માધબી બુચ કેવી નોકરી કરતા હતા કે પગાર કરતાં પેન્શન વધુ હતું : કોંગ્રેસ
- આઈસીઆઈસીઆઈ બેન્કના ખુલાસા સામે પવન ખેરાના નવા આરોપ
- માધબી બુચનો સરેરાશ પગાર 2007થી 13 સુધી રૂ. 1.30 કરોડ હતો, પેન્શનરૂપે રૂ. 2.77 કરોડ મેળવ્યા : પવન ખેરા
નવી દિલ્હી : અદાણી જૂથ પછી હવે સેબીનાં વડાં માધબીપુરી બુચ વિરુદ્ધ મોરચો ખોલનારી કોંગ્રેસે તેમના પર 'હિતોના ઘર્ષણ'ના આરોપ મૂક્યા હતા. હવે વિપક્ષ કોંગ્રેસે મંગળવારે માધબી બુચ પર નવેસરથી હુમલો કર્યો છે અને સવાલ કર્યો છે કે તેઓ એવી કઈ નોકરી કરતા હતા, જેમાં તેમને પગાર કરતાં પેન્શન વધુ મળતું હતું. આ સાથે કોંગ્રેસે માધબીબુચના વિવાદમાં વડાપ્રધાન મોદીને તેમની નિમણૂક મુદ્દે ક્લીન થવા પડકાર ફેંક્યો છે.
કોંગ્રેસ પ્રવક્તા પવન ખેરાએ સેબીનાં વડાં માધબીપુરી બુચ એક જ સમયે ત્રણ-ત્રણ જગ્યાએથી પગાર લેતા હતા તેવો સોમવારે આરોપ મુક્યો હતો. તેમણે કહ્યું કે માધબીપુરી નિવૃત્તિ પછી પણ આઈસીઆઈસીઆઈ બેન્કમાંથી નાણાકીય લાભ મેળવી રહ્યા હતા, જે હિતોનો સંઘર્ષ છે. આઈસીઆઈસીઆઈએ આ આક્ષેપોને નકારી કાઢતાં ખુલાસો કર્યો હતો કે માધબી પુરી બુચ ૨૦૧૩માં નિવૃત્ત થયા પછી તેમને કોઈ પગાર અથવા ઈએસઓપી ચૂકવાયા નથી. જોકે, હવે કોંગ્રેસે મંગળવારે નવેસરથી આઈસીઆઈસીઆઈ બેન્ક પર સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા પવન ખેરાએ જણાવ્યું કે, આઈસીઆઈસીઆઈ બેન્કે તેના નિવેદનમાં ખુલાસો આપવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ હકીકતમાં તેણે વધુ માહિતી પૂરી પાડી છે અને તેમના પક્ષના આરોપોની પુષ્ટી કરી છે. બેન્કે દાવો કર્યો છે કે બુચને ચૂકવાયેલી રકમ બેન્કમાં તેમના કામ કરવા દરમિયાન તેમણે મેળવી હતી અને તે તેમનો 'સેવા નિવૃત્તિ લાભ' છે. આ જવાબના સંદર્ભમાં ખેરાએ સવાલ કર્યો કે માધબીબુચને અપાયેલી રકમ તેમના 'સેવા નિવૃત્તિ લાભ' હતા તો તેની આવૃત્તિ અને રકમમાં એકસમાનતા કેમ નહોતા?
સવાલ કર્યો કે, ૨૦૧૪-૧૫માં માધબી પુરી બુચ અને આઈસીઆઈસીઆઈ બેન્ક વચ્ચે સેટલમેન્ટના ભાગરૂપે રૂ. ૫.૦૩ કરોડ ચૂકવાયા હતા અને ૨૦૧૫-૧૬માં બુચને બેન્ક તરફથી કોઈ નાણાકીય લાભ નહોતો અપાયો તો ૨૦૧૬-૧૭માં પેન્શન ફરીથી શરૂ શા માટે કરાયું, જે ૨૦૨૧ સુધી ચાલુ રહ્યું? વધુમાં માધબીપુરી બુચ એવી કેવી નોકરી કરતા હતા, જેમાં તેમને પગાર કરતાં વધુ પેન્શન મળ્યું છે.
ખેરાએ સવાલ કર્યો કે, વર્ષ ૨૦૦૭-૦૮થી ૨૦૧૩-૧૪ સુધી માધબીપુરી બુચ આઈસીઆઈસીઆઈ બેન્કમાં હતા ત્યારે તેમનો સરેરાશ પગાર વાર્ષિક રૂ. ૧.૩૦ કરોડ હતો. પરંતુ માધબી બુચનું સરેરાશ પેન્શન રૂ. ૨.૭૭ કરોડ હતું. કોઈ વ્યક્તિને કર્મચારી તરીકે પગાર કરતાં નિવૃત્તિના લાભ વધુ કેવી રીતે મળી શકે? ખેરાએ જણાવ્યું કે તેમને આશા છે કે માધબીપુરી બુચ જવાબ આપશે કે ૨૦૧૬-૧૭માં તથાકથિત પેન્શન ફરીથી શા માટે શરૂ કરાયું? તેમણે ઉમેર્યું કે, ૨૦૧૬-૧૭માં માધબીપુરી બુચનું રૂ. ૨.૭૭ કરોડનું પેન્શન ત્યારે ફરી શરૂ થયું જ્યારે તેઓ સેબીમાં પૂર્ણકાલિન સભ્ય બની ગયા હતા.
ખેડાએ જણાવ્યું કે, બેન્કે ખુલાસો કર્યો છે કે સેવાનિવૃત્ત કર્મચારીઓ સહિત કર્મચારીઓ પાસે ૧૦ વર્ષના સમય સુધીમાં કોઈપણ સમયે તેમના ઈએસઓપીનો ઉપયોગ કરવાનો વિકલ્પ હતો. જોકે, બેન્કે તેની વેબસાઈટ પર જાહેરરૂપે જે એકમાત્ર ઈએસઓપી નીતિનો ખુલાસો કર્યો છે તે અમેરિકન સિક્યોરિટીઝ એક્સચેન્જ કમિશનની વેબસાઈટ પર અપલોડ કરાઈ છે અને તેમાં સ્પષ્ટરૂપે કહેવાયું છે કે પૂર્વ કર્મચારી પોતાની સેવા નિવૃત્તિ પછી મહત્તમ ત્રણ મહિનામાં તેના ઈએસઓપીનો ઉપયોગ કરી શકે છે.
કોંગ્રેસ નેતાએ સવાલ કર્યો કે આ 'સુધારેલી નીતિ' ક્યાં છે, જેના હેઠળ માધબી પુરી બુચ તેમની સેવાઓની સ્વૈચ્છિક સમાપ્તીના આઠ વર્ષ પછી ઈએસઓપીનો ઉપયોગ કરવા સક્ષમ હતાં?