કેબિનેટ મંત્રી અને રાજ્ય મંત્રી વચ્ચે શું છે ફરક? જાણો કોની પાસે વધુ સત્તા, અને કેટલી મળે છે સેલેરી

Updated: Jun 10th, 2024


Google NewsGoogle News
કેબિનેટ મંત્રી અને રાજ્ય મંત્રી વચ્ચે શું છે ફરક? જાણો કોની પાસે વધુ સત્તા, અને કેટલી મળે છે સેલેરી 1 - image


Image: Facebook

Modi Government: નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બની ગયાં છે. રવિવારે તેમણે વડાપ્રધાન પદના શપથ લીધાં. તેમની સાથે-સાથે 71 સાંસદોએ પણ મંત્રી પદના શપથ લીધાં. મોદી સરકારમાં આ સૌથી મોટું મંત્રીમંડળ છે. 2014માં જ્યારે મોદીએ પહેલી વખત વડાપ્રધાન પદના શપથ લીધાં હતાં ત્યારે તેમની સાથે 46 સાંસદ પણ બન્યાં હતાં. 2019માં તેમના મંત્રીમંડળમાં 59 મંત્રી સામેલ હતાં. 2024માં એનડીએની સરકારમાં વડાપ્રધાનને મળીને 72 મંત્રી સામેલ છે. મોદી 3.0 માં 30 કેબિનેટ મંત્રી, 5 રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને 36 રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યાં છે.

હજુ મોદી કેબિનેટમાં 9 સાંસદ મંત્રી બની શકે છે, કેમ કે બંધારણમાં 81 મંત્રીઓની મર્યાદા નક્કી છે. બંધારણના 91માં સુધારા અનુસાર, લોકસભાના કુલ સભ્યોમાંથી 15% ને જ મંત્રીમંડળમાં સામેલ કરી શકાય છે. લોકસભામાં કુલ 543 બેઠકો છે, તેથી કેબિનેટમાં 81 મંત્રી જ હોઈ શકે છે. બંધારણની કલમ 75 હેઠળ, વડાપ્રધાનની સલાહ પર રાષ્ટ્રપતિ મંત્રીમંડળની રચના કરે છે. મંત્રીમંડળમાં ત્રણ પ્રકારના મંત્રી હોય છે, જેમાં કેબિનેટ મંત્રી, રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને રાજ્ય મંત્રી હોય છે.

મંત્રીમંડળમાં સૌથી શક્તિશાળી કેબિનેટ મંત્રી હોય છે. તે બાદ રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને પછી રાજ્ય મંત્રી હોય છે. જેમને પણ મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવે છે. તેમને બાકી સાંસદોની તુલનામાં દર મહિને અલગથી ભથ્થા પણ મળે છે.

ત્રણેયમાં શું અંતર હોય છે

કેબિનેટ મંત્રી: આ મંત્રી સીધા વડાપ્રધાનને રિપોર્ટ કરે છે. આમને જે પણ મંત્રાલય આપવામાં આવે છે. તેની સંપૂર્ણ જવાબદારી તેમની જ હોય છે. કેબિનેટ મંત્રીને એકથી વધુ મંત્રાલય પણ આપવામાં આવી શકાય છે. કેબિનેટ મંત્રીની બેઠકોમાં સામેલ થવું જરૂરી હોય છે. સરકાર પોતાના તમામ નિર્ણય કેબિનેટ બેઠકમાં જ લે છે.

રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) : કેબિનેટ મંત્રી બાદ સ્વતંત્ર હવાલાવાળા રાજ્ય મંત્રી હોય છે. તેમનું પણ સીધું રિપોર્ટિંગ વડાપ્રધાનને જ થાય છે. તેમની પાસે પોતાનું મંત્રાલય હોય છે. આ કેબિનેટ મંત્રીને રિપોર્ટ કરતા નથી. સ્વતંત્ર હવાલાવાળા રાજ્ય મંત્રીઓ કેબિનેટ બેઠકમાં સામેલ થતાં નથી.

રાજ્ય મંત્રી: કેબિનેટ મંત્રીની મદદ માટે રાજ્ય મંત્રી બનાવવામાં આવે છે. તેમનું રિપોર્ટિંગ કેબિનેટ મંત્રીને થાય છે. એક મંત્રાલયમાં એકથી વધુ પણ રાજ્ય મંત્રી બનાવી શકાય છે. કેબિનેટ મંત્રીની ગેરહાજરીમાં મંત્રાલયની તમામ જવાબદારી રાજ્ય મંત્રીની હોય છે. રાજ્ય મંત્રી પણ કેબિનેટ બેઠકમાં સામેલ થતાં નથી.

મંત્રી પદ મળતાં જ સુવિધાઓ વધી જાય છે

આમ તો લોકસભાના દરેક સભ્યની સેલેરી અને ભથ્થા નક્કી છે પરંતુ જે સાંસદ વડાપ્રધાન, કેબિનેટ મંત્રી કે રાજ્ય મંત્રી બને છે. તેમને દર મહિને બાકી સાંસદોની તુલનામાં અલગથી ભથ્થા પણ મળે છે.

સાંસદોને મળનારી સેલેરી અને ભથ્થા સેલેરી એક્ટ હેઠળ નક્કી થાય છે. તે અનુસાર લોકસભાના દરેક સભ્યને દર મહિને 1 લાખ રૂપિયાની બેઝિક સેલેરી મળે છે. આ સાથે જ 70 હજાર રૂપિયા ચૂંટણી ભથ્થું અને 60 હજાર રૂપિયા ઓફિસ ખર્ચ માટે અલગથી મળે છે. આ સિવાય જ્યારે સંસદનું સત્ર ચાલે છે તો બે હજાર રૂપિયાનું ડેઈલી એલાઉન્સ પણ મળે છે.

વડાપ્રધાન અને મંત્રીઓને દર મહિને સત્કાર ભથ્થું પણ મળે છે. વડાપ્રધાનને 3 હજાર રૂપિયા, કેબિનેટ મંત્રીને 2 હજાર, રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) ને 1 હજાર અને રાજ્ય મંત્રીને 600 રૂપિયાનું સત્કાર ભથ્થું દર મહિને મળે છે. આ ભથ્થું હકીકતમાં હોસ્પિટાલિટી માટે રહે છે અને મંત્રીઓ સાથે મુલાકાત માટે આવતાં લોકોના સ્વાગત પર ખર્ચ થાય છે.

એક લોકસભા સાંસદને સેલેરી અને ભથ્થું મળીને દર મહિને કુલ 2.30 લાખ રૂપિયા મળે છે. જ્યારે વડાપ્રધાનને 2.33 લાખ, કેબિનેટ મંત્રીને 2.32 લાખ, રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) ને 2.31 લાખ અને રાજ્ય મંત્રીને 2,30,600 રૂપિયા મળે છે.

શું સાંસદોએ ટેક્સ પણ આપવો પડે છે?

ભલે સાંસદ હોય કે વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ, તમામે ઈનકમ ટેક્સ આપવો પડે છે. જોકે, તેમને માત્ર સેલેરી પર જ ટેક્સ આપવો પડે છે. નિયમ અનુસાર લોકસભા-રાજ્યસભાના સાંસદ, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ માત્ર સેલેરી પર જ ટેક્સ ભરે છે. બાકી જે અલગથી ભથ્થાં મળે છે તેની પર કોઈ ટેક્સ લાગતો નથી.સાંસદોની દર મહિનાની સેલેરી એક લાખ રૂપિયા છે. આ હિસાબે વાર્ષિક સેલેરી 12 લાખ રૂપિયા થઈ. તેની પર જ તેમને ટેક્સ આપવો પડે છે. સાંસદો, વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની સેલેરી પર અન્ય સ્ત્રોતોથી પ્રાપ્ત આવક અંતર્ગત ટેક્સ લગાવવામાં આવે છે.


Google NewsGoogle News