જાણો 3 જૂને શેરબજારમાં કેવી ઉથલપાથલ થઈ હતી? જેને રાહુલ ગાંધી ગણાવી રહ્યા છે મોટું કૌભાંડ...

Updated: Jun 6th, 2024


Google NewsGoogle News
જાણો 3 જૂને શેરબજારમાં કેવી ઉથલપાથલ થઈ હતી? જેને રાહુલ ગાંધી ગણાવી રહ્યા છે મોટું કૌભાંડ... 1 - image


Rahul Gandhi Alleges Biggest Stock Market Scam : કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી-2024ના પરિણામ (Lok Sabha Elections Result 2024)ના દિવસે શેરબજારમાં મોટું ગાબડું પડવા મુદ્દે ચોંકાવનારું નિવેદન આપી ખળભળાટ મચાવી દીધો છે. તેમણે માર્કેટમાં ઘટાડા મામલે વડાપ્રધાન, ગૃહમંત્રી અને નાણાંમંત્રી સામે સીધુ નિશાન તાક્યું છે અને માર્કેટ ક્રેશ માટે JPCની માંગ કરી છે. તો જાણીએ, ત્રીજી જૂને શેરબજારમાં એવું તો શું થયું, જેને રાહુલ ગાંધી મુદ્દો બનાવી ભાજપને ઘેરી રહ્યા છે?

મોદી-શાહ-સીતારામને શેરબજારમાં તેજીની આશા વ્યક્ત કરી હતી

વાસ્તવમાં પહેલી જૂને લોકસભા ચૂંટણીના પરિણામો સામે આવ્યા છે, જેમાં NDAએ સરકારને બહુમતી મળી છે. જોકે ચૂંટણી પરિણામો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi), ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) અને નાણાંમંત્રી નિર્મલા સીતારામને (Nirmala Sitharaman) ઈન્ટરવ્યૂ આપી આશા વ્યક્ત કરી હતી કે, પરિણામના દિવસે એટલે કે ચોથી જૂને શેરબજાર (Stock Market)માં રેકોર્ડ તેજી જોવા મળશે. સૌથી પહેલા 14 જૂને એક ઈન્ટરવ્યૂ દરમિયાન અમિત શાહે કહ્યું હતું કે, ચોથી જૂને શેરબજારમાં રેકોર્ડ તેજી જોવા મળી શકે છે. આ અનુમાન પાછળના કારણો અંગે તેમણે કહ્યું હતું કે, જ્યારે પણ દેશમાં સ્થિર સરકાર બને છે, ત્યારે માર્કેટમાં ઉછાળો જોવા મળે છે. પછી 20મી મેએ વડાપ્રધાન મોદીએ પણ પરિણામના દિવસે માર્કેટમાં તેજી આવવાની આશા વ્યક્ત કરી હતી. ત્યારબાદ નાણામંત્રીએ પણ આવી સંભાવના વ્યક્ત કરી હતી. આવા અંદાજીત નિવેદનો બાદ શેરબજારમાં રિકવરી જોવા મળી હતી.

