Get The App

મત આપવા માટે EVM છે તો આ VVPAT એટલે શું? કેમ વિપક્ષ દ્વારા કરાઈ છે તમામ પરચીની ગણતરીની માગ, જાણો વિગતવાર

Updated: Apr 13th, 2024


Google NewsGoogle News
મત આપવા માટે EVM છે તો આ VVPAT એટલે શું? કેમ વિપક્ષ દ્વારા કરાઈ છે તમામ પરચીની ગણતરીની માગ, જાણો વિગતવાર 1 - image


Loksabha Election 2024, What is VVPAT: લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની શરૂઆત 19 એપ્રિલથી થઈ જશે. આ પહેલા VVPATનો મુદ્દો ગરમાયો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તે VVPAT પરચીની 100% વેરિફિકેશનની માગ વાળી વિપક્ષી પાર્ટીઓની અરજી પર જલ્દી સુનાવણી કરશે. શું છે VVPAT મશીન? (What is VVPAT)

VVPAT એટલે વોટર વેરિફાયેબલ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT). VPAT મશીન EVAના બેલેટ યુનિટ સાથે જોડાયેલ હોય છે. મતદાન કર્યા બાદ તરત જ આ મશીનમાંથી કાગળની પરચી પ્રિન્ટ થાય છે. આ પરચી દ્વારા તમે તમારા વોટને વેરિફાય કરી શકો છો. પરચી પર જે ઉમેદવારને મત આપ્યો છે તેનું નામ, સીરીયલ નંબર અને ચૂંટણી ચિન્હ છપાયેલું હોય છે.

આ પરચી VVPAT મશીનમાં એક ગ્લાસ વિન્ડો પાછળ સાત સેકન્ડ માટે દેખાય છે. આ પરચી દ્વારા વોટ વેરીફાય કરી શકાય છે. ત્યારબાદ આ પરચી VVPAT મશીનની નીચે લાગેલા કમ્પાર્ટમેન્ટમાં પડી જાય છે. સરળ શબ્દોમાં કહીએ તો VVPAT દ્વારા તમને તરત જ ખબર પડી જાય કે, તમે EVMમાં જે ઉમેદવારને તમારો મત આપ્યો તેને જ તમારો મત ગયો છે કે નહીં.

શું મતદારને VVPAT પરચી મળે છે?

VVPAT પરચી મતદારોને નથી મળતી અને તેઓ તેને પોતાની સાથે ઘરે નથી લઈ જઈ શકતા, કારણ કે બાદમાં રેન્ડમ રીતે વોટ વેરીફાય કરવામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે VVPATના ફિઝિકલ વેરિફિકેશન પાછળનો આઈડિયા આ છે કે, મતદારો અને રાજકીય પક્ષો બંનેને એ ખાતરી આપી શકાય કે, મતદાન પારદર્શી રીતે સંપન્ન થયુ છે.

ક્યારે શરૂ થઈ VVPAT વ્યવસ્થા?

VVPATનો આઈડિયા પ્રથમ વખત વર્ષ 2010માં સામે આવ્યો હતો. તે સમયે ચૂંટણી પંચે કહ્યું હતું કે ભારતમાં EVM આધારિત ચૂંટણી પ્રક્રિયાને વધુ પારદર્શી બનાવવા માટે આવી સિસ્ટમની જરૂર છે. તે સમયે ચૂંટણી પંચે તમામ રાજકીય પક્ષો સાથે બેઠક પણ યોજી હતી. ત્યારબાદ ચૂંટણી પંચે VVPATનો એક પ્રોટોટાઈપ તૈયાર કર્યો હતો. લદાખ, તિરુવનંતપુરમ, ઈસ્ટ દિલ્હી અને જેસલમેરમાં 2011માં તેનું ફિલ્ડ ટ્રાયલ કરવામાં આવ્યુ હતું. આગામી થોડા મહિનામાં વધુ રાજ્યોમાં ટ્રાયલ કરાઈ. ફેબ્રુઆરી 2013માં ઈલેક્શન કમિશનની એક્સપર્ટ કમિટીએ VVPATની ડિઝાઈનને ફાઈનલ કરી. આ જ વર્ષના અંતમાં ઈલેક્શન રુલ્સ 1961 (Elections Rules, 1961)માં સુધારો કરીને VVPAT ની જોગવાઈ ઉમેરવામાં આવી હતી.

પ્રથમ વખત ક્યારે થયો ઉપયોગ?

