Get The App

ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન શું છે, તેનું ઉત્પાદન ક્યાં થાય છે અને તેની કિંમત કેટલી હોય છે?

Updated: Apr 7th, 2024


Google NewsGoogle News
ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન શું છે, તેનું ઉત્પાદન ક્યાં થાય છે અને તેની કિંમત કેટલી હોય છે? 1 - image


Lok Sabha Elections 2024: વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરવાતા દેશ ભારતમાં હવે થોડા દિવસોમાં જ લોકસભા 2024ની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. આ માટે ચૂંટણી પંચ દ્વારા લગભગ તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. દેશભરમાં ચૂંટણીને લઈને માહોલ રાજકીય બની રહ્યો છે ત્યારે આ વર્ષે પહેલીવાર મતદાન કરનાર યુવક-યુવતીઓ પણ મત આપવા માટે ઉત્સાહી છે. ભારતમાં પહેલા બેલેટ પેપરથી મતદાન કરવામાં આવતું હતું પણ સમય જતા તેમા પરિવર્તન આવ્યું અને હવે ઈવીએમમાં મતદાન કરવામાં આવે છે. દરેક ચૂંટણી સમયે લોકોના મનમાં સવાલો થતાં હોય છે કે આ ઈવીએમ શું છે ? તે કેવી રીતે કામ કરે છે ? ચૂંટણી પછી મતોની ગણતરી કેવી રીતે થાય છે? આ દરેક સવાલના જવાબ આજે અમે જણાવીશું.....

ઈવીએમને અનેક શંકાઓ, ટિકાઓ અને આરોપોનો સામનો કરવો પડ્યો

ઈવીએમને તેના 45 વર્ષના ઈતિહાસમાં અનેક શંકાઓ, ટીકાઓ અને આરોપોનો સામનો કરવો પડ્યો છે, પરંતુ ચૂંટણી પંચનું કહેવું છે કે ઈવીએમ સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઈવીએમમાં ​​ગેરરીતિઓ અથવા તેના દ્વારા થતી છેતરપિંડી સંબંધિત ચિંતાઓને દૂર કરવા ચૂંટણી પંચે સમયાંતરે અનેક પ્રયાસો કર્યા છે. આ લેખમાં આપણે જાણીશું કે ઈવીએમ શું છે, તે કેવી રીતે કામ કરે છે, તેનો ઉપયોગ ક્યારે શરૂ થયો, તેનું ઉત્પાદન ક્યાં થાય છે અને ઈવીએમને બનાવવા માટે કેટલો ખર્ચ થાય છે.

ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન સામાન્ય બેટરી પર ચાલતું મશીન છે

દેશમાં લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો રહી ગયા છે અને રાજકીય પક્ષો પ્રથમ તબક્કાના મતદાન પહેલા પૂરજોશમાં પ્રચાર કરી રહી છે. ત્યારે દેશમાં લગભગ બે દાયકાથી દરેક સંસદીય અને વિધાનસભાની ચૂંટણીઓમાં ઈવીએમનો ઉપયોગ થઈ રહ્યો છે. જો કે ચૂંટણી સમયે લોકોને ઈવીએમને લઈને અનેક સવાલો પોતાના મનમાં થતાં હોય છે.ઈવીએમનું પૂરું નામ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) છે જે નાગરિકોને પોતાનો મત (vote) આપવા માટેનું એક ઈલેક્ટ્રોનિક મશીન છે. ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન સામાન્ય બેટરી પર ચાલતું મશીન છે. જે મતદાન દરમિયાન પડેલા મતને રેકોર્ડ કરે છે અને મતોની ગણતરી પણ કરે છે. 

ઈલેક્ટ્રોનિક મશીન ત્રણ યુનિટોનું બનેલું છે

આ ઈલેક્ટ્રોનિક મશીન ત્રણ યુનિટોનું બનેલું છે જેમાં એક કંટ્રોલ યુનિટ (CU), બીજું બેલેટિંગ યુનિટ (BU). આ બંને યુનિટ પાંચ મીટર લાંબા વાયર સાથે જોડાયેલ હોય છે. આ ઉપરાંત VVPAT એટલે કે મતપત્રક યુનિટ એ ત્રીજુ યુનિટ છે જે મતદાન કમ્પાર્ટમેન્ટની અંદર રાખવામાં આવે છે, અને મતદાન યુનિટ મતદાન અધિકારી પાસે રાખવામાં આવે છે. ઈવીએમ પહેલા, જ્યારે બેલેટ પેપર દ્વારા મતદાન કરવામાં આવતું હતું, ત્યારે મતદાન અધિકારીઓ મતદારોને પેપર બેલેટ પેપર આપતા હતા. ત્યારબાદ મતદારો વોટિંગ કમ્પાર્ટમેન્ટમાં જઈને તેમના મનપસંદ ઉમેદવાર પર સ્ટેમ્પ લગાવતા હતા. ત્યારબાદ આ બેલેટ પેપરને મતપેટીમાં નાખવામાં આવતું હતું. 

કંટ્રોલ યુનિટમાં મત નોંધાય છે અને મતને રેકોર્ડ કરી શકે છે

હવે મતદાન અધિકારી કંટ્રોલ યુનિટ પર 'બેલેટ' બટન દબાવશે, ત્યારબાદ મતદાર બેલેટિંગ યુનિટ પર તેના મનપસંદ ઉમેદવારની બાજુમાં આવેલ વાદળી બટન દબાવીને મતદાન કરી શકે છે. આ મત કંટ્રોલ યુનિટમાં નોંધાય છે જે 2000 મતને રેકોર્ડ કરી શકે છે. મતદાન પૂર્ણ થયા બાદ આ યુનિટ દ્વારા મત ગણતરી કરવામાં આવે છે. એક મતપત્રક યુનિટમાં 16 ઉમેદવારોના નામ નોંધણી કરી શકાય છે. જો ત્યાં વધુ ઉમેદવારો હોય, તો વધારાના મતદાન યુનિટને કંટ્રોલ યુનિટ સાથે જોડી શકાય છે. ચૂંટણી પંચના જણાવ્યાનુસાર, આવા 24 બેલેટિંગ યુનિટને એકસાથે ઉમેરી શકાય છે, જેના દ્વારા NOTA સહિત વધુમાં વધુ 384 ઉમેદવારો માટે મતદાન કરાવી શકાય છે. 

ઈવીએમ ખૂબ જ ઉપયોગી : ભારતીય ચૂંટણી પંચ

ભારતના ચૂંટણી પંચના મતે, ઈવીએમ ખૂબ જ ઉપયોગી છે અને તે કાગળના મતપત્રો કરતાં પણ વધુ સચોટ હોય છે, કારણ કે તેમાં ખોટા અથવા અસ્પષ્ટ મતદાનની શક્યતા ખતમ થઈ જાય છે. આનાથી મતદારોને મતદાન કરવામાં સરળતા રહે છે અને ચૂંટણી પંચને પણ ગણતરી કરવામાં સરળતા રહે છે. અગાઉ યોગ્ય જગ્યાએ સીલ ન લગાવવાને કારણે વોટ રિજેક્ટ થતા હતા, પરંતુ હવે એવું થતું નથી. ચૂંટણી પંચનું કહેવું છે કે મતદારોને તેનો ઉપયોગ કરવા માટે ટેક્નોલોજીનું જ્ઞાન હોવું જરૂરી નથી. અભણ મતદારો માટે તે વધુ અનુકૂળ હોવાનું કહેવાય છે.

વોટર વેરિફાઈબલ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) શું છે?

ભારતમાં ઘણા રાજકીય પક્ષો ઈવીએમને લઈને વાંધો ઉઠાવી રહ્યા છે. આ શંકાઓને દૂર કરવાના ઈરાદાથી ચૂંટણી પંચે એક નવી પ્રણાલી લઈને આવી, જેને વોટર વેરિફાઈબલ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) કહેવામાં આવે છે. સામાન્ય ભાષામાં તેને VVPAT પણ કહેવામાં આવે છે. આ ઈવીએમ સાથે જોડાયેલી એવી સિસ્ટમ છે, જેના દ્વારા મતદાન કરનાર વ્યક્તિ જોઈ શકે છે કે તેમનો મત યોગ્ય ઉમેદવારને પડ્યો છે કે નહીં. ઈવીએમના બેલેટ યુનિટ પર બ્લુ બટન દબાવતાની સાથે જ ઉમેદવારનું નામ, ક્રમ અને ચૂંટણી ચિન્હ ધરાવતી સ્લિપ તેની બાજુમાં મૂકવામાં આવેલા VVPAT મશીનમાં છપાઈ જાય છે, તે VVPAT મશીનના નાના પારદર્શક ભાગમાં સાત સેકેન્ડ સુધી દેખાય છે અને પછી સીલબંધ બોક્સમાં પડી જાય છે.

ભારતમાં કઈ કંપનીઓ ઈવીએમ બનાવે છે?

ઈવીએમ અને VVPAT મશીનો આયાત કરવામાં આવતા નથી. આ ફક્ત ભારતમાં જ ડિઝાઇન અને ઉત્પાદિત છે. ચૂંટણી પંચના મતે આ માટે બે સરકારી કંપનીઓ અધિકૃત છે. એક છે ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL), જે સંરક્ષણ મંત્રાલય હેઠળ આવે છે અને બીજી કંપની ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા લિમિટેડ (ECIL) છે જે અણુ ઊર્જા વિભાગ હેઠળ આવે છે. આ બંને કંપનીઓ ચૂંટણી પંચ દ્વારા રચાયેલી ટેકનિકલ એક્સપર્ટ્સ કમિટી (TEC)ના માર્ગદર્શન હેઠળ કામ કરે છે.

ઈવીએમની કિંમત કેટલી છે અને તેનો ઉપયોગ મોંઘો છે?

ભારત સરકારની પ્રાઈસ નેગોશિયેશન કમિટી ઈવીએમના ત્રણ યુનિટો કંટ્રોલ યુનિટ (CU), બેલોટિંગ યુનિટ (BU) અને VVPATના યુનિટોના ભાવ નક્કી કરે છે.  ચૂંટણી પંચના જણાવ્યાનુસાર, BUની કિંમત 7991 રૂપિયા છે, CUની કિંમત 9812 રૂપિયા છે અને સૌથી મોંઘું યુનિટ VVPAT છે, જેની કિંમત 16,132 રૂપિયા છે. એક ઈવીએમ ઓછામાં ઓછા 15 વર્ષ સુધી ચાલે છે. આનાથી ચૂંટણી પ્રક્રિયા સસ્તી થશે તેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. જો કે, કેટલાક ટીકાકારો કહે છે કે ચૂંટણી પછી, ઈવીએમ સ્ટોર કરીને તેની હાઈટેક દેખરેખ રાખવા માટે ભારે ખર્ચ થઈ રહ્યો છે.

1982માં પહેલીવાર ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો

ભારતમાં વર્ષ 1982માં પહેલીવાર ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કેરળ વિધાનસભાની પરુર બેઠક પર યોજાયેલી પેટાચૂંટણી દરમિયાન, બેલેટિંગ યુનિટ અને કંટ્રોલ યુનિટ સાથેના ઈવીએમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરંતુ આ મશીનના ઉપયોગ અંગે કોઈ કાયદો ન હોવાને કારણે સુપ્રીમ કોર્ટે તે ચૂંટણીને રદ કરી દીધી હતી. ઈવીએમ દ્વારા મતદાનમાં ગોટાળાના આરોપો શરૂઆતથી જ ઉઠી રહ્યા છે. આવા અનેક મામલા કોર્ટમાં પણ પહોંચ્યા છે. ચૂંટણી પંચનું કહેવું છે કે વિવિધ હાઈકોર્ટે ઈવીએમને વિશ્વસનીય ગણ્યા છે. ઉપરાંત, જ્યારે હાઈકોર્ટ દ્વારા ઈવીએમની તરફેણમાં આપવામાં આવેલા કેટલાક નિર્ણયોને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યા હતા, ત્યારે સુપ્રીમ કોર્ટે પણ તે અપીલોને ફગાવી દીધી હતી.

ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન શું છે, તેનું ઉત્પાદન ક્યાં થાય છે અને તેની કિંમત કેટલી હોય છે? 2 - image


Google NewsGoogle News