એક્ઝિટ પોલ બાદ ત્રીજી જૂને માર્કેટમાં તોફાની તેજી

ત્યારબાદ પહેલી જૂને સાતમાં તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલ (Exit Poll 2024) આવ્યા હતા અને લગભગ તમામ એક્ઝિટ પોલમાં ભાજપ (BJP)ને સ્પષ્ટ બહુમતી મળવાની શક્યતા વ્યક્ત કરાઈ હતી. પહેલી જૂને શનિવારે એક્ઝિટ પોલ આવ્યા હતા અને ત્યારબાદ રવિવારે માર્કેટ બંધ હતું. ત્રણ જૂને સોમવારે સ્ટોક માર્કેટ ઓપન થયું અને એક્ઝિટ પોલના અંદાજને કારણે શેરબજારમાં તોફાની તેજી જોવા મળી. ચૂંટણીના પરિણામોના એક દિવસ પહેલા એટલે કે, ત્રીજી જૂને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)માં 30 શેરોવાળો સેન્સેક્સ (Sensex) 2000 પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યો હતો અને દિવસના ટ્રેડિંગ દરમિયાન ઑલ ટાઈમ હાઈ 76,738.89 પર પહોંચી ગયો હતો. ટ્રેડિંગના અંતે બીએસઈ સેન્સેક્સ 2507.47 પોઈન્ટ્સ (3.39 ટકા)ના ઉછાળા સાથે 76,468.78ના સ્તરે બંધ થયો હતો. બીજીતફ નિફ્ટી (Nift)માં પણ આવી સ્થિતિ જોવા મળી. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 600 પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યો હતો અને ટ્રેડિંગના ટૂંકા ગાળામાં 23,338.70ની વિક્રમી ટોચે પહોંચી ગયો હતો. જોકે, માર્કેટ બંધ થવાના અંતે નિફ્ટી 733.20 પોઈન્ટ (3.25 ટકા)ના વધારા સાથે 23,263.90 પર બંધ થયો હતો. ત્રીજી જૂને બજારમાં આ ઉછાળાને કારણે રોકાણકારોએ લગભગ 13 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

ચૂંટણી પરિણામના દિવસે શેરબજારમાં હાહાકાર મચ્યો

ત્યારબાદ ચોથી જૂને લોકસભા ચૂંટણી પરિણામો આવવાના શરૂ થયા ત્યારે, શેરમાર્કેટમાં ધરખમ ઘટાડો થયો. ચૂંટણી પરિણામના દિવસે શેરબજારમાં કારોબાર શરૂ થતાની સાથે જ ઘટાડાનો સિલસિલો શરૂ થઈ ગયો અને તે ઘટતો જ ગયો. ચૂંટણી પરિણામોના દિવસે બીએસઈ સેન્સેક્સ 1700 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો અને બપોરે 12.20 વાગ્યા સુધીમાં તે 6094 પોઈન્ટ ઘટીને 70,374ના સ્તરે પહોંચી ગયો હતો. બીજી તરફ નિફ્ટી ઈન્ડેક્સમાં લગભગ 1947 પોઈન્ટનો જંગી ઘટાડો થયો હતો અને 21,316ના સ્તરે પહોંચી ગયો હતો. કોરોના પીરિયડ બાદ માર્કેટમાં આ સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો અને સ્ટોક માર્કેટ ક્રેશને કારણે બીએસઈના માર્કેટ કેપમાં એક જ દિવસમાં લગભગ 31 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો હતો.

રાહુલ ગાંધીએ શેરબજારની ઉથલપાથલને કૌભાંડ ગણાવ્યું, JPC તપાસની માંગ કરી

પરિણામના દિવસે શેરમાર્કેટ ઊંધા માથે પછડાયા બાદ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ નરેન્દ્ર મોદી, અમિત શાહ અને નિર્મલા સીતારામન પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસની ઓફિસમાં ગુરુવારે યોજાયેલી બેઠક દરમિયાન રાહુલે શેર માર્કેટનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, ‘શેરબજારમાં ઘટાડો એ ઈતિહાસનું સૌથી મોટું કૌભાંડ છે અને તેની જેપીસી તપાસ થવી જોઈએ. રાહુલ ગાંધીએ પ્રશ્ન ઉઠાવતા પૂછ્યું કે, શા માટે આ ત્રણેય નેતાઓએ ચોથી જૂને શેરબજારમાં રેકોર્ડ ઉછાળાની આશા વ્યક્ત કરી અને શા માટે લોકોને શેર ખરીદવાનું કહ્યું? તેમણે કહ્યું કે, આ મોટા ઘટાડાથી રિટેલ રોકાણકારોને 30 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.


Google NewsGoogle News