'અચાનક મહાકુંભ માટે સ્પેશિયલ ટ્રેનની જાહેરાત થઇ અને..' નવી દિલ્હી નાસભાગનું કારણ સામે આવ્યું!
Delhi Railway Station Stampede: નવી દિલ્હી રેલવે સ્ટેશન પર શનિવારે (15મી ફેબ્રુઆરી) મોડી રાત્રે થયેલી નાસભાગમાં 18 લોકો મૃત્યુ નિપજ્યા છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે લોકનાયક જય પ્રકાશ નારાયણ હોસ્પિટલ અને લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા. નાસભાગમાં જીવ ગુમાવનારાઓમાં 9 મહિલાઓ, 4 પુરુષો અને 5 બાળકોનો સમાવેશ થાય છે. પ્રયાગરાજ મહાકુંભમાં જતા મુસાફરોની ભારે ભીડ સાંજથી નવી દિલ્હી રેલવે સ્ટેશન પર એકઠી થવા લાગી હતી, છતાં વહીવટીતંત્રે સમયસર વ્યવસ્થા અને ભીડ વ્યવસ્થાપનનું ધ્યાન રાખ્યું ન હતું.
નાસભાગ કેવી રીતે થઈ?
અહેવાલો અનુસાર, રેલવેએ કુંભ માટે ખાસ ટ્રેનની જાહેરાત કરી હતી, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. જ્યારે રેલવેએ ભારે ટિકિટ વેચાણ થતા, તેમણે ખાસ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો, પરંતુ ભીડને સંભાળવા માટે પૂરતી વ્યવસ્થા નહોતી.
રેલવેએ અચાનક સ્પેશિયલ ટ્રેનની જાહેરાત કરી
પ્રયાગરાજ કુંભ જતી ટ્રેન પ્લેટફોર્મ નંબર 14 પર રાહ જોઈ રહી હતી. આ દરમિયાન ત્યાં પહેલેથી જ મોટી ભીડ હાજર હતી, અને અન્ય મુસાફરો પણ ત્યાં પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
આ પણ વાંચો: નવી દિલ્હીમાં રેલવે સ્ટેશને નાસભાગ મામલે વિપક્ષ આક્રમક, સરકારને કર્યો સવાલ- જવાબદાર કોણ?
રેલવેએ અચાનક પ્લેટફોર્મ નંબર 16 પરથી એક ખાસ ટ્રેનની જાહેરાત કરી. જે મુસાફરો પહેલાથી જ પ્લેટફોર્મ 14 પર જવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેઓ હવે પ્લેટફોર્મ 16 તરફ પણ દોડવા લાગ્યા, જેના કારણે અફરાતફરી સર્જાઈ હતી. ભીડ બેકાબૂ થઈ ગઈ અને લોકો એકબીજા પર પડવા લાગ્યા. આ નાસભાગનું કારણ બન્યું હતું.
RPFના કર્મચારીઓની તહેનાતી સંતુલિત નહોતી
એર રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના કર્મચારીઓની તહેનાતી સંતુલિત નહોતી, જેના કારણે ભીડને નિયંત્રિત કરવામાં મુશ્કેલીઓ ઊભી થઈ અને પરિસ્થિતિ વધુ ખરાબ થઈ.