આ મોનસૂનમાં થઈ એવી ગતિવિધિ કે 'હવામાન વિભાગ' પણ ડરી ગયું, 1976 બાદ પહેલીવાર થયું આવું
ચિંતાજનક : ઓગસ્ટમાં આ વખતે અત્યાર સુધીના સર્વાધિક કુલ 19 મોનસૂન બ્રેક દિવસ નોંધાયા
હવામાન વિભાગના વૈજ્ઞાનિકો અનુસાર જ્યારે મોનસૂન બ્રેકના દિવસો વધે છે તો તેનો સીધો અર્થ એ છે કે વરસાદના દિવસોની સંખ્યા ઓછી રહેશે
image : Pixabay |
મોનસૂન (Monsoon) પર ક્લાઈમેટ ચેન્જનો ખતરો અનેક રીતે દેખાઈ રહ્યો છે. એક તરફ શુષ્ક વિસ્તારોમાં વધુ વરસાદ પડી રહ્યો છે તો બીજી બાજુ વધુ વરસાદવાળા વિસ્તારોમાં વરસાદ ઘટી રહ્યો છે. ઝરમર વરસાદના દિવસો પણ ઘટી રહ્યા છે અને ભારે વરસાદની ઘટનાઓ વધી રહી છે. આ જ મામલે જાણ થઈ કે મોનસૂન બ્રેકના દિવસોની સંખ્યા પણ વધી રહી છે.
ઓગસ્ટમાં મોનસૂન બ્રેકના દિવસો વધ્યા
ભારતીય હવામાન વિભાગ (IMD) મોનસૂન પર ક્લાઈમેટ ચેન્જની અસર અંગે અભ્યાસ કરી રહ્યો છે. આ મામલે જાણ થઈ કે મોનસૂન બ્રેકના દિવસો સતત વધી રહ્યા છે. જેના લીધે સિઝન દરમિયાન સક્રિય મોનસૂનના દિવસોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. IMD એ ઓગસ્ટ મહિનાના મોનસૂન બ્રેક અંગે જાણ્યું કે 1976 બાદથી ઓગસ્ટ 2023માં સૌથી વધુ મોનસૂન બ્રેકના દિવસો નોંધાયા હતા. જોકે આ મામલે 1976થી પહેલાનો રેકોર્ડ વિભાગ પાસે નથી. આ રીતે અત્યાર સુધીના સર્વાધિક મોનસૂન બ્રેક દિવસ ઓગસ્ટમાં નોંધાયા છે.
ઓગસ્ટ 2023માં તમામ રેકોર્ડ ધરાશાયી
હવામાન વિભાગ અનુસાર 1976માં ઓગસ્ટ મહિનામાં મોનસૂન બ્રેકના કુલ 4 દિવસ નોંધાયા હતા પણ 2023ના ઓગસ્ટમાં આવા 19 દિવસ રહ્યા છે. અગાઉ 1979માં ફરી એકવાર આવું થયું હતું જ્યારે ઓગસ્ટમાં 17 દિવસ મોનસૂન બ્રેકના નોંધયા હતા. આવી જ સ્થિતિ 2005માં પણ જોવા મળી હતી પણ આ વખતે ઓગસ્ટમાં તમામ રેકોર્ડ ધરાશાયી થઈ ગયા હતા.
સામાન્ય રીતે 5-6 દિવસનો જ બ્રેક હોવો જોઈએ
હવામાન વિભાગના વૈજ્ઞાનિકો અનુસાર જ્યારે મોનસૂન બ્રેકના દિવસો વધે છે તો તેનો સીધો અર્થ એ છે કે વરસાદના દિવસોની સંખ્યા ઓછી રહેશે. મોનસૂન વચ્ચે બ્રેક હોવું કોઈ અસ્વાભાવિક નથી પણ આદર્શ સ્થિતિમાં મહત્તમ 5-6 દિવસનો જ બ્રેક એક મહિનામાં હોવો જોઇએ પણ આ ત્રણ ગણો વધુ છે. તેની સીધી અસર વરસાદ પર થશે. ગરમી વધવા લાગે છે.