અંગ્રેજોની એક ભૂલના કારણે આજેય ભભૂકી ઉઠે છે ઉત્તરાખંડના જંગલો, જાણો તેનું વૈજ્ઞાનિક કારણ

Updated: May 9th, 2024


Google NewsGoogle News
અંગ્રેજોની એક ભૂલના કારણે આજેય ભભૂકી ઉઠે છે ઉત્તરાખંડના જંગલો, જાણો તેનું વૈજ્ઞાનિક કારણ 1 - image


Uttarakhand Forest Fires: ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગે તબાહી મચાવી હતી. આ આગ એટલી ગંભીર બની ગઈ હતી કે ત્યાં એરફોર્સના MI-17 હેલિકોપ્ટરની મદદ લેવી પડી હતી. આ ઉપરાંત આગના કારણે સાડા સાતસો હેક્ટરથી વધુ વિસ્તાર આગની ઝપેટમાં આવી ગયો હતો જેથી એનડીઆરએફની ટીમને પણ ત્યાં મોકલવામાં આવી હતી. તેમ છતાં જંગલો ભભૂકી રહ્યા હતા. જો કે અંતે વરસાદ થવાથી 24 કલાકમાં આગની ઘટનાઓમાં 64 ટકાનો ઘટાડો નોંધાયો હતો. 

શું છે આગનું લાગવાનું કારણ? 

ઉત્તરાખંડના જંગલોમાં પાઈનના વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં છે. લાકડાના લોભ અને કોલસો બનાવવા માટે અંગ્રેજોએ પાઈન અને દેવદારના જંગલો ઉભા કર્યા હતા. આ વૃક્ષોની ઉપયોગિતા ખૂબ જ છે સાથે સાથે તે નુકસાન પણ વધુ પહોંચાડે છે. 

આ પાઈનના વૃક્ષોને સ્થાનિક ભાષામાં પીરુલ કહેવામાં આવે છે. આ ઝાડના પાનમાંથી લિસા નામનું પ્રવાહી નીકળે છે જે ઝાડના પાનમાં વધુ માત્રામાં હોય છે. આથી જ તે ઝડપથી આગ પકડી લે છે. તેમજ વધતા જતા ગ્લોબલ વોર્મિંગને કારણે અહીંના સુંદર જંગલોમાં આગ લાગી છે અને ઝડપથી ફેલાય પણ જાય છે. 

IIT રૂરકીના અભ્યાસમાં થયા ખુલાસા 

સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ડિઝાસ્ટર મિટિગેશન એન્ડ મેનેજમેન્ટ, IIT રૂરકી અને પ્રાઇમ મિનિસ્ટર રિસર્ચ ફેલો આનંદુ પ્રભાકરન અને વિભાગના પ્રોફેસર પીયૂષ શ્રીવાસ્તવે આ જંગલની આગનો અભ્યાસ કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2013 થી 2022 સુધીમાં ઉત્તરાખંડમાં લગભગ 23 હજાર હેક્ટર જંગલ આગની ઝપેટમાં આવી ગયું છે. 

આગ લાગવા પાછળ ઘણા પરિબળો જવાબદાર 

આગ લાગવા પાછળના ઘણા કારણો છે. જેમાં ત્યાંની જટિલ ભૌગોલિક પરિસ્થિતિ, વિવિધ વનસ્પતિ ઘરાવતા મિશ્ર જંગલ, ઢોળાવ, સુકા પાંદડા, ચીડ અને દેવાદારના વૃક્ષ, મોસમી ફેરફાર તેમજ આકસ્મિક કે જાણી જોઇને લગાડવામાં આવેલી આગનો પણ સમાવેશ થાય છે. 

આ ઉપરાંત પ્રોફેસરે જણાવ્યું હતું કે દરેક પ્રકારના હવામાનની જેમ જંગલમાં આગની પણ સિઝન હોય છે. જેને વાઇલ્ડફાયર સિઝન કહેવાય છે. ભારતમાં આ સિઝન સામાન્ય રીતે નવેમ્બરથી જૂન સુધી ચાલે છે. જેના કારણે દેશભરના અલગ-અલગ જંગલોમાં આગની ઘટનાઓ બને છે. ઉત્તરાખંડમાં આગની આ મોસમ ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં આવે છે. આ સમયગાળામાં જ આગ લાગવાના કિસ્સા વધી જાય છે. 

આ ઉપરાંત અલ નિનોના કારણે ગરમી વધી છે અને હીટવેવ ચાલી રહી છે. જેના કારણે તાપમાન ઊંચું જાય છે. તેમજ આ વિસ્તારમાં આ વર્ષે શિયાળાની ઋતુમાં વરસાદ ઓછો થયો છે. 2015-16માં પણ આવી જ સ્થિતિ હતી. ત્યાર બાદ માત્ર 2016માં જ 4400 હેક્ટર જંગલમાં આગ લાગી હતી. 

આગનું પરિણામ શું આવશે?

જંગલોમાં લગતી આગના કારણે પહાડીની જમીન અને સપાટી નબળી પડી જાય છે. આ પછી જ્યારે વરસાદ પડે છે ત્યારે આ જમીન જોખમી બની જાય છે અને ભૂસ્ખલન થવાની સંભાવના વધી જાય છે. આ ઉપરાંત પૂરની સંભાવના પણ વધી જાય છે. આ સાથે જ ગંદી માટી નદીઓમાં વહી જાય છે. જેના કારણે નદીઓના પાણીની ગુણવત્તા બગડે છે.

આગની ઘટનાઓને કેવી રીતે રોકી શકાય?

જો પહાડો પર હાજર સ્થાનિક લોકોને હવામાન સંબંધિત સચોટ માહિતી મળતી હોય તો તેમને પણ આગની મોસમ (વાઇલ્ડફાયર સિઝન) અંગે જણાવવું જોઈએ. તેમજ સ્થાનિકોએ પણ આગ ન લાગે તેની તકેદારી રાખતા કચરો બાળવો ન જોઈએ, જંગલોમાં ધૂમ્રપાન ન કરવું જોઈએ, બિનજરૂરી જંગલો ન કાપવા જોઈએ વગેરે જેવી તકેદારી રાખવી જોઈએ. 

જંગલમાં આગ ક્યારે લાગી શકે? ક્યાં વિસ્તારમાં લાગી શકે? આ અંગે IIT રૂરકીના પ્રોફેસરો સ્વદેશી અર્લી વોર્નિંગ સિસ્ટમ બનાવી રહ્યા છે. જે એક ખાસ પ્રકારનું કોમ્પ્યુટર મોડલ હશે. જે ચોક્કસ તાપમાન, હવામાનની સ્થિતિ, ભૌગોલિક સ્થિતિનો લેટેસ્ટ ડેટા એન્ટર કરીને જંગલની આગની આગાહી કરી શકશે. જેથી તેનાથી બચવા માટે તૈયારીઓ કરી શકાય. આ ઉપરાંત ભવિષ્યમાં ISRO-NASAનો નવો ઉપગ્રહ NISAR પણ મદદ કરી શકે છે.

અંગ્રેજોની એક ભૂલના કારણે આજેય ભભૂકી ઉઠે છે ઉત્તરાખંડના જંગલો, જાણો તેનું વૈજ્ઞાનિક કારણ 2 - image


Google NewsGoogle News