Lok Sabha Elections: NOTA શું છે, જો તેમાં સૌથી વધુ મત પડે તો કોને વિજેતા જાહેર કરવામાં આવે?

Updated: May 7th, 2024


Google NewsGoogle News
Lok Sabha Elections: NOTA શું છે,  જો તેમાં સૌથી વધુ મત પડે તો કોને વિજેતા જાહેર કરવામાં આવે? 1 - image


NOTA in Election: જો મતદારોને મતદાન કરતી વખતે કોઈપણ પક્ષના ઉમેદવાર યોગ્ય નથી લાગતા તો તેઓ NOTA બટન દબાવીને પોતાનો વિરોધ નોંધાવી શકે છે. NOTA નો અર્થ ઉપરોક્તમાંથી કોઈ નહિ (None of the above). EVM મશીનનો ઉપયોગ તો ઘણા વર્ષોથી થાય છે પરંતુ NOTA બટન છેલ્લા એક દશકથી જ સામેલ કરવામાં આવ્યું છે. પહેલીવાર વર્ષ 2013માં 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં તેને લાગુ કરવામાં આવ્યું હતું. વર્ષ 2013 NOTAનો વિકલ્પ લાગુ કરીને ભારત વિશ્વનો 14મો દેશ બન્યો હતો. 

NOTAની જરૂર કેમ પડી?

જયારે દેશમાં NOTA સિસ્ટમ ન હતી ત્યારે લોકો કોઈ યોગ્ય ઉમેદવાર ન લાગે તો મતદાન કરવા માટે જતા જ નહિ આ રીતે તેમનો મત વેડફાઈ જતો હતો અને લોકો મતદાનના અધિકારથી વંચિત રહી જતા હતા. આવી સ્થિતિમાં વર્ષ 2009માં ચૂંટણી પંચે NOTAનો વિકલ્પ આપવાના પોતાના ઈરાદા અંગે સુપ્રીમ કોર્ટ પાસે મંજૂરી માંગી. ત્યારબાદ નાગરિક અધિકાર સંગઠન પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝે પણ NOTAને સમર્થન આપતી PIL દાખલ કરી હતી. અને વર્ષ 2013માં કોર્ટે આ બાબતે મંજૂરી આપી હતી. 

ક્યાં કયા દેશોમાં NOTAનો વિકલ્પ છે?

અમેરિકા, કોલંબિયા, યુક્રેન, રશિયા, બાંગ્લાદેશ, બ્રાઝિલ, ફિનલેન્ડ, સ્પેન, ફ્રાન્સ, ચિલી, સ્વીડન, બેલ્જિયમ, ગ્રીસ આમ આ 13 દેશોમાં ભારત પહેલાથી NOTAનો વિકલ્પ આપવામાં આવે છે. આમાંથી અમુક દેશો એવા પણ છે જ્યાં NOTAને 'રાઈટ ટુ રિજેક્ટ'નો અધિકાર મળેલો છે. રાઈટ ટુ રિજેક્ટ એટલે જો NOTAમાં વધુ મત પડે છે તો ચૂંટણી રદ થાય છે અને NOTA કરતા ઓછા મત મેળવનાર ઉમેદવાર ફરીથી ચૂંટણી લડી શકશે નહીં.

જો NOTA ને સૌથી વધુ મત મળે તો શું?

NOTAના નિયમોમાં સમયાંતરે ફેરફાર કરવામાં આવ્યા છે. શરૂઆતમાં NOTA ને ગેરકાયદેસર મત માનવામાં આવતો હતો. એટલે કે, જો NOTA ને અન્ય તમામ ઉમેદવારો કરતા વધુ મત મળે, તો બીજા નંબરના સૌથી વધુ મત મેળવનાર ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવતો. અંતે 2018 માં, દેશમાં પ્રથમ વખત, NOTAને પણ ઉમેદવારોની સમાન દરજ્જો આપવામાં આવ્યો હતો. ડિસેમ્બર 2018માં હરિયાણાના પાંચ જિલ્લાઓમાં નગરનિગમની ચૂંટણીઓમાં NOTAને સૌથી વધુ મત મળ્યા હતા. આવી સ્થિતિમાં તમામ ઉમેદવારોને અયોગ્ય જાહેર કરાયા હતા. આ પછી ચૂંટણી પંચે ફરીથી ચૂંટણી કરાવવાનો નિર્ણય લીધો હતો.

જો NOTA ફરીથી ચૂંટણીમાં જીતે તો શું થશે?

મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે તેના 2018ના આદેશમાં, NOTAને 'કાલ્પનિક ચૂંટણી ઉમેદવાર'નો દરજ્જો આપ્યો છે. આદેશ અનુસાર, જો કોઈ ઉમેદવાર NOTA જેટલા મત મળે છે, તો ચૂંટણી લડનાર વાસ્તવિક ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવશે. જો NOTA ને અન્ય તમામ કરતા વધુ મત મળે છે તો ફરીથી ચૂંટણી યોજવામાં આવશે. પરંતુ જો ચૂંટણી યોજ્યા પછી પણ કોઈ ઉમેદવાર NOTA કરતા વધુ મત મેળવી શકશે નહીં, તો ત્રીજી વખત ચૂંટણી યોજાશે નહીં. આવી સ્થિતિમાં, NOTA પછી સૌથી વધુ મત મેળવનાર ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવે છે. આદેશ અનુસાર, મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચના આ નિયમો રાજ્યમાં ચૂંટણી સુધી મર્યાદિત છે.

Lok Sabha Elections: NOTA શું છે,  જો તેમાં સૌથી વધુ મત પડે તો કોને વિજેતા જાહેર કરવામાં આવે? 2 - image


Google NewsGoogle News