ટ્રેનમાં ચઢતી કે ઉતરતી વખતે અકસ્માત થાય તો કેટલું વળતર મળે? જાણો કયા સંજોગોમાં કોને કેટલું વળતર મળે
Railway Accident Compensation: દુનિયાના સૌથી વિશાળ રેલવે નેટવર્ક પૈકીનું એક એટલે ભારતીય રેલવે. દરરોજ દેશના લાખો-કરોડો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. મોટાભાગના ભારતીયો લાંબા અંતરની મુસાફરી માટે રેલવેનો સહારો લે છે, કેમ કે રેલવે સલામત અને સસ્તો વિકલ્પ છે. ટ્રેનમાં મુસાફરી કરનારને અમુક ચોક્કસ નિયમો લાગુ પડતા હોય છે, એમાંનો એક નિયમ છે ટ્રેન અકસ્માત અને મુસાફરી દરમિયાન થતા મૃત્યુ વિશે. ટ્રેન મુસાફરનું અવસાન ટ્રેનમાં થાય તો કયા સંજોગોમાં એને વળતર મળે અને કયા સંજોગોમાં નહીં, મળે તો કેટલું વળતર મળે, એ બાબતે આજે જાણકારી મેળવીએ.
રેલ અકસ્માત થાય તો મૃતકને વળતર મળે છે
ભારતીય રેલવેના નિયમ મુજબ ટ્રેન અકસ્માતમાં અવસાન પામેલ વ્યક્તિને રેલવે વિભાગ દ્વારા વળતર આપવામાં આવે છે. પરંતુ, જો ટ્રેન મુસાફરી દરમિયાન કોઈ યાત્રીનું બીમારી કે અન્ય કોઈ કારણસર મૃત્યુ થયું હોય તો રેલવે દ્વારા કોઈ વળતર આપવામાં આવતું નથી.
ટ્રેનમાં ચડતી વખતે કે ઉતરતી વખતે મૃત્યુ વખતે
ઘણા લોકો ટ્રેનમાં ચઢતી કે ઉતરતી વખતે અકસ્માતનો ભોગ બનતા હોય છે. આવા બનાવોમાં લોકો ગંભીર રીતે ઘાયલ થાય છે કે પછી અવસાન પણ પામે છે. આમ બને ત્યારે ભૂલ જો મુસાફરની હોય તો તેને વળતર મળતું નથી, પણ જો રેલવેની કોઈ ભૂલને કારણે મૃત્યુ થાય તો રેલવે વળતર આપે છે.
આ પણ વાંચો: રેલવેનો સૌથી મોટો નિર્ણય, 10 પાસને પણ મળશે નોકરી, 4200 જગ્યાઓ પર ભરતી જાહેર
ટ્રેન નીચે પડતું મૂકનારને પણ વળતર મળે છે?
ઘણા લોકો ટ્રેનની સામે કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા હોય છે, જેમાં અમુક લોકો માર્યા જતા હોય છે તો અમુક ગંભીર ઈજાનો ભોગ બનતા હોય છે. બંને કેસમાં રેલવે ભોગ બનનારને કોઈ વળતર આપતું નથી.
કોને કેટલું વળતર મળે છે?
- IRCTC દ્વારા આપવામાં આવતા વીમા કવચ અંતર્ગત પ્રવાસ દરમિયાન ટ્રેન અકસ્માતને લીધે ઘાયલ થયેલ યાત્રી હોસ્પિટલમાં દાખલ થાય તો તેને 2 લાખ રૂપિયાનું કવર આપવામાં આવે છે.
- આંશિક વિકલાંગતા માટે મુસાફરને 7.5 લાખ રૂપિયાનું કવર આપવાની જોગવાઈ છે.
- કાયમી સંપૂર્ણ વિકલાંગતાના કિસ્સામાં મુસાફરને 10 લાખ રૂપિયાનું કવર આપવામાં આવે છે.
- મુસાફર અકસ્માતમાં જીવ ગુમાવે તો તેના પરિવારને 10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે છે.
આ પણ વાંચો: પહેલી જાન્યુઆરીથી નવું ટાઈમટેબલ, અમદાવાદ ડિવિઝનને સાંકળતી 48 ટ્રેનોના સમયમાં ફેરફાર
ફક્ત 45 પૈસાનું વીમા કવચ!
IRCTC ની એપ અથવા વેબસાઇટ દ્વારા ટ્રેનની ટિકિટ બુક કરતી વખતે મુસાફરોને ચુકવણી પ્રક્રિયા દરમિયાન વીમો લેવાનો વિકલ્પ આપવામાં આવે છે. IRCTC માત્ર 45 પૈસા લઈને ટ્રેન મુસાફરી કરતા લોકોને 10 લાખ રૂપિયા સુધીનું વીમા કવચ આપે છે. આ વીમા કવચને દુનિયાનું સૌથી સસ્તું વીમા કવર માનવામાં આવે છે. એક PNR પર ગમે તેટલા મુસાફરો માટે ટિકિટ બુક કરાવી શકાય છે અને આ વીમો તે બધાને લાગુ પડે છે. તેથી ટ્રેન ટિકિટ બુક કરતી વખતે આ વીમાનો લાભ લેવાનું ચૂકવું નહીં.