરિક છે, જેનો દેશનિકાલ કરવામાં આવશે. પરંતુ, ઉપર જણાવવામાં આવેલાં આંકડા બાદ આ જોખમ વધી ગયું છે. ટ્રમ્પે કાર્યભાર સંભાળ્યો તેનો હજુ એક મહિનો પણ નથી થયો. એવામાં આશંકા છે કે, અમેરિકન પ્રશાસન ગેરકાયદે પ્રવાસીઓની ધરપકડ કરવાનું અભિયાન તેજ કરશે. જો આવું થાય છે તો વધારે સંખ્યામાં ભારતીયોને માથે પકડાઈ જવા અને દેશનિકાલનું જોખમ રહેશે.