ભારતની લાગી 'લોટરી'! સતલુજ નદીમાં મળ્યો દુર્લભ 'ટેન્ટલમ'નો ભંડાર, કેટલી મહત્ત્વપૂર્ણ છે આ ધાતુ
ઈન્ડિયન ઈન્ડસ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) રોપરને તાજેતરમાં એક મોટી સફળતા મળી
આ શોધ બાદ ભારતને ઈલેક્ટ્રોનિક ક્ષેત્રમાં મોટો ફાયદો થશે
Tantalum News : ઈન્ડિયન ઈન્ડસ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) રોપરને તાજેતરમાં એક મોટી સફળતા મળી. માહિતી અનુસાર આઈઆઈટી સાથે સંકળાયેલા રિસર્ચરોને પંજાબમાં સતુલજ નદીની રેતમાં અત્યંત દુર્લભ ધાતુ ટેન્ટલમ (Tantalum) મળી આવી છે. એવી શક્યતા છે કે આ શોધ બાદ ભારતને ઈલેક્ટ્રોનિક ક્ષેત્રમાં મોટો ફાયદો થશે. પ્રથમ વખત તેની શોધ 221 વર્ષ પહેલા સ્વીડનમાં થઇ હતી.
શું છે ટેન્ટલમ?
ટેન્ટલમ અત્યંત દુર્લભ મનાય છે. આજના દોરમાં વપરાતી સૌથી વધુ કાટવિરોધી ધાતુઓ પૈકી એક છે. તે ગ્રે કલરની હોય છે. ખાસ વાત એ છે કે ટેન્ટેલમ શુદ્ધ હોય ત્યારે તે અત્યંત ફ્લેક્સિબલ હોય છે જેને રબરની જેમ ખેંચી કે પાતળું કરી તાર કે દોરાની જેમ પણ બનાવી શકાય છે. તેનું મેલ્ટિંગ પોઈન્ટ પણ વધારે હોય છે. આ મામલે ટેન્ટલમથી આગળ ફક્ત ટંગસ્ટન અને રીનિયમ જ હોય છે.
ક્યાં વપરાય છે?
આ ધાતુનો સૌથી વધુ ઉપયોગ ઈલેક્ટ્રોનિક સેક્ટરમાં થાય છે. ટેન્ટલમથી તૈયાર થયેલા કેપેસિટર્સમાં નાના આકારમાં પણ મોટાપાયે વીજળી સ્ટોર કરવાની ક્ષમતા હોય છે. તેના લીધે તેને સ્માર્ટફોન, લેપટોપ અને ડિજિટલ કેમેરા જેવા ડિવાઈસમાં ઉપયોગમાં લેવા આદર્શ મનાય છે. આ ધાતુનું નામ પૌરાણિક ગ્રીક મિથકના ચર્ચિત નામ ટેન્ટેલસના નામે રખાયું છે. હાઈ મેલ્ટિંગ પોઇન્ટને લીધે તેનો ઉપયોગ પ્લેટિનમની જગ્યાએ પણ થાય છે. ખાસ વાત એ છે કે ટેન્ટેલમની તુલનાએ પ્લેટિનમ વધારે મોંઘી ધાતુ છે. સાથે જ તેનો ઉપયોગ કેમિકલ પ્લાન્ટ્સ, ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ્સ, વિમાન અને મિસાઈલના કોમ્પોનન્ટ કે ઘટક બનાવવા માટે પણ થાય છે.