CAA કાયદો લાગુ થયા બાદ શું થશે અને શું છે વિવાદ? જાણો 10 મોટા સવાલોના જવાબ
નાગરિકતા સંશોધન કાયદો એટલે કે CAA ને લઈને દેશભરમાં ભારે હોબાળો થયો હતો
હવે સરકાર તેનો અમલ ટૂંક સમયમાં લાવવાની જાણકારી આપી રહી છે
Controversy On Citizenship Amendment Act (CAA): નાગરિકતા સંશોધન કાયદા (CAA)ને લઈને દેશમાં ફરી એકવાર ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ પહેલા પણ આ કાયદાને લઈને ઘણી ચર્ચા થઈ ચુકી છે અને ઘણી જગ્યાએ વિરોધ પણ જોવા મળ્યો હતો. લોકસભા તેમજ રાજ્યસભામાં બહુમતી સાથે પસાર થયા બાદ રાષ્ટ્રપતિની પણ મહોર લાગીને કાયદો બની ગયો હોવા છતાં પણ તેના વિરુદ્ધ પ્રદર્શનો થઈ રહ્યા છે.
આ બાબતે થોડા સમય પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, 'આ દેશનો કાયદો છે અને તેને દરેક સંજોગોમાં લાગુ કરવામાં આવશે.' આ સિવાય કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરે પણ સોમવારે પશ્ચિમ બંગાળમાં દાવો કર્યો હતો કે એક અઠવાડિયામાં CAA લાગુ કરવામાં આવશે. આ માત્ર પશ્ચિમ બંગાળમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. તો જાણીએ કે CAA શું છે અને તેના અમલીકરણથી શું ફેરફારો આવશે, તેમજ આટલા વિવાદનું કારણ શું છે?
શું છે સીએએ ?
આ કાયદો પાંચ વર્ષ પહેલા એટલે કે 2019 માં મંજૂર થયો છે, પરંતુ હજુ સુધી તેનો અમલ થયો નથી. વિરોધ પક્ષોએ આ મુદ્દે વધુ વાંધો દર્શાવ્યો હતો અને કડક વલણ પણ જોવા મળ્યું હતું. આ કાયદા અંતર્ગત ભારતીય નાગરિકતાની વ્યાખ્યા નક્કી કરવામાં આવી છે. આ બિલ હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક ઉત્પીડનના શિકાર બનેલા બિન મુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ છે. ભારત દેશના નાગરિક કોણ છે તેની પરિભાષા 1955માં એક કાયદો બનાવીને કરવામાં આવી જેને નાગરિકતા અધિનિયમ 1955 નામ અપાયું. મોદી સરકારે આ કાયદામાં સંશોધન કર્યું છે. જેને નાગરિકતા સંશોધન બિલ 2016 નામ આપવામાં આવ્યું છે.
સંશોધન બાદ દેશમાં 6 વર્ષ રહેતા અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના 6 ધર્મના (હિંદુ, શિખ, જૈન, બૌદ્ધ, પારસી અને ઈસાઈ) લોકોને કોઈ જરૂરી દસ્તાવેજ વગર ભારતીય નાગરિકતા આપવામાં આવશે. પહેલા નાગરિકતા અધિનિયમ 1955 પ્રમાણએ જરૂરી દસ્તાવેજ હોય તો જ આ દેશના લોકોને 12 વર્ષ પછી નાગરિકતા મળી શકતી હતી.
1. ધાર્મિક સમુદાય વચ્ચે ભેદભાવ
નાગરિકતા સંશોધન કાયદો અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાંથી ચોક્કસ ધાર્મિક સમુદાયો (હિંદુ, શીખ, જૈન, ખ્રિસ્તી, બૌદ્ધ અને પારસી) ના ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓને ભારતીય નાગરિકત્વ આપવા માટે જોગવાઈ કરે છે. જેમાં એવી પણ દલીલ કરવામાં આવે છે કે આ સમુદાયમાં મુસ્લિમોનો સમાવેશ થતો નથી.
2. બિનસાંપ્રદાયિકતાનું ઉલ્લંઘન
એક દલીલ એવી પણ છે કે CAA કેટલાક ધાર્મિક જૂથોની તરફેણ કરીને અને અન્યને બાકાત રાખીને ભારતીય બંધારણના બિનસાંપ્રદાયિકતાના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે.
3. ધર્મ આધારિત નાગરિકતા થવાનો ડર
CAA પ્રસ્તાવિત નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (NRC) સાથે જોડાયેલું હોય છે. જેથી આલોચકોને ડર છે કે જો CAA ને નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ સાથે જોડવામાં આવે તો તે મુસ્લિમોનો બહિષ્કાર કરી શકે છે. જેના કારણે ધર્મના આધારે નાગરિકતા નક્કી થશે તેવી સ્થિતિ સર્જશે.
4. માપદંડ પુરા ન થતા ગુમાવી શકે છે નાગરિકતા
એક એવી પણ શંકા છે કે CAA અને NRCના અમલ બાદ લોકો જો નાગરિકતાના માપદંડને પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય તો તે કોઈપણ દેશનો નાગરિક નહિ રહે.
5. વ્યાપક વિરોધ અને અશાંતિ
CAA ને લઈને સમગ્ર દેશમાં વ્યાપક વિરોધ થયો હતો, જેમાં ઘણા લોકોએ ભારતના સામાજિક માળખા, સમાવેશીતાના સિદ્ધાંતો અને વિવિધતા પર સંભવિત અસર અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
6. બંધારણીય મૂલ્યોને પડકાર
આ ઉપરાંત એક એવી પણ દલીલ કરવામાં આવે છે કે CAA ભારતીય બંધારણમાં સમાવિષ્ટ સમાનતા અને બિન-ભેદભાવના મૂલ્યોને પડકારે છે. તેની પાછળનું કારણ એ હતું કે આ કાયદો સ્થળાંતરિત લોકો વચ્ચે તેમના ધર્મના આધારે ભેદભાવ કરે છે.
7. હાંસિયામાં ધકેલાઈ જવાનો ડર
કેટલાક સમુદાયોમાં, ખાસ કરીને મુસ્લિમ સમુદાયને એવો ડર છે કે CAA અને NRC કાયદાઓ લાગુ થવાથી તેમને હાંસિયામાં ધકેલી શકે છે, તેમનો બહિષ્કાર પણ કરી શકે છે અને દેશનિકાલ પણ કરી શકે છે.
8. CAA પર આંતરરાષ્ટ્રીય સંસ્થાની પ્રતિક્રિયા
CAA આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને માનવાધિકાર સંગઠનો દ્વારા પણ ટીકા કરવામાં આવી હતી, જેમાં આ સંસ્થાઓએ માનવાધિકાર ઉલ્લંઘન અને ધાર્મિક ભેદભાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
9. નાગરિકતા નક્કી કરવામાં મુશ્કેલીઓ
આ કાયદાના અમલીકરણની પ્રક્રિયાને જટિલ છે જેથી ભૂલો થવાની સંભાવના પણ વધુ છે. આ લોકોની દલીલ છે કે નિર્દોષ લોકોને તેમની નાગરિકતા સાબિત કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
10. રાજનીતિકરણ
જ્યારથી નાગરિકતા સંશોધન કાયદાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે ત્યારથી આ મુદ્દા પર ખૂબ જ રાજનીતિ થઇ રહી છે. જેના કારણે વિવિધ રાજકીય પક્ષો અલગ-અલગ વલણ અપનાવી રહ્યા છે.