હરિયાણામાં જનતાની નારાજગી દૂર કરવા ભાજપે બનાવ્યો 'પ્લાન 12', આ નેતાને સોંપાઈ મોટી જવાબદારી
Image Twitter |
Haryana Elections 2024 : હરિયાણાની 90 વિધાનસભા બેઠકો પર 5 ઓક્ટોબરે મતદાન થવાનું છે. આ ચૂંટણી પહેલા ભાજપની સ્થિતિ 2014 અને 2019ની ચૂંટણીની તુલનાએ નબળી જોવા મળી છે. પરંતુ હાલના સમીકરણોને જોતા પાર્ટી તેના સ્તરે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. આ અંતર્ગત ભાજપે 'પ્લાન 12' તૈયાર કર્યો છે. જેમાં દક્ષિણ હરિયાણાની 12 વિધાનસભા સીટોને ટારગેટ કરવામાં આવી રહ્યો છે. જેને અહિરવાલ બેલ્ટ કહેવામાં આવે છે અને રાજ્યના અન્ય ભાગોની સરખામણીમાં અહીં જાટોની સંખ્યા થોડી ઓછી છે. ભાજપ આ બેઠકો પર ફોકસ કરી રહ્યું છે. જેથી કરીને અહીંની સફળતાથી અન્ય ભાગોમાં સફળતા ન મળે તો પણ બેલેન્સ જળવાઈ રહે.
ભાજપે કેન્દ્રીય મંત્રી રાવ ઈન્દ્રજીત સિંહને જવાબદારી સોપી
આ કાર્ય માટે ભાજપે કેન્દ્રીય મંત્રી રાવ ઈન્દ્રજીત સિંહની નિમણૂક કરી છે. તેઓ પોતે અહીં ચૂંટણીની રણનીતિ બનાવી રહ્યા છે અને પ્રચારની જવાબદારી પણ સંભાળી રહ્યા છે. ભાજપના સૂત્રોનું કહેવું છે કે, યાદવ સમુદાયના મોટા નેતા રાવ ઈન્દ્રજીતને અહિરવાલ બેલ્ટમાં મુક્તિ આપવામાં આવી છે અને તેમને પોતાના લેવલે રણનીતિ તૈયાર કરવા કહેવામાં આવ્યું છે. રાવ ઈન્દ્રજીત સિંહની પુત્રી આરતી રાવ પણ આ પટ્ટાની અટેલી બેઠક પરથી ચૂંટણી લડી ચૂકી છે.
એવુ પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ વિસ્તારમાં રાવ ઈન્દ્રજીતની ભલામણ પર જ ટિકિટ આપવામાં આવી છે. તેઓ અહીંના પ્રભારી છે અને દરેક બેઠકના પ્રચાર- પ્રસાર પર નજર રાખી રહ્યા છે. જો કે, એક ચિંતા એ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે રાવ ઈન્દ્રજીતનું ધ્યાન માત્ર તેમની પુત્રીની અટેલી બેઠક પર ન રહી જાય.
ભાજપે જાટ પટ્ટાને કાપી નાખવાની યોજના બનાવી
હકીકતમાં દક્ષિણ હરિયાણા એક એવો વિસ્તાર છે, જ્યાં યાદવોની નોંધપાત્ર સંખ્યા છે. ગુરુગ્રામ, રેવાડી, અટેલી, મહેન્દ્રગઢ જેવા વિસ્તારોની બેઠકો પર યાદવનું પ્રભુત્વ છે. આ ઉપરાંત બ્રાહ્મણોની સંખ્યા પણ સારી છે. આ પટ્ટામાં જાટોની સંખ્યા પાણીપત, સોનીપત, ઝજ્જર, કૈથલ, રોહતક, સિરસા અને હિસાર જેટલી વધારે નથી. જાટ સમુદાય ભાજપથી નારાજ છે. આ સ્થિતિમાં પાર્ટીને લાગે છે કે જે વિસ્તારોમાં બિન-જાટ વસ્તી વધુ છે તેના પર વધારે ફોકસ રાખવું જોઈએ. આ રણનીતિ હેઠળ એક તરફ પાર્ટી દક્ષિણ હરિયાણા પર ફોકસ કરી રહી છે, તો બીજી તરફ ઉત્તર હરિયાણાના કરનાલ, અંબાલા, યમુનાનગર અને કુરુક્ષેત્રમાંથી પણ ભાજપને આશા છે.