મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપના એંધાણ! ઠાકરે બંધુઓ હાથ મિલાવે તો બદલાઈ જશે સમીકરણ
Maharashtra Politics: મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ઠાકરે બંધુ ચર્ચામાં છે. શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરે અને તેના પિતરાઈ ભાઈ MNS (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના) ચીફ રાજ ઠાકરેની સાથે આવવાની ચર્ચા તેજ થઈ રહી છે. જોકે, આ સંભાવના નિવેદનબાજી પર આધારિત છે. ઠાકરે પરિવારનો વિવાદ ખતમ થઈ ગયો કે શું? તે વિષય પર પણ વિશ્લેષણો થઈ રહ્યા છે. બંને ભાઈના હાથ મિલાવવાની સંભાવના પાછળ કોઈ રાજકીય મજબૂરી છે કોઈ બીજું સમીકરણ છે જે બંનેને પોતાના મતભેદ ભૂલવા મજબૂર કરી રહ્યું છે તે વિશે અટકળો ચાલી રહી છે.
હકીકતમાં, મહારાષ્ટ્રના રાજકારણમાં ઠાકરે પરિવારનો દબદબો માનવામાં આવે છે. ખાસકરીને મુંબઈ અને મરાઠવાડાના શહેરી વિસ્તારોમાં તેમની પકડ આજે પણ મજબૂત માનવામાં આવે છે. ઠાકરે પરિવારનો આધાર મરાઠી અસ્મિતા, હિન્દુત્વ અને શહેરી વોટબેન્ક પર રહ્યો છે. શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ બાલ ઠાકરેના દીકરા છે. જોકે, ઉદ્વવ ઠાકરેના પિતરાઈ ભાઈ રાજ ઠાકરેને બાલ ઠાકરેની શૈલીવાળા લોકપ્રિય નેતાના રૂપે માનવામાં આવે છે.
મહારાષ્ટ્રમાં અસ્તિત્વની લડાઈ
વર્ષ 2006માં બંને ભાઈઓ વચ્ચે મતભેદના કારણે વિવાદ થયો અને બંનેના રસ્તા અલગ થઈ ગયા. રાજ ઠાકરેએ શિવસેનાથી અલગ થઈને MNS બનાવવામાં આવી. યુવાઓ અને આક્રામક ભાષણોને કારણે રાજ ઠાકરે લોકપ્રિય થયા, પરંતુ પોતાની પાર્ટી ક્યારેય શિવસેના જેટલી મોટી ન બની શકી. હાલ વિધાનસભા ચૂંટણીમાં તે ખાતું પણ નથી ખોલાવી શક્યા અને પાર્ટી પર સિમ્બોલ ગુમાવવાનું જોખમ પણ ઊભું થયું છે. હાલ રાજ ઠાકરેનું વલણ હિન્દુત્વ અને રાષ્ટ્રવાદ પર કેન્દ્રિત છે.
શું ઉદ્ધવ સેના દબાણમાં છે?
બીજીબાજુ, 2019માં ઉદ્ધવ ઠાકરેએ ભાજપથી અલગ થઈને મહાવિકાસ અઘાડીની સરકાર બનાવી હતી. આ ગઠબંધનમાં NCP અને કોંગ્રેસ પ્રમુખ રૂપ હતી. આ બંને પાર્ટી એક સમયે શિવસેનાના વિચારધારાની વિરોધી હતી. આ જ કારણે અમુક હિન્દુત્વ સમર્થકોમાં નારાજગી જોવા મળી. જેની અસર ચૂંટણીમાં પણ જોવા મળી.
શિંદે સેનાની ચુનોતી
એકનાથ શિંદેએ 2022માં બળવો કર્યો અને 40થી વધારે ધારાસભ્યો સાથે એનડીએનો ભાગ બની ગયા. ભાજપના સમર્થનથી શિંદે મુખ્યમંત્રી બન્યા. હવે તે શિવસેનાના નામ અને ચૂટણી ચિહ્નના કાયદેસર દાવેદાર છે. હકીકતમાં તેમનું જૂથ ઠાકરે પરિવારના પ્રભાવને ચેલેન્જ કરી રહ્યા છે. શિંદે જૂથ શિવસેનાની પારંપારિક વોટ બેન્ક (ઠાકરે પરિવાર)માં સીધો પ્રભાવ પાડી રહ્યા છે.
હાલ, મહારાષ્ટ્રના રાજકારણમાં ત્રિકોણીયું બની ગયું છે. ઉદ્ધવ ઠાકરે (શિવસેના-યુબીટી), રાજ ઠાકરે (MNS) અને એકનાથ શિંદે (EC પાસેથી માન્યતા પ્રાપ્ત શિવસેના). ત્રણેય મરાઠી અસ્મિતા અને હિન્દુત્વની અલગ-અલગ વ્યાખ્યા કરી રહ્યા છે અને વોટબેન્કની ખેંચતાણ આ પરિવારની અંદર ચાલી રહ્યું છે.
શું ચૂંટણી પરિણામોએ અરીસો બતાવ્યો?
