મંદિરના પ્રસાદમાં કોણે ચરબી ભેળવી? વિવાદ વધતાં આરોપી મુખ્યમંત્રીની પાર્ટી પહોંચી હાઈકોર્ટ
Image:Twitter
Tirumala Prasadam Controversy: આંધ્રપ્રદેશમાં સ્થિત વિશ્વ પ્રસિદ્વ તિરુપતિ મંદિરના લડ્ડુ પ્રસાદમની પવિત્રતા અને શુદ્વતાને લઇને વિવાદ વધુ વકરતો જાય છે. તિરુપતિ મંદિરના પવિત્ર પ્રસાદમાં મટન ટેલો, માછલીનું તેલ અને પામ તેલ, ડુક્કરની ચરબીનો ઉપયોગ થતો હોવાનું પ્રકાશમાં આવતા હોબાળો મચી ગયો છે.
તિરુપતિ બાલાજીના મંદિરમાં તેમને ખાસ
પ્રસાદ તરીકે લાડુ ચઢાવવામાં આવે છે અને ભક્તો તેને ખૂબ જ આદર અને શ્રદ્ધા સાથે
સ્વીકારે છે. શ્રદ્વા અને આસ્થા સાથે ગ્રહણ કરતાં શ્રદ્વાણુઓ સાથે જાણે દગો થયો
હોય તેવો માહોલ છે અને તેથી શ્રદ્વાણુઓમાં આ ઘટનાને લઇને આક્રોશ પણ જોવા મળી રહ્યો
છે.
આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રબાબુ નાયડુએ બુધવારે આરોપ મૂક્યો હતો કે, વાયએસઆરસીપીની સરકારમાં તિરુપતિના લાડુના પવિત્ર પ્રસાદ બનાવવામાં ઉપયોગમાં લેવાતા ઘીમાં પ્રાણીજન્ય ચરબીવાળા ઘી સહિતના અશુદ્ધ તત્વોનો ઉપયોગ થતો હતો, પણ અમારી સરકાર આવતા અમે આ બધું સુધારી દીધું છે.
તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) એ લેબ રિપોર્ટને ટાંકીને જગન મોહન રેડ્ડીની આગેવાની હેઠળની પાછલી સરકાર પર સનસનાટીભર્યા આરોપો લગાવ્યા છે. ટીડીપીના દાવા મુજબ, વાયએસઆરસી સરકારના કાર્યકાળ દરમિયાન પ્રખ્યાત તિરુપતિ લાડુ પ્રસાદમ બનાવવા માટે તિરુમાલા મંદિર ટ્રસ્ટને સપ્લાય કરવામાં આવેલા ઘીના નમૂનાના લેબ ટેસ્ટ કરાતા તેમાં પ્રાણીની ચરબી અને માછલીના તેલની ભેળસેળ હોવાનું બહાર આવ્યું છે. સત્તાધારી તેલુગુ દેશમ પાર્ટીએ દાવો કર્યો છે કે, ગુજરાત સ્થિત એક લેબએ ભેળસેળની પુષ્ટિ કરી છે.
ટીડીપીના પ્રવક્તા અનમ વેંકટ રમના રેડ્ડીએ 19 સપ્ટેમ્બરના રોજ એક પ્રેસ કોન્ફરન્સમાં લેબ રિપોર્ટ જાહેર કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું કે, આ નમૂના 9 જુલાઈ, 2024ના રોજ ગુજરાત સ્થિત લાઈવસ્ટોક લેબોરેટરી, NDDB (નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ) CALF લિમિટેડ (સેન્ટર ફોર એનાલિસિસ એન્ડ લર્નિંગ ઇન લાઈવસ્ટોક એન્ડ ફૂડ)ને મોકલવામાં આવ્યા હતા.
તેનો રિપોર્ટ લેબે 17 જુલાઈએ આપ્યો હતો. આ મુદ્દે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના પૂર્વ ચેરમેન અને YSR પાર્ટીના સાંસદ વાયવી સુબ્બા રેડ્ડીએ કહ્યું કે, 'તિરુપતિ લડ્ડુ પ્રસાદમની પવિત્રતા પર સીએમ નાયડુનું નિવેદન ખૂબ જ અપમાનજનક છે. આનાથી વિશ્વભરના હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે. TTD એ 2019થી 2024 સુધી નૈવેદ્યમ અને પ્રસાદમ તૈયાર કરવામાં ઉચ્ચતમ ધોરણોનું પાલન કર્યું અને અગાઉની સરખામણીમાં પ્રસાદમની ગુણવત્તામાં પણ સુધારો કર્યો.
અમિત શાહને ચિઠ્ઠી
આ મામલે વકીલ વિનીત જિંદાલે કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને આંધ્ર પ્રદેશના પોલીસ વડાને રાજ્યના પૂર્વ સીએમ જગન મોહન રેડ્ડી, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ના અધિકારીઓ અને ભેળસેળવાળું ઘી સપ્લાય કરનારા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કેસ કરવાની અરજી દાખલ કરી છે.
તેમની ફરિયાદમાં, વકીલ જિંદાલે ભારતીય ન્યાય સંહિતાની કલમ 152, 192, 196, 298 અને 353 હેઠળ તમામ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની વિનંતી કરી હતી. આ સાથેજ જગન મોહન રેડ્ડીએ અન્ય વિરુદ્વ રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (NSA) લગાવવાની વિનંતી કરી છે.
મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ તાજેતરના નિવેદનમાં કહ્યું કે, 'હું રાજ્યના લોકોને અપીલ કરું છું, એનટી રામારાવે તિરુમાલામાં ભોજન આપવાનું શરૂ કર્યું હતું. આજના સમયમાં પણ ત્યાં પીરસવામાં આવતું ભોજન પણ હલકી ગુણવત્તાનું હોય છે. પ્રસાદમ વિશે પણ ઘણી ફરિયાદો છે. તેને બનાવવામાં વપરાયેલ કાચો માલ હલકી ગુણવત્તાનો છે. આ પવિત્ર મંદિરમાં અપવિત્ર કાચી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. અમે આ બધી ગંદકી સાફ કરીશું.
મહત્વનું છે કે,તિરુપતિ મંદિરની 300 વર્ષ જૂની ભોજનાલયમાં દરરોજ 3.50 લાખ લાડુ બનાવવામાં આવે છે. તિરુમાલા ટ્રસ્ટની દર વર્ષે સરેરાશ 500 કરોડ રૂપિયા લાડુ પ્રસાદમથી કમાણી થાય છે.
હાઇ કોર્ટ પહોંચ્યા જગન મોહન
બીજી તરફ જગન મોહન અને તેમની પાર્ટી YSR કોંગ્રેસે આ વિવાદ પર આંધ્રપ્રદેશ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. YSR કોંગ્રેસે N. હાઈકોર્ટમાં અપીલ કરી. ચંદ્રાબાબુ નાયડુ અને ટીડીપીના આરોપોની તપાસ માટે ન્યાયિક સમિતિની રચનાની માંગ કરી હતી.
હાઈકોર્ટ આ મામલે 25 સપ્ટેમ્બરે સુનાવણી કરશે. કેન્દ્રીય ખાદ્ય મંત્રી પ્રહલાદ જોશીએ પણ આ મામલે વિગતવાર રિપોર્ટ મંગાવ્યો છે.
આંધ્રપ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન પવન કલ્યાણે શુક્રવારે કહ્યું કે, લેબ રિપોર્ટના તારણોને લઈને ખૂબ જ ચિંતિત છે જેમાં તિરુમાલાના લાડુ પ્રસાદમમાં માછલીના તેલ અને પ્રાણીની ચરબીની ભેળસેળની પુષ્ટિ થઈ છે. તેમણે કહ્યું કે, 'YCP સરકાર દ્વારા રચવામાં આવેલા TTD બોર્ડને ઘણા પ્રશ્નોના જવાબ આપવા પડશે. અમારી સરકાર શક્ય તેટલી કડક કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ છે.
તમામ મંદિરોના પ્રસાદનું પરીક્ષણ થવું જોઈએ
હવે કર્ણાટક ભાજપે માંગ કરી છે કે, રાજ્ય સરકાર દ્વારા નિયંત્રિત તમામ મંદિરોના પ્રસાદનું લેબોરેટરીમાં પરીક્ષણ કરવામાં આવે અને મંદિરના સંચાલન માટે કોઈ બિન-હિંદુની નિમણૂક કરવામાં ન આવે.
તિરુપતિ પ્રસાદમ વિવાદ પર રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું કે, 'તપાસથી સ્પષ્ટ થયું છે કે, પ્રસાદમાં માછલીનું તેલ ભેળવવામાં આવ્યું હતું. આ બધું કેટલા સમયથી થઈ રહ્યું છે તે હજુ સુધી જાણી શકાયું નથી. આ એક ષડયંત્ર છે અને સનાતન ધર્મ પર હુમલો છે. સરકારે તેને ગંભીરતાથી લેવી જોઈએ અને દોષિતોને સજા આપવી જોઇએ.'
બીજેપી નેતા જીવીએલ નરસિમ્હા રાવે કહ્યું કે, 'હિંદુઓ તિરુપતિ પ્રસાદમના નાના ટુકડા માટે મરે છે. પ્રસાદમમાં ભેળસેળ હિન્દુઓની આસ્થા સાથે રમત છે. જે બન્યું તે કલ્પના બહારનું છે. ટીટીડી એક હિન્દુ સંગઠન છે અને તેમાં માત્ર હિન્દુઓ જ હોવા જોઈએ. અમારી માંગ છે કે, તિરુપતિ મંદિર પરિસરમાં કામ માટે માત્ર હિન્દુઓ જ હોવા જોઈએ. મંદિરમાં દર વર્ષે કરોડો લોકો દર્શન માટે આવે છે. ગુનેગારોને જેલના સળિયા પાછળ મોકલવાની જરૂર છે. અમે ઈચ્છીએ છીએ કે, માત્ર હિન્દુઓ જ TTDનો ભાગ બને અને મંદિર પરિસરમાં આવેલી દુકાનોમાં માત્ર હિન્દુઓએ જ કામ કરવું જોઈએ.”
આ પણ વાંચો: તિરુપતિના પ્રસાદમાં મટન ટેલો, ફિશ ઓઇલની ભેળસેળથી હોબાળો