ચૂંટણી વખતે દેશભરમાંથી જે કંઈ રોકડ અને દારૂ જપ્ત કરાય છે, ચૂંટણી પંચ તેનું કરે છે શું?
Seized Cash And Liquor: દેશમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થઇ ચૂકી છે. 19 એપ્રિલથી 1 જૂન સુધી ચૂંટણી પ્રક્રિયા ચાલશે અને ત્યારબાદ 4 જૂને મતગણતરી થશે. ચૂંટણીની જાહેરાત બાદ જ દેશમાં આદર્શ આચારસંહિતા લાગુ પડે છે તેમજ તમામ રાજકીય પક્ષોની પ્રચાર-પ્રસારની તૈયારીઓ પણ તેજ થઇ જાય છે. ભારતીય ચૂંટણી પંચની સૂચનાના આધારે, ચૂંટણી દરમિયાન ગેરકાયદેસર રીતે અથવા નિયમો વિરુદ્ધ વપરાયેલી રોકડ અને દારૂ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવે છે. સવાલ એ છે કે ચૂંટણી દરમિયાન ઝડપાયેલા આ કરોડો રૂપિયા અને દારૂનું શું થાય છે અને ક્યાં જાય છે?
આ સમયે કાળા નાણાંનો પણ થાય છે ઉપયોગ
ચૂંટણી સમયે કાળા નાણાંનો પણ ઉપયોગ વધી જાય છે. મોટાભાગના ઉમેદવારો ચૂંટણી લડવા માટે નાણાંં ખર્ચવા માટે પંચ દ્વારા નિર્ધારિત મર્યાદા કરતાં અનેક ગણો વધુ ખર્ચ કરે છે. કાળા નાણાંનો ચૂંટણી હેતુઓમાં ઉપયોગ થાય છે જેનો કોઈ હિસાબ આપવામાં આવતો નથી. તેથી જ અલગ-અલગ જગ્યાએથી પાર્ટીઓ અને ઉમેદવારોને જંગી રકમની રોકડ પહોંચાડવામાં આવે છે. આ માટે પોલીસ પણ તૈયાર છે. તે વાહનો અને શંકાસ્પદ દેખાતા લોકોની તપાસ અને પૂછપરછ કરતી રહે છે. આ સિવાય પોલીસને તેમના સ્ત્રોતો કે બાતