ભૂતાન સાથે મળીને ચીન કઈ રમત રમવા માગે છે ? ભારતની ચિંતા વધી છે

Updated: Oct 26th, 2023


Google NewsGoogle News
ભૂતાન સાથે મળીને ચીન કઈ રમત રમવા માગે છે ? ભારતની ચિંતા વધી છે 1 - image


- ભૂતાનના વિદેશમંત્રી ચીનની મુલાકાતે

- એક સમયે ભૂતાનને 'સ્વતંત્ર' દેશ આપવા પણ તૈયાર ન હતું તે ચીન હવે ભૂતાન સાથે કાનૂની અને કાયમી સંબંધો બાંધવા માગે છે

નવી દિલ્હી : ચીને ભૂતાન સાથે કાયમી રાજકીય સંબંધો બાંધવા તૈયારી દર્શાવી છે સાથે બંને દેશો વચ્ચેનો સીમા વિવાદ પણ જલ્દી ઉકેલવા તૈયાર થયું છે.

એક સમયે ભૂતાનને સ્વતંત્ર દેશ તરીકે પણ સ્વીકારવા ચીન તૈયાર ન હતું હવે તે બંને દેશોના સંબંધોને કાનૂની અને કાયમી રૂપ આપવા તૈયાર થયું છે.

ભૂતાનના વિદેશમંત્રી ડૉ. ટાડી દોર્જીએ ચીનની મુલાકાત લીધી હતી અને ચીનના વિદેશ મંત્રી વાંગ ચી સાથે મંત્રણા કરી હતી. જેમાં આંતરરાષ્ટ્રીય સીમા પરિસીમન અને સીમાંકન માટે એક સમજૂતી ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યાં. આ સાથે ચીને વહેલામાં વહેલી તકે પોતાના રાજદ્વારી (રાજદૂત)ને મોકલવાની વાત કરી છે. ભૂતાન-ચીનની નજીક આવવાથી ભારતની ચિંતા વધે તે સહજ છે.

ડૉ. ટાંડી દોર્જીએ મંગળવારે ચીનના ઉપપ્રમુખ હાન-ઝોંગને પણ મળ્યા હતા. હાને બંને પક્ષો દ્વારા સીમાંકન પ્રક્રિયામાં તેજી લાવવા અને બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો સ્થાપવા સહમતિ દર્શાવી હતી. ચીને ભૂતાનને પોતાનો મિત્ર દેશ જાહેર કર્યો. સીમાંકન મુદ્દે હસ્તાક્ષર કર્યા પછી ચીને કહ્યું કે તે હંમેશાં ભૂતાનના સ્વતંત્રતા, સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડતાનું સન્માન કરે છે, અને ભૂતાનની સાથે અર્થતંત્ર, વ્યાપાર, સાંસ્કૃતિક અને વ્યવહારિક સંબંધો વિસ્તારવા તથા વહેલામાં વહેલી તકે રાજદ્વારી સંબંધો બાંધવા કટિબદ્ધ છે.

ચીનનાં વિદેશ મંત્રાલયે આ પછી એક નિવેદન પ્રસિદ્ધ કર્યું અને જણાવ્યું છે કે વિદેશમંત્રી વાંગે દોર્જીને કહ્યું કે રાજકીય સંબંધોની બહાલી બંને દેશોનાં દીર્ઘકાલીન હિતોને પૂરા કરશે.

ભૂતાન દોકલામમાં ખીણમાં રહેલો તેનો પ્રદેશ ચીનને સોંપી દે તેવી આશંકા વધી રહી છે. ચીનની નજર દોકલામ-વેલી પર જ છે. તેની 'ફાઈવ-ફિંગર્સ' પૈકી એક 'ફીંગર' ભૂતાન છે. બીજી પાર નેપાળ, લડાખ, સિક્કીમ અને અરૂણાચલ પ્રદેશ ઉપર છે. ભૂતાન જો ડોકલામ વિસ્તારનો તેનો પ્રદેશ ચીનને હવાલે કરે તો ભારત માટે મુશ્કેલી ઊભી થાય તેમ છે. પરંતુ ભારત સંપૂર્ણ સજાગ છે. તે લડાખમાં કે દોગલામમાં ચીનને ફાવવા દે તેમ નથી. નેપાળના વડાપ્રધાન પુષ્પકમલ પ્રચંડે તો કહી દીધું છે કે ભારત સાથેની મૈત્રીનું અમારૃં સ્તર જુદું છે, ઊંચું છે.

ભારત ભૂતાનમાં પણ ચીનને ફાવવા દે તેમ નથી. ભારત સંપૂર્ણ સજાગ છે.


Google NewsGoogle News