MSP પર સ્વામીનાથનનો 'C2+50%' ફોર્મ્યુલા શું છે? જેના માટે ખેડૂતો દિલ્હી સુધી કરી રહ્યા છે આંદોલન
નવેમ્બર 2004માં તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહે ખેડૂતોની સમસ્યાઓના અભ્યાસ માટે એક કમિશનની રચના કરી
જેના અધ્યક્ષ કૃષિ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથન હતા
Farmers Protest 2024: પંજાબના ખેડૂતો લઘુત્તમ ટેકાના ભાવ (MPS) પર ખરીદીની ગેરંટી આપવાનો કાયદો બનાવવા સહિતની 12 મુદ્દાની માંગણીઓના સમર્થનમાં દિલ્હી આવવાને કારણે ઉત્તર ભારતમાં ખળભળાટ મચી ગયો છે. પંજાબ, ચંદીગઢ, રાજસ્થાન, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર તરફ જતા રસ્તાઓ પર વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે. હરિયાણા અને દિલ્હી પોલીસે આંદોલનકારી ખેડૂતોને રોકવા માટે ઘણી જગ્યાએ સરહદો સીલ કરી દીધી છે. આ પહેલા ઇન્દિરા ગાંધી અને અટલ બિહારી વાજપેયીના કાર્યકાળમાં તેમજ 2020માં પણ ખેડૂતો આ પ્રકારનું આંદોલન કરી ચૂકયા છે. હાલ ખેડૂતો એમ. એસ. સ્વામીનાથન આયોગ દ્વારા કરવામાં આવેલી ભલામણો લાગૂ કરવાની માંગ કરી રહ્યા છે.
સ્વામીનાથન આયોગ શું છે?
વાજપેયી સરકાર બાદ જયારે મનમોહન સિંહની આગેવાની હેઠળ યુપીએ સરકાર બની ત્યારે નવેમ્બર 2004માં એમએસ સ્વામીનાથનની અધ્યક્ષતામાં એક કમિશનની રચના કરવામાં આવી. જેને નેશનલ કમિશન ઓન ફાર્મર્સ નામ આપવામાં આવ્યું હતું. ખેડૂતોને લગતી સમસ્યાઓનો ઉકેલ શોધવા માટે સ્વામીનાથન કમિશનની રચના કરવામાં આવી હતી. ડિસેમ્બર 2004થી ઓક્ટોબર 2006 વચ્ચે પંચે 6 રિપોર્ટ તૈયાર કર્યા હતા. જેમાં ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે ઘણી ભલામણો કરી હતી. આમાં, MSP સંબંધિત ભલામણો પણ કરવામાં આવી હતી.
MSP સંબંધિત ભલામણો શું હતી?
સ્વામીનાથન આયોગે તેમના પાકની કિંમતના 50 ટકા વધુ આપવાની ભલામણ કરી હતી. જેને C2+50% સૂત્ર કહેવાય છે. આયોગના રિપોર્ટ અનુસાર પાકની કિંમતને A2, A2+FL અને C2 એમ ત્રણ ભાગમાં વહેચવામાં આવી હતી. આંદોલનકારી ખેડૂતો આ ફોર્મ્યુલાના આધારે MSP ગેરંટી એક્ટ લાગુ કરવાની માંગ કરી રહ્યા છે.
A2, A2+FL અને C2 શું છે?
A2 ખર્ચમાં પાકના ઉત્પાદનમાં થતા તમામ રોકડ ખર્ચનો સમાવેશ થાય છે. જેમાં ખાતર, બિયારણ, પાણી, રસાયણો, મજૂરી વગેરેથી માંડીને તમામ ખર્ચ સામેલ છે. A2+FL કેટેગરીમાં, કુલ પાક ખર્ચની સાથે, ખેડૂત પરિવારની અંદાજિત મજૂરી કિંમત પણ સામેલ છે, જ્યારે C2માં, રોકડ અને બિન-રોકડ ખર્ચ સિવાય, જમીનના ભાડાપટ્ટા પરનું વ્યાજ અને સંબંધિત વસ્તુઓનો પણ સમાવેશ થાય છે. સ્વામીનાથન કમિશને C2ની કિંમતના દોઢ ગણા એટલે કે C2 ખર્ચની સાથે ખર્ચના 50 ટકા ઉમેરીને MSP આપવાની ભલામણ કરી હતી.
MSP લાગૂ કરવાથી શું ફર્ક પડશે?
જો આપણે તેને વ્યાપક રીતે જોઈએ તો ઘઉંના પાક પર જ પ્રતિ ક્વિન્ટલ રૂ. 350 કરતા વધુનો તફાવત જોવા મળશે. કોઈપણ પાક પર MSP એ કૃષિ ખર્ચ અને કિંમતો માટેના કમિશન (CACP) દ્વારા નક્કી કરવામાં આવે છે.
CACP રિપોર્ટ અનુસાર, 2023-24 માટે ઘઉંના પાકની પ્રતિ ક્વિન્ટલ A2ની કિંમત 903 રૂપિયા હતી, A2+FLની કિંમત 1,128 રૂપિયા અને C2ની કિંમત 1,652 રૂપિયા હતી. જ્યારે, 2023-24 માટે, ઘઉંના પ્રતિ ક્વિન્ટલ MSP 2,125 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. જો સ્વામીનાથન કમિશનની C2+50%ની ફોર્મ્યુલા અપનાવવામાં આવે, તો ઘઉંના ક્વિન્ટલ દીઠ MSP રૂ. 1,652+826= રૂ. 2,478 થશે. તદનુસાર, 2023-24 માટે નિર્ધારિત MSP પર 353 રૂપિયાનો તફાવત હતો.
હાલની પરિસ્થિતિ શું છે?
હાલ 23 પ્રકારના પાક પર MSP CACP દ્વારા નક્કી કરવામાં આવે છે. જેમાં શેરડીની ખરીદી સરકાર નહિ પરંતુ સુગર મિલો કરે છે. MSP એ એક રીતે પાકની ખાતરીપૂર્વકની કિંમત છે, જે ખેડૂતોને મળે છે. પછી ભલે તે પાકની કિંમત બજારમાં ઓછી હોય. MSP નક્કી કરવાથી બજારમાં પાકના ભાવમાં થતી વધઘટની અસર ખેડૂતો ન થાય. CACP હાલ પાક પર નક્કી કરાયેલ MSP A2+FL ની કિંમત પર આધારિત છે. એવો દાવો કરવામાં આવે છે કે MSP A2+FLની કિંમત કરતાં વધુ આપવામાં આવે છે.