308નો ભોગ લેનાર વાયનાડ વિનાશ પાછળનું કારણ શું હતું? કેન્દ્રીય પર્યાવરણ મંત્રીએ કર્યો ખુલાસો

Updated: Aug 6th, 2024


Google NewsGoogle News

308નો ભોગ લેનાર વાયનાડ વિનાશ પાછળનું કારણ શું હતું? કેન્દ્રીય પર્યાવરણ મંત્રીએ કર્યો ખુલાસો 1 - image

Image: Facebook

Wayanad Landslide: ગયા મંગળવારે એટલે કે 29 જુલાઈની મોડી રાત્રે કેરળના વાયનાડમાં તબાહીનું પૂર આવ્યું અને ઘણા પરિવારોને ઉજાડી દીધા. આજે આ ઘટનાને 8 દિવસ થઈ ચૂક્યા છે. 180 લોકો હજુ પણ લાપતા છે. એક અઠવાડિયાના રેસ્ક્યુ ઑપરેશનમાં 308 મૃતદેહો બહાર કઢાયા છે, જેમાં 180 લોકોની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. દુર્ઘટના બાદ તમામના મોં પર બસ એક જ સવાલ હતો કે આખરે આની પાછળનું શું કારણ હતું? કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે આ મુદ્દે મૌન તોડ્યું છે. 

પર્યાવરણ મંત્રીએ ગણાવ્યા કારણ

પર્યાવરણ મંત્રીનું કહેવું છે કે ગેરકાયદેસર ખાણકામ, અનિયંત્રિત નિર્માણ અને વધતી કોમર્શિયલ એક્ટિવિટીઝ આ ઘટનાનું મુખ્ય કારણ હોઈ શકે છે. કેન્દ્ર તરફથી ગયા વર્ષે 4 લેન રોડ વાળી સુરંગને લીલી ઝંડી મળી હતી. તે બાદ કેન્દ્ર સરકારે વાયનાડમાં કોઈ પણ પ્રકારના વિકાસ કાર્યને મંજૂરી આપી નથી. આ સુરંગનો હેતુ કોઝિકોડ અને વાયનાડને આંતરિક રીતે જોડવાનો હતો. જો કે આ પ્રોજેક્ટનું કાર્ય હજુ સુધી શરુ થયું નથી.

અંધાધૂંધ વિકાસ

કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના જણાવ્યા અનુસાર કોઈ પણ પરિયોજનાને મંજૂરી આપવા માટે ટોપોગ્રાફી અને ભૂ-આકૃતિની તપાસ કરવી જરૂરી હોય છે. છેલ્લાં 10 વર્ષથી રાજ્ય સરકારે આ બાબતો પર ધ્યાન આપ્યા વિના વિકાસ કાર્યોને વધાર્યા છે. આ કારણ છે કે ભારે વરસાદમાં બધું જ તબાહ થઈ ગયું અને આ ભયંકર આપત્તિ જોવા મળી. 

3 વર્ષમાં 3 ખાણોના ખનન માટે મંજૂરી

પર્યાવરણ અધિકારીઓના જણાવ્યા અનુસાર ત્રણ વર્ષમાં કેરળ સરકારે ત્રણ ખાણોના ખનનને મંજૂરી આપી છે, જેમાં એક ગ્રેનાઇટની ખાણ પણ સામેલ છે. ત્રણ દિવસના મુશળધાર વરસાદ બાદ 30 જુલાઈએ વાયનાડમાં સતત 2 ભૂસ્ખલન જોવા મળ્યા, જેણે ઘણા લોકોના જીવ લીધા. 

કમિટીના રિપોર્ટની અવગણના

કેન્દ્ર સરકાર દ્વારા રચિત ગડગિલ કમિટી અને કસ્તૂરીરંગન કમિટીએ પશ્ચિમી ઘાટના ઘણા વિસ્તારોને સંવેદનશીલ ગણાવ્યા હતા. જો કે કમિટીના સૂચન પણ વિકાસમાં સમાઈ ગયા અને પરિણામ કેરળ લેન્ડસ્લાઇડ તરીકે સૌની સામે છે. 


Google NewsGoogle News