વર્ષ 2013માં જ પ્રથમ વખત નાગાલેન્ડની વિધાનસભા ચૂંટણીમાં VVPATનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ચૂંટણી પંચેતબક્કાવાર અલગ-અલગ ચૂંટણીમાં VVPATનો સામેલ કર્યું અને 2017 સુધીમાં તો દરેક સ્તરે તમામ ચૂંટણીઓમાં VVPAT ફરજિયાત બની ગયું.

હાલમાં કેટલી VVPAT પરચીની ગણતરી થાય છે?

ફેબ્રુઆરી 2018માં ચૂંટણી પંચે દરેક વિધાનસભા ક્ષેત્રથી રેન્ડમ રીતે પસંદ કરાયેલા એક પોલિંગ સ્ટેશનની VVPAT પરચીની ગણતરી ફરજિયાત કરાવી દીધી હતી. બાદમાં વર્ષ 2019માં દરેક વિધાનસભા બેઠકના પાંચ મતદાન મથકો સુધી તેનો વિસ્તાર કરી દેવામાં આવ્યો હતો. કોઈ વિધાનસભા બેઠકના કયા પાંચ પોલિંગ સ્ટેશનની VVPATની ગણતરી કરવામાં આવશે તેનો નિર્ણય સંબંધિત રિટર્નિંગ ઓફિસર દ્વારા ઉમેદવારો/તેમના એજન્ટોની હાજરીમાં ડ્રો દ્વારા કરવામાં આવે છે.

લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે 

VVPAT ને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે અને કાનૂની લડાઈ ચાલી રહી છે. પહેલા સુબ્રમણ્યમ સ્વામી VVPATનો મુદ્દો લઈને સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. આ કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે નિષ્પક્ષ ચૂંટણીઓ માટે પેપર ટ્રેલ ફરજિયાત છે અને સરકારે VVPAT રોલ્સ માટે ભંડોળ પૂરું પાડવું પડશે. ત્યારબાદ વર્ષ 2019માં ચંદ્રાબાબુ નાયડુ સુપ્રીમ કોર્ટમાં ગયા અને માગ કરી કે ઓછામાં ઓછા 50% રેન્ડમ VVPAT ની ગણતરી થવી જોઈએ. ત્યારબાદ ચૂંટણી પંચે દલીલ કરી હતી કે જો આમ કરવામાં આવે તો મત ગણતરી અને પરિણામોમાં ઓછામાં ઓછા 5 થી 6 દિવસનો સમય લાગશે.

EC કેમ 50% VVPAT ગણતરીની વિરુદ્ધ

ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં પહેલા જે સબમિશન આપ્યું છે તે પ્રમાણે ચૂંટણી અધિકારીઓને એક પોલિંગ બૂથની VVPAT પરચીને EVM સાથે મેચ કરવામાં ઓછામાં ઓછો એક કલાકનો સમય લાગે છે. કારણ કે, VVPAT પરચીની ગણતરી સબંધિત પોલિંગ સ્ટેશનના EVM વોટને ટેબ્યુલેટેડ કર્યા બાદ જ થઈ શકે છે. આવી સ્થિતિમાં પાંચ મતદાન કેન્દ્રો માટે ગણતરીમાં 5 કલાકનો વિલંબ થાય છે. 

કેમ વિપક્ષ દ્વારા કરાઈ તમામ પરચીની ગણતરીની માંગ

વિપક્ષ ઘણાં સમયથી ચૂંટણીમાં ધાંધલી અને EVM સાથે છેડછાડનો આરોપ લગાવી રહ્યાં છે. તેમની દલીલ છે કે ચૂંટણીમાં પારદર્શિતા માટે પાંચથી વધુ પોલિંગ બૂથની VVPAT પરચીની ગણતરી થવી જોઈએ. વિરોધ પક્ષોનો તર્ક છે કે ચૂંટણીની નિષ્પક્ષતા ચૂંટણી પરિણામોમાં વિલંબ કરતા વધુ જરૂરી છે. વિરોધ પક્ષોની 50 થી 100% સુધી VVPAT પરચીઓની ગણતરીની માગ છે. આ અગાઉ ડિસેમ્બરમાં વિપક્ષી I.N.D.I.A. ગઠબંધને એક પ્રસ્તાવ પસાર કરીને 100% VVPATની ગણતરીની માગ કરી હતી. તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર સાથે આ મુદ્દે ચર્ચાની માગ પણ કરી હતી પરંતુ વાત આગળ નહોતી વધી શકી. 


Google NewsGoogle News