ઠાકરે પરિવારમાં થયેલા સંઘર્ષનું પરિણામ વિધાનસભા ચૂંટણીમાં પણ જોવા મળ્યું. ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT)એ કુલ 94 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 20 બેઠકો જીતી હતી. મુંબઈમાં 36 બેઠકો પર ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યા હતા અને 10 બેઠકો પર વિજય મેળવ્યો હતો. મુખ્ય બેઠકો વરલી, માહિમ, વર્સોવા, જોગેશ્વરી પૂર્વ, વાંદ્રે પૂર્વ છે.
માહિમ બેઠક પર અમિત ઠાકરે (રાજ ઠાકરેના પુત્ર) ત્રીજા ક્રમે આવ્યા હતાં. માહિમ બેઠક પર ઉદ્ધવ જૂથે જીત મેળવી છે. આ ચૂંટણીમાં રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ 125 બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા હતા. જોકે, કોઈ પણ ઉમેદવાર ચૂંટણી જીતી શક્યો નહીં. આ હારથી MNSનું અસ્તિત્વ જોખમમાં મુકાયું. MNSએ પોતાના નિરાશાજનક પ્રદર્શનને કારણે માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષનો દરજ્જો અને તેના 'રેલ એન્જિન' ચૂંટણી પ્રતીક ગુમાવવાનું જોખમ અનુભવી રહી છે.
જોકે, રાજ ઠાકરેના ઉમેદવારને ઉતારીને, ઉદ્ધવ જૂથને મોટો ફાયદો થયો અને તેનાથી શિંદે જૂથને સીધું નુકસાન થયું. શિંદે જૂથના ઉમેદવારો ઘણી બેઠકો પર થોડા હજાર મતોના માર્જિનથી ચૂંટણી હારી ગયા. MNS ઉમેદવારોના મતોના વિભાજનથી ઉદ્ધવ સેનાને જીતવામાં મદદ મળી. મુંબઈમાં 36 બેઠકો છે અને MNSએ 25 બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા હતા.
ભેગા થવાની ચર્ચા શા માટે?
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહા વિકાસ આઘાડીને મોટી હારનો સામનો કરવો પડ્યો, ત્યારબાદ ઘણા લોકોએ શિવસેના (UBT)ના અસ્તિત્વ પર સવાલ ઉઠાવ્યા. બીજી બાજુ, રાજ ઠાકરેની MNS ચૂંટણીમાં પોતાનું ખાતું પણ ખોલાવી શકી નહીં. ઘણા લોકોએ એવી ઇચ્છા વ્યક્ત કરી કે બંને ભાઈઓ તેમના પક્ષના અસ્તિત્વ અને મહારાષ્ટ્રના હિત માટે સાથે આવે.
BMC ચૂંટણીઓ અને અસ્તિત્વની લડાઈ...
લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ પછી, હવે મહારાષ્ટ્રમાં મ્યુનિસિપલ ચૂંટણીઓનો વારો છે. ત્રણ વર્ષથી પેન્ડિંગ રહેલી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ આ ઓક્ટોબરમાં યોજાઈ શકે છે. વિધાનસભા ચૂંટણીમાં વિજય બાદ, NDA BMC કબજે કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યું છે અને શિવસેના પણ BMCની સત્તા ગુમાવવા માંગતી નથી. મુંબઈમાં શિવસેના અને ઠાકરે પરિવારનો પ્રભાવ જાણીતો છે. જો MNS અને શિવસેના (UBT) ગઠબંધનનો ભાગ બને છે, તો રાજ્યના રાજકીય વાતાવરણમાં ફેરફાર થવાની શક્યતા છે.
આ પણ વાંચોઃ જસ્ટિસ વર્માના ઘરેથી મળેલી રોકડ પોલીસે જપ્ત કેમ ન કરી? અધિકારીઓએ કર્યો મોટો ખુલાસો
શું સમીકરણો બદલાશે?
જો બંને ભાઈઓ ફરી એક થાય છે, તો ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ સામેની તેમની લડાઈ માત્ર શક્તિની કસોટી જ નહીં પરંતુ ભવિષ્યના જોડાણો માટે પણ માર્ગ મોકળો કરશે. BMCને શિવસેનાનો ગઢ માનવામાં આવે છે. જો ઉદ્ધવ સેના BMC ચૂંટણી હારી જાય છે, તો તેઓ શિવસેનાની વાસ્તવિક લડાઈમાં ઘણા પાછળ રહી જશે.
શું રાજ અને ઉદ્ધવ ઠાકરે એકસાથે આવી શકે છે?
રાજ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે સંભવિત જોડાણની વાતો સાચી પડે છે કે નહીં તે આગામી દિવસોમાં સ્પષ્ટ થઈ જશે. જોકે, રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે આનાથી શિંદે અને મહાગઠબંધનના અન્ય નેતાઓ નારાજ થયા છે.
હાલમાં, મહારાષ્ટ્રના રાજકારણમાં કોઈ પણ નેતા પોતાના હરીફોની પ્રવૃત્તિઓને અવગણી શકે નહીં. શિંદેની પ્રતિક્રિયાએ તેમના આંતરિક અશાંતિને છતી કરી છે, પરંતુ તે જોવાનું રસપ્રદ રહેશે કે તેની તેમના રાજકીય ભવિષ્ય પર શું અસર પડે છે.