શું છે OCI કાર્ડ જેની રાષ્ટ્રપતિએ કરી છે જાહેરાત, આ દેશમાં રહેતા ભારતીયોને મળશે નવા અધિકારો
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ મોરેશિયસની ત્રણ દિવસીની મુલાકાત ગયા હતા
Overseas Citizenship of India : દેશભરમાં CAA લાગુ થઈ ગયો છે ત્યારે ભારતના રાષ્ટ્રપતિ (Indian President) દ્રૌપદી મૂર્મુએ તેમની મોરેશિયસ મુલાકાત દરમિયાન ઓવરસીઝ સિટીઝનશિપ ઓફ ઈન્ડિયા (OCI) કાર્ડને લઈને મોટી જાહેરાત કરી હતી. વિદેશમાં રહેતા ભારતીયો માટે આ કાર્ડના ઘણા ફાયદા છે ખાસ કરીને મોરેશિયસ (Mauritius)માં સ્થાયી થયેલા ભારતીય મૂળ (Indian origin)ની 7મી પેઢી પણ આ કાર્ડ મેળવી શકશે. તો ચાલો જાણીએ OCI કાર્ડ ક્યારે અને કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું અને તે ભારતીય નાગરિકતાથી કેવી રીતે અલગ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ મોરેશિયસના 56માં રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી.
રાષ્ટ્રપતિએ OCI કાર્ડને લઈને આ જાહેરાત કરી હતી
વિશ્વના ઘણા દેશોમાં ડબલ નાગરિકત્વની સુવિધા છે, પરંતુ ભારતીય નાગરિકતા કાયદા હેઠળ, જો કોઈ વ્યક્તિ અન્ય કોઈ દેશની નાગરિકતા સ્વિકારે છે, તો તેણે ભારતની નાગરિકતા છોડી દેવી પડે છે. આજે આવા લોકોની સંખ્યા લાખોથી પણ વધુ છે. આ એવા લોકો છે જેઓ બ્રિટન, કેનેડા, અમેરિકા જેવા દેશોમાં સ્થાયી થયા છે અને ત્યાંની નાગરિકતા સ્વિકારી લીધી છે, પરંતુ તેમનો સંબંધ ભારત સાથે છે. મોરેશિયસની તેમની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ (Draupadi Murmu)એ ભારતીય મૂળના લોકો કે જેઓ ઘણી પેઢીઓથી મોરેશિયસમાં રહે છે તેમને OCI કાર્ડ આપવા માટે એક વિશેષ જોગવાઈને મંજૂરી આપવાની જાહેરાત કરી હતી. એક રીતે જોઈએ તો મોરેશિયસમાં રહેતા ભારતીય મૂળના લોકો માટે આ એક મોટી ભેટ છે. ઉલ્લેખનીય છે કે મોરેશિયસમાં ભારતીય મૂળની 7મી પેઢી પણ OCI કાર્ડ માટે પાત્ર બનશે.
OCI કાર્ડ ક્યારે અસ્તિત્વમાં આવ્યું?
વિદેશમાં સ્થાયી થયેલા ભારતીય મૂળના લોકોએ તેમની ભારતીય નાગરિકતાનો છોડી દીધા પછી ભારત આવવા માટે વિઝા લેવા પડતા હતા. આવા લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે વર્ષ 2003માં પર્સન ઓફ ઇંડિયન ઓરિજિન (PIO)ઓ કાર્ડની જોગવાઈ કરી હતી. જો કે, આ પછી સરકારે 2006માં પ્રવાસી ભારતીય દિવસના અવસર પર હૈદરાબાદમાં OCI કાર્ડ આપવાની જાહેરાત કરી હતી. લાંબા સમય સુધી, PIO અને OCI કાર્ડ બંનેનો ઉપયોગ થતો રહ્યો હતો, પરંતુ ચાર વર્ષ પહેલાં 2015માં PIOની જોગવાઈ સમાપ્ત કરીને સરકારે OCI કાર્ડનો ઉપયોગ ચાલુ રાખવાની જાહેરાત કરી હતી.
OCI કાર્ડના શુ છે નિયમો?
OCI કાર્ડના પાત્ર ધારકો માટે કેટલાક મહત્વપૂર્ણ નિયમો છે. કાર્ડ માટે અરજદારના પૂર્વજો વર્ષ 1950માં ભારતીય નાગરિક તરીકે લાયકાત ધરાવતા હોવા જોઈએ અથવા જ્યારે બંધારણ અમલમાં આવ્યું તે સમયે અથવા ત્યાર પછીના અમુક સમય પછી ભારતીય નાગરિક હોવા જોઈએ. જો કે એવા ઘણા દેશો છે જ્યાં રહેતા ભારતીય મૂળના લોકોને આ સુવિધા મળી શકતી નથી. જેમાં પાકિસ્તાન, ઈરાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા જેવા દેશોનો સમાવેશ થાય છે.
શું OCI કાર્ડધારકો ભારતીય નાગરિક છે?
હવે સવાલ એ થાય છે કે શું OCI કાર્ડ કોઈને ભારતીય નાગરિક બનાવે છે? તો તેનો જવાબ ના છે. આ ઉપરાંત તેઓ ભારતીય ચૂંટણીમાં મતદાન કરી શકતા નથી તેમજ તેઓ વિધાનસભા, લોકસભા, રાજ્યસભાના સભ્ય પણ બની શક્તા નથી. OCI કાર્ડધારક ધરાવતી વ્યક્તિઓ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ જેવા બંધારણીય હોદ્દા માટે ચૂંટાઈ શકતી નથી. આ સિવાય આવા લોકો ખેતીની જમીન કે ફાર્મહાઉસ પણ ખરીદી શકતા નથી. જો કે, OCI કાર્ડધારકો ભારતીય નાગરિકતા માટે અરજી કરી શકે છે. જો તેઓ નિર્ધારિત માપદંડને પૂર્ણ કરે છે, તો સરકાર તેમને નાગરિકતા આપી શકે છે. OCI રજિસ્ટ્રેશન માટેની અરજી સત્તાવાર વેબસાઇટ એટલે કે ociservices.gov.in પરથી ઓનલાઇન કરી શકાય છે.
OCI કાર્ડના શું છે ફાયદા?
OCI કાર્ડ ધારક વિઝા વગર ભારત આવી શકે છે. જો સરકાર પરવાનગી આપે OCI લીધેલા લોકો પણ દેશમાં સંશોધન કે પત્રકારત્વ જેવા કામ કરી શકે છે. ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવા માટે વિદેશી નાગરિકો માટે પ્રવેશ ફી વધારે છે, પરંતુ OCI કાર્ડધારકો પાસેથી ઓછો ચાર્જ લેવામાં આવે છે. આ ઉપરાંત OCI કાર્ડની વિશેષતા એ છે કે તે ભારતમાં રહેવા, કામ કરવા અને બિઝનેશ વ્યવહારોની સુવિધા આપે છે.
કેવી રીતે ભારતીયો મોરેશિયસ પહોંચ્યા?
અંગ્રેજો 19મી સદીમાં ભારતીય શ્રમિકોને મોટા પાયે મોરેશિયસ લઈ ગયા હતા. ત્યાં તેઓને ખેતીથી માંડીને ખેતમજૂરી સુધીનું તમામ કઠોર કામ કરાવવામાં આવતું હતું. ભારતીયોને લઈ જવાની પ્રક્રિયા વર્ષો સુધી ચાલુ રહી હતી. આ માત્ર મોરેશિયસમાં જ નહીં, પરંતુ બ્રિટિશ શાસન હેઠળના ઘણા દેશોમાં આવું ચાલતું હતું. ભારતીયોને ગુલામોની જેમ અન્ય દેશોમાં મોકલવામાં આવતા હતા. જો કે આગળ ચાલીને અવાજો ઉઠાવા લાગ્યા અને શ્રમિકોને મોકલવાનો સિલસિલો બંધ થયો. આ શ્રમિકોને ગિટમિટિયા કહેવાતા હત. મોરેશિયસને સમૃદ્ધ બનાવવા પાછળ આ શ્રમિકોની મહેનતનો ઘણો ફાળો છે. હવે તે હિન્દુ બહુમતી ધરાવતો દેશ છે, જ્યારે આફ્રિકાના અન્ય તમામ દેશો મુસ્લિમ અને ખ્રિસ્તી બહુમતી ધરાવે છે. અત્યારે પણ મોરેશિયસ ભારતની ખૂબ નજીક છે.