બાસમતી ચોખા વિદેશોમાં વેચીને ભારત અજાણતા પાણીની પણ નિકાસ કરી રહ્યું છે, શું છે આ વર્ચ્યુઅલ વૉટર ટ્રેડ?
એક બાજુ ભારતના શહેરો ઉનાળો શરુ થતા પહેલા જ પાણીના સંકટનો સામનો કરી રહ્યા છે
જયારે બીજી બાજુ ભારત ચોખાની નિકાસ કરતા દેશોમાં ટોચનું સ્થાન ધરાવે છે
Virtual Water Trade basmati rice cultivation and connection with water scarcity: IT હબ બેંગલુરુ પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે, પૂરતો વરસાદ થયો નથી, જેના કારણે કાવેરી નદીમાં પાણીનું સ્તર ઘટી ગયું છે. આ અછત માત્ર પીવાના પાણીને અસર કરતી નથી પણ સિંચાઈને પણ અસર કરે છે. વધુમાં, તાજેતરના મહિનાઓમાં વરસાદના અભાવને કારણે બેંગલુરુમાં બોરવેલ સુકાઈ રહ્યા છે. જેના કારણે પાણીના અછતની સમસ્યા સર્જાઈ છે. જો કે આ પાણીની સમસ્યા તો વૈશ્વિક છે. જેને પહોંચી વળવા દેશ ઘણી વ્યૂહરચના અપનાવતા હોય છે. જેમાં ઘણા દેશ દ્વારા વધુ પાણી લેતા પાકના ઉત્પાદન પર પ્રતિબંધ મૂકી દીધો છે, જેના કારણે તેઓ અન્ય દેશોમાંથી પાણી તેમજ કૃષિ ઉત્પાદનો ખરીદે છે. જે બાબતે એક બ્રિટિશ ભૂગોળશાસ્ત્રીએ વર્ચ્યુઅલ વોટર ટ્રેડ નામનો નવો શબ્દ રજૂ કર્યો, જે આંખો ખોલી નાખે એવો છે. ચાલો જાણીએ કે તે શું છે.
ભારત ચોખાની નિકાસમાં ટોચ પર
આવી ગંભીર પાણીની અછતની સ્થિતિ વચ્ચે પણ ભારત ચોખાની નિકાસ કરતા દેશોમાં ટોચનું સ્થાન ધરાવે છે. પાણીની નિકાસ અને ભારતનું ચોખાની નિકાસમાં ટોચ પર રહેવું એ એકબીજા સાથે સીધો સંબંધ ધરાવે છે. વર્ષ 2014-15માં ભારતે 37 લાખ ટન બાસમતી ચોખાની અન્ય દેશમાં નિકાસ કરી હતી. પરંતુ તેના ઉત્પાદનમાં 10 ટ્રિલિયન લીટર પાણીનો ઉપયોગ ચોખાની ખેતીમાં થતો હતો. આ વર્ચ્યુઅલ વોટર ટ્રેડિંગ છે. ઘણા દેશોએ મોટા પ્રમાણમાં પાણીનો વપરાશ કરતા પાક ઉગાડવાનું લગભગ બંધ કરી દીધું છે.
ઘણા દેશોએ અનાજનું ઉત્પાદન કર્યું બંધ
વર્ચ્યુઅલ વોટર શબ્દ લગભગ 30 વર્ષ પહેલા ચર્ચામાં આવ્યો હતો. જેણે પાણી બાબતે લોકોની આંખો ખોલી નાખી છે. ખાસ કરીને એવા દેશો માટે કે જેઓ પુષ્કળ પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરીને મોટા પાયે પાકનું ઉત્પાદન કરતા હતા. હકીકતમાં, 90 ના દાયકા પછી, વિપુલ પ્રમાણમાં પાણી અને ફળદ્રુપ જમીન ધરાવતા વિશ્વના ઘણા દેશોએ અચાનક એક નીતિ બનાવી અને પાણીને બચાવવા માટે આ દેશોએ એવી નીતિ અપનાવી કે વધુ પાણી લેતા પાકોનું ઉત્પાદન બંધ કરી દીધું અને આવા પાક અન્ય દેશો પાસેથી આયાત કરવા લાગ્યા.
વર્ચ્યુઅલ વોટરની વાત કરી બ્રિટિશ ભૂગોળશાસ્ત્રીએ
બ્રિટિશ ભૂગોળશાસ્ત્રી જ્હોન એન્થોની એલને 1993માં વર્ચ્યુઅલ વોટર શબ્દ દુનિયા સમક્ષ મુક્યો હતો. તેમણે કહ્યું કે જ્યારે પણ કોઈ સારી વસ્તુ, ઉત્પાદન, ખાદ્યપદાર્થ કે સેવા કોઈને વેચવામાં આવે છે અથવા કોઈને આપવામાં આવે છે, ત્યારે તેની સાથે એ પણ જોવું જોઈએ કે તેને તૈયાર કરવામાં કેટલું પાણી ખર્ચવામાં આવ્યું છે. આ વાત ચોક્કસ નવી હતી પણ સમજી શકાય તેવી હતી. જો કે આ બાબતે ઘણો વિવાદ સર્જાયો હતો, પરંતુ વિશ્વએ તેની વાત સમજી લીધી. વર્ષ 2008માં એલનને સ્ટોકહોમ વોટર પ્રાઈસ પણ આપવામાં આવી હતી. જયારે હવે વર્તમાન સમયમાં માત્ર વર્ચ્યુઅલ વોટર ટ્રેડ શબ્દનો ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી, પરંતુ વેચાણ કરતા દેશોએ તેમની પેદાશો વેચતી વખતે તેના ઉત્પાદનમાં કેટલું પાણી ખર્ચવું પડશે તેની પણ વાત કરે છે.
કર્ણાટક અને પંજાબ જેવા રાજ્યમાં પાણીની તંગી
જો કોઈ પણ દેશ કે કંપની એવી પ્રોડક્ટ બનાવે છે જેમાં પાણીનો વધુ વપરાશ થાય છે, તો તે કંપની પર બોજ તો પડશે જ, પરંતુ તેની અસર વિશ્વ પર પણ પડશે. જમીનમાંથી પાણી ઘટશે. જેનો સામનો હાલ ઘણા પ્રદેશ કરી રહ્યા છે. કર્ણાટક કે પંજાબનો વિચાર કરીએ તો ત્યાં હાલમાં પાણીની તંગી છે. જે ત્યાં શેરડી અને ચોખાના ઉત્પાદનનું પરિણામ છે. પંજાબની પણ એવી જ હાલત છે, જે ચોખા ઉગાડવાનું ચાલુ રાખે છે.
જાપાન અને અમેરિકા જેવા દેશો શું કરી રહ્યા છે?
વિકસિત દેશો કહી શકાય એવા જાપાન, ઈજિપ્ત, ચીન, અમેરિકા જેવા દેશોએ પણ હવે અન્ય દેશો પાસેથી ખેત પેદાશો ખરીદવાને બદલે તેને જાતે ઉગાડવાની નીતિ અપનાવી છે અથવા અમુક અંશે તેમ કરી રહ્યા છે. કેટલાક દેશોએ એવી તકનીકો વિકસાવી છે કે કૃષિ પેદાશો અને ફળો તેમજ દૂધ અથવા માંસના ઉત્પાદનમાં લઘુત્તમ પાણીનો ઉપયોગ કરી શકાય.
વિશ્વની મોટી નદીઓ ઘરાવતા દેશની પ્રાથમિકતા
ઇજિપ્તમાં વિશ્વની બીજી સૌથી મોટી નદી નાઇલ અને યુફ્રેટીસમાં તેની વિપુલ પ્રમાણમાં પાણી અને ફળદ્રુપ જમીન છે. કેટલાક દાયકાઓ પહેલા સુધી, ઇજિપ્ત તેના પોતાના પાકનું ઉત્પાદન જાતે જ કરતુ હતું. પરંતુ હવે તેણે વધુ પાણી લેતા એવા ઘણા પાકનું ઉત્પાદન બંધ કરી દીધું છે અને આવા પાકની આયાત કરવાનું શરુ કરી દીધું છે. તેમજ ચીનમાં પણ વિશ્વની ત્રીજી સૌથી મોટી નદી યાંગ્ત્ઝે છે, પરંતુ ચીન પણ આ જ રસ્તો અપનાવી રહ્યું છે. આ ઉપરાંત ચીને એવા પાક વિકસાવ્યા છે જેનું ઓછા પાણીમાં પણ ઉત્પાદન થઇ શકે છે.
ચીન બહાર ખેતીની જમીનો ખરીદી રહ્યું છે
ચીન હવે ખેતી માટે આફ્રિકન દેશો તરફ જઈ રહ્યું છે. ત્યાં તેણે પુષ્કળ ખેતીની જમીન ખરીદી અને પાક ઉગાડવાનું શરૂ કર્યું. આવું કરીને, તે હવે તેના પાણી અને માટીને બચાવી રહ્યો છે અને આફ્રિકન દેશોના કુદરતી સંસાધનોનો સંપૂર્ણ ઉપયોગ કરી રહ્યો છે.
અમુક દેશએ ઓછા પાણીમાં પણ પાક લેવાની ટેકનોલોજી વિકસાવી છે
ઘઉં, ચોખા, કપાસ, કઠોળ, તેલીબિયાં વગેરેના ઉત્પાદનમાં દરેક દેશ તેના વાતાવરણ અને જમીન મુજબ પાણીનો વપરાશ કરતા હોય છે. સામાન્ય રીતે, અમેરિકા, ચીન, ઑસ્ટ્રેલિયાએ હવે બહુ ઓછા પાણીમાં પાક તૈયાર કરવાની ટેક્નોલોજી વિકસાવી છે. જયારે આ જ પાક ભારત, મેક્સિકો અથવા અન્ય ઘણા દેશોમાં બમણાથી ત્રણ ગણા પાણીની માત્રામાં ઉત્પન્ન થાય છે. કપાસ, કોફી, સોયાબીન, ચોખા અને નાળિયેર એ સૌથી વધુ પાણીનો વપરાશ કરતા ઉત્પાદનો છે.
એવા પાક કે જે પુષ્કળ પાણી લે છે
હવે એવા કેટલાક પાકો વિશે જાણીએ કે જે ઉત્પાદન સમયે ઘણું પાણી લે છે. ભારતના આયોજન પંચે પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે.
- એક કિલો કપાસ ઉગાડવા માટે 10 હજાર લીટર પાણીની જરૂર પડે છે
- એક કિલો ડાંગરનું ઉત્પાદન કરવા માટે 3 થી 5 હજાર લિટર પાણીની જરૂર પડે છે
- શેરડીના પાકને 1500 થી 2500 મીમી પાણીની જરૂર પડે છે.
- એક કિલો સોયા બનાવવા માટે લગભગ 900 લિટર પાણીની જરૂર પડે છે
પોતાના દેશનું પાણી બચાવો અને અન્ય દેશ પાસેથી ખરીદો
ઘણા દેશો ખેતી કરતી વખતે તેમના પાણીના સ્ત્રોતોને બચાવી રહ્યા છે અને અન્ય દેશો પાસેથી બોટલ્ડ શુધ્ધ પાણી ખરીદી રહ્યા છે. આ બાબતમાં અમેરિકા ટોચ પર છે. અમેરિકા ઇટાલીથી કેનેડા સુધીના ઘણા દેશો પાસેથી મોટા પાયે પાણી ખરીદે છે. જો કે ચીન પણ એવું જ કરી રહ્યું છે.
જયારે ભારત મોટા પાયે પાણી વેચાતો દેશ છે
વાણિજ્ય રાજ્ય મંત્રીએ ગયા વર્ષે લોકસભામાં જણાવ્યું હતું કે ભારતે 2015-16 અને 2020-21 વચ્ચે વિદેશોને 3,850,431 લિટર તાજા પાણીનું વેચાણ કર્યું હતું. ખનિજ, વાયુયુક્ત અને કુદરતી અને અન્ય પ્રકારના પાણી એમ ત્રણ કેટેગરીમાં ભારત પાણીની નિકાસ કરે છે. જેમાં 2019-20માં સૌથી વધુ પાણી ચીનને મોકલવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભારતમાંથી માલદીવ, યુએઈ, કેનેડા, સિંગાપોર, અમેરિકા, કતાર અને સાઉદી અરેબિયાને પણ પાણી વેચવામાં આવે છે. સૌથી રસપ્રદ વાત એ છે કે ભારત પાસે ચીન કરતા વધુ વરસાદી પાણી છે પરંતુ ભારત તેને બચાવી શકતું નથી અને ચીન પાસે ભારત કરતા વધુ પાણીનો ભંડાર છે.
દેશોમાં પાણીના ભંડાર
પીવાના પાણીના સ્ત્રોતની બાબતમાં બ્રાઝિલ નંબર વન પર છે. બ્રાઝિલ પાસે તેની 200 મિલિયન વસ્તી માટે 8233 ક્યુબિક કિલોમીટર તાજા પાણીનો ભંડાર છે. ભારત આ મામલે દસમા સ્થાને છે. કુદરતી પીવાના પાણીના સ્ત્રોતોની દ્રષ્ટિએ રશિયા બીજા સ્થાને, અમેરિકા ત્રીજા ક્રમે, કેનેડા ચોથા ક્રમે, ચીન પાંચમા ક્રમે, કોલંબિયા છઠ્ઠા, યુરોપિયન યુનિયન સાતમા, ઈન્ડોનેશિયા આઠમા અને પેરુ નવમા ક્રમે છે.