KYC શું હોય છે ? સમયાંતરે તેને અપડેટ કરવું જરૂરી, જાણો તેનાથી જોડાયેલા તમામ સવાલના જવાબ
RBIના નિયમો મુજબ નવા અને જુના ગ્રાહકો બંનેએ KYC પ્રક્રિયાનું પાલન કરવું જરુરી છે
Image Envato |
તા. 9 ડિસેમ્બર 2023, શનિવાર
KYC એ બેંક અથવા કોઈ કંપની માટે ગ્રાહકની ઓળખ સુનિશ્ચિત કરવા માટેની એક રીત છે. RBIના નિયમો મુજબ નવા તેમજ જુના દરેક ગ્રાહકોએ KYC પ્રક્રિયાનું પાલન કરવું જરુરી છે. જ્યારે પણ તમે બેંકમાં ખાતુ ખોલાવા માટે જાઓ છો, ત્યારે તમારે તમારુ ઓળખકાર્ડ, એડ્રેસ પ્રુફ, પાન કાર્ડ જેવા તમામ જરુરી દસ્તાવેજો જમા કરાવવાના હોય છે. KYC માટે જમા કરાવેલા દસ્તાવેજો તમારી ઓળખની પુષ્ટિ કરાવવા માટે હોય છે. ખાતુ ખોલાવ્યા બાદ સમયાંતરે KYC અપડેટનો મેસેજ આવે છે અને બેંકોના કહેવા પ્રમાણે ગ્રાહકો અપડેટ પણ કરાવે છે. આવો આજે KYC વિશે તેની સાથે જોડાયેલ વિવિધ બાબતો વિશે જાણીએ.
RBIના નિયમ મુજબ નવા તેમજ જુના દરેક ગ્રાહકોએ KYC પ્રક્રિયાનું પાલન કરવું જરુરી
દરેક દસ્તાવેજોને અપડેટ કરાવવા જરુરી છે. KYC ન હોવાથી બેંક અથવા સર્વિસ પ્રોવાઈડર સેવા ન આપવો નિર્ણય કરી શકે છે. RBIના નિયમ મુજબ નવા તેમજ જુના દરેક ગ્રાહકોએ KYC પ્રક્રિયાનું પાલન કરવું જરુરી છે.
કેમ જરુરી છે KYC
KYC દ્વારા સંભવિત જોખમોનું મુલ્યાંકન કરવા માટે ગ્રાહકો પાસેથી તેમના એડ્રેસ પ્રુફ, ઓળખકાર્ડ અને નાણાકીય ટ્રાંજેક્શન વિશે જાણકારી એકત્ર કરવાનો હોય છે. KYC પ્રક્રિયામાં ગ્રાહકોની ઓળખની ચકાસણી તેમજ કેટલીક નાણાંકીય સેવાઓને ઍક્સેસ કરવા માટે તેમની યોગ્યતાનું મૂલ્યાંકન કરવાનો સમાવેશ થાય છે. KYC પ્રક્રિયાનો મુખ્ય હેતુ બેંક, નાણાકીય સંસ્થા અથવા સર્વિસ પ્રોવાઈડર અજાણતામાં મની લૉન્ડરિંગ, આતંકવાદી ફંડિંગ અથવા કોઈ ગુનાહિત કામ કે નાણાકીય ગુનાઓને રોકવામાં મદદ કરવાનો છે.
આ સ્થિતિમાં બેંક બીજી વાર માંગી શકે છે KYC દસ્તાવેજ
જો તમે એકાઉન્ટ ખોલાવતી વખતે આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ અથવા એવા કોઈ પણ જરૂરી ડોક્યુમેન્ટ જમા ન કરાવ્યા હોય, જે વેલિડ ડોક્યુમેન્ટની યાદીમાં સામેલ હોય તેવા દસ્તાવેજ માંગી શકે છે. તે સિવાય તમે KYC દરમ્યાન જમા કરાવેલા ડોક્યુમેન્ટની વેલિડિટી પુરી થઈ ગઈ હોય, તો આવી સ્થિતિમાં બેંક KYC માટે નવા દસ્તાવેજોની માંગણી કરી શકે છે.