ઈલેક્ટોરલ બોન્ડ્સ શું છે અને તે ક્યારે શરૂ થયું હતું? જાણો સુપ્રીમ કોર્ટે શા માટે મૂક્યો પ્રતિબંધ
દરેક ચૂંટણી પહેલા આવા ઈલેક્ટોરલ બોન્ડ્સ જાહેર કરવામાં આવતા હતા
ઈલેક્ટોરલ બોન્ડ્સ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવતા
What is Electoral Bonds: સુપ્રીમ કોર્ટે ગુરુવારે ઈલેક્ટોરલ બોન્ડ્સ સ્કીમની માન્યતાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરતી વખતે કહ્યું હતું કે, 'કાળા નાણાને અંકુશમાં લેવાના હેતુથી માહિતીના અધિકારનું ઉલ્લંઘન વાજબી નથી. ઈલેક્ટોરલ બોન્ડ્સ સ્કીમ માહિતીના અધિકાર અને સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે. રાજકીય પક્ષો દ્વારા ભંડોળની માહિતી જાહેર ન કરવી એ ઉદ્દેશ્યની વિરુદ્ધ છે. આ સ્કીમ કલમ 19(1)(a)નું ઉલ્લંઘન છે.' કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ્સ તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો છે અને સૂચના જાહેર કરતા કહ્યું છે કે, 'સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ 31 માર્ચ સુધીમાં ચૂંટણી પંચને ઈલેક્ટોરલ બોન્ડ્સ દ્વારા અત્યાર સુધી આપેલા યોગદાનની તમામ વિગતો આપવાણી રહેશે.' તેમજ 13 એપ્રિલ સુધીમાં ચૂંટણી પંચે તેની વેબસાઈટ પર માહિતી શેર કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.
ઈલેક્ટોરલ બોન્ડ્સ શું છે?
સૌ પ્રથમ, જાણીએ કે ઈલેક્ટોરલ બોન્ડ્સ શું છે. ઈલેક્ટોરલ બોન્ડ્સ એટલે ચૂંટણી ફંડ. વાસ્તવમાં આ ચૂંટણી ફંડ આપવાની એક રીત છે. એટલે કે, જો તમે તમારા મનપસંદ રાજકીય પક્ષને ફંડ આપવા માંગતા હોવ, તો તમે ઈલેક્ટોરલ બોન્ડ્સ દ્વારા ફંડ આપી શકો છો. આ બોન્ડ માત્ર રાજકીય પક્ષો માટે જ જાહેર કરવામાં આવે છે. બોન્ડ ખરીદ્યા પછી, તમારે તેને રાજકીય પક્ષને આપવો પડશે, બોન્ડ ઇશ્યૂ થયાની તારીખથી માત્ર 15 દિવસ માટે માન્ય છે. એટલે કે 15 દિવસ પછી બોન્ડ રદ થઈ જશે. 2017માં, કેન્દ્ર સરકારે ફાઇનાન્સ બિલ દ્વારા સંસદમાં ઈલેક્ટોરલ બોન્ડ્સ યોજના રજૂ કરી. સંસદ દ્વારા પસાર થયા પછી, 29 જાન્યુઆરી 2018 ના રોજ ઈલેક્ટોરલ બોન્ડ્સ યોજનાની સૂચના જારી કરવામાં આવી હતી.
એસબીઆઈમાંથી મળતાં હતાં ચૂંટણી બોન્ડ
ઈલેક્ટોરલ બોન્ડ્સ સ્ટેટ બેંકની શાખાઓમાંથી મેળવી શકાતા હતા. જેમાં રૂ. 1,000, 10 હજાર, 1 લાખ, 10 લાખ અને 1 કરોડના ઇલેક્ટોરલ બોન્ડ્સ ખરીદી શકાતા હતા. કોઈપણ વ્યક્તિ, સમૂહ અથવા કંપની ઈલેક્ટોરલ બોન્ડ્સ ખરીદી શકે તેમ હતું. બસ શરત માત્ર એટલી જ હતી કે દાતા પાસે બેંક ખાતું હોય જેની KYC વિગતો ઉપલબ્ધ હોય. ઈલેક્ટોરલ બોન્ડ્સમાં ચુકવણી કરનારનું નામ રહેતું નહિ. હવે આ યોજના પર સુપ્રીમકોર્ટે તાત્કાલિક બેન મૂકી દીધો છે.
આ બોન્ડ્સ કેવી રીતે કામ કરતું હતું?
ઈલેક્ટોરલ બોન્ડ્સ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ઈશ્યૂ કરવામાં આવતા હતા. સૌથી નાનું બોન્ડ રૂ. 1,000 અને સૌથી મોટું રૂ. 1 કરોડનું હતું. બોન્ડ ખરીદવાની સંખ્યા પર કોઈ મર્યાદા નહોતી. KYC કમ્પ્લીટ કરેલ કોઈ પણ બેંક ખાતાધારક આ બોન્ડ્સ ખરીદીને કોઈપણ રાજકીય પક્ષને દાન કરતું હતું. ત્યારબાદ રીસીવર તેને પાર્ટીના વેરિફાઈડ એકાઉન્ટનો ઉપયોગ કરીને તેને રોકડમાં કન્વર્ટ કરી શકતું હતું.
ઈલેક્ટોરલ બોન્ડ્સ વિવાદ
એવો દાવો કરવામાં આવે છે કે ઈલેક્ટોરલ બોન્ડ્સ ખરીદનાર વ્યક્તિ અથવા તેને મેળવનાર રાજકીય પક્ષની માહિતી ક્યાંય શેર કરવામાં આવતી નથી. એટલે કે આ સમગ્ર પ્રક્રિયા ખૂબ જ ગુપ્ત રાખવામાં આવી છે. આ જ કારણ છે કે 2018થી ઈલેક્ટોરલ બોન્ડ્સ વિવાદોમાં છે. સુપ્રીમ કોર્ટે અગાઉ નિર્દેશ જારી કર્યા છે કે તમામ પક્ષોએ ચૂંટણી ફંડ અંગેની સંપૂર્ણ માહિતી ચૂંટણી પંચને આપવી પડશે.