એવું તો શું થયું હતું કે નીતીશ કુમારે અચાનક ગુલાંટ મારી, RJDને પણ આપી દીધા હતા સંકેત!
બીજી અને 21 નવેમ્બરની ઘટનાઓ નીતીશની એક્ઝિટનું કારણ બની હોવાનો દાવો
Nitish kumar and Bihar politics News | શું નીતીશ કુમારે I.N.D.I.A. ગઠબંધન છોડીને NDA સાથે ફરી જોડાણનો નિર્ણય અચાનક લીધો? કોંગ્રેસ અને આરજેડી કહી રહ્યા છે કે નીતીશ કુમારે આ વાતના કોઈ સંકેત નહોતા આપ્યા. જયરામ રમેશે તો કહી ચૂક્યા છે કે 23 ઓક્ટોબરે પટણામાં અને ત્યાર પછી બેંગ્લુરુ તથા મુંબઈની યોજાયેલી બેઠકમાં પણ નીતીશ કુમારે એવા કોઈ સંકેત નહોતા આપ્યા. જોકે ખરેખર એવું નહોતું.
બીજી નવેમ્બરની ઘટના પણ જવાબદાર
બીજી નવેમ્બરે પટણાના ગાંધી મેદાનમાં એક મોટો કાર્યક્રમ યોજાવાનો હતો. તેમાં BPSCની ભરતીમાં પસંદગી પામેલા 1.2 લાખ શિક્ષકોને નોકરી માટેના લેટર જારી કરવાના હતા. આ મોટી ભરતી હતી અને ગઠબંધનના બંને સાથી આરજેડી તથા જેડીયુમાં તેને લઈને ક્રેડિટ લેવાની હોડ મચી ગઈ. આ કાર્યક્રમમાં મોટા મોટા બેનરો લગાવાયા પણ તેમાં તસવીર એકમાત્ર નીતીશ કુમારની જ હતી. તેજસ્વી યાદવની તસવીર ગૂમ હતી.
21 નવેમ્બરે પણ બની મોટી ઘટના
આ ઘટના બાદ 21 નવેમ્બરે નીતીશ કુમાર સરકારે અચાનક જ જાહેરાત કરી દીધી કે જાતિગત અનામતની મર્યાદા 65 ટકા રહેશે અને EWS સહિત કુલ ક્વૉટા 75 ટકા રહેશે. આ પણ એક મોટો નિર્ણય હતો જેનાથી આખા દેશમાં નવો સંદેશ પહોંચ્યો. જો કે આ નિર્ણય માટે પણ તેજસ્વી યાદવનો અભિપ્રાય ન લેવાયો. સૂત્રો કહે છે કે આરજેડીના જૂથમાં કોઈને તેના વિશે ખબર જ નહોતી અને અચાનક આટલી મોટી જાહેરાત કરાઈ. બાદમાં તમામ ક્રેડિટ નીતીશ કુમાર લેવા લાગ્યા. આ દરમિયાન 13 અને 14 ડિસેમ્બરે પટણામાં બિહાર ઈન્વેસ્ટર્સ સમિટ યોજાઈ, જેમાં તેજસ્વી યાદવ બે દિવસના કાર્યક્રમમાં હાજરી આપવા જ ન આવ્યા. જેડીયુના લલન સિંહની આરજેડી સાથે નિકટતા વધી તો તેમને પણ પદેથી હટાવી નીતીશ અધ્યક્ષ બની ગયા.
ઉત્તરાયણના દિવસે પણ આપ્યો હતો સંકેત?
આ રીતે નીતીશ કુમાર વારંવાર સંકેત આપી રહ્યા હતા કે આરજેડી સાથે તેમની જામી રહી નથી અને તે નારાજ છે. આમ છતાં તેજસ્વી યાદવ અને લાલુ પ્રસાદ એમ કહે કે નીતીશ કુમારે આ નિર્ણય અચાનક લીધો છે તો આ વાત ગળે ઉતરતી નથી. ઉત્તરાયણ પર નીતીશ કુમારે સંકેત આપ્યા હતા કે, તેઓ ગમે તે માર્ગે ચાલી શકે છે. તે રાબડી દેવીના ઘરે ગયા પણ 15 મિનિટ જ રોકાયા. છેવટે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા બિહાર પહોંચે તે પહેલાં જ તેમણે ગુલાંટ મારી લીધી.