પી ચિદમ્બરમે જેનો ઉલ્લેખ કર્યો તે એવોકાડો શું છે ?
ચિદમ્બરમે વ્યંગ કરતા જણાવ્યું કે તો શું નાણામંત્રી એવોકાડો ખાય છે ?
એક ફળની બજારમાં ૮૦ થી ૧૦૦ રુપિયાથી વધારે કિંમત હોય છે
પૂર્વ નાણામંત્રી અને આઇએનએકસ કેસમાં જેલવાસો ભોગવીને બહાર આવેલા પી ચિદમ્બરમે દેશની આર્થિક સ્થિતિનો ચિતાર આપીને કેન્દ્ર સરકાર પર શાબ્દિક હુમલો કર્યો છે. એનડીએ સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં ડુંગળીના ભાવ વધારાની એક ચર્ચા દરમિયાન નિવેદન આપ્યું કે પોતે ડુંગળી ખાતા નથી કારણ કે તે એવા પરીવારમાંથી આવે છે જયાં લસણ ડુંગળી ખવાતા નથી. આ નિવેદન અંગે ચિદમ્બરમે વ્યંગ કરતા જણાવ્યું કે તો શું નાણામંત્રી એવોકાડો ખાય છે ?
ડુંગળીના ભાવ વધારાની ચર્ચામાં એવોકાડોનો ઉલ્લેખ થતા આ ફળ વિશે જાણવામાં લોકોની ઉત્સુકતા વધવી સ્વભાવિક છે. એવોકાડોનો ઉપયોગ નમકિન અને ગળ્યા વ્યંજનો બનાવવામાં થાય છે. આ એક ફળની બજારમાં ૮૦ થી ૧૦૦ રુપિયાથી વધારે કિંમત હોય છે. એવોકાડોને એલીગેટર પિયર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે જે લૉરેસી પ્રજાતિનું એક એવરગ્રીન વૃક્ષ છે. આ ફળની ખાસિયત છે કે તેમાં ફેટી એસિડ હોય છે પરંતુ તેમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ખૂબજ ઓછું હોય છે. એવોકાડોમાં માખણ અને ઘીની સરખામણીમાંં કેલરીની માત્રા ઓછી હોય છે. સલાડ બનાવવા ઉપરાંત તેને કાચું પણ ખાઇ શકાય છે.
આ ફળમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, કોપર, મેંગેનિઝ અને ઝીંક સારા એવા પ્રમાણમાં હોય છે. કેરોટિન હોય છે જે આંખો માટે ફાયદાકારક છે. એવોકાડોમાં મોનોસેચ્યૂરેટ ફેટ હોય છે જે બ્લડ શુગરના સ્તરને સામાન્ય રાખવામાં મદદરુપ બને છે. બહુ ફાયદાકારક ફળની આ ખાસિયતના કારણે જ બજારમાં મોંઘું મળે છે. સામાન્ય રીતે ગરીબ અને મધ્યમ વર્ગના ભોજનમાં એવોકાડો હોતું નથી પરંતુ ધનાઢય અને શોખીનો ગમે તેટલા ભાવ હોય તો પણ ખરીદતા હોય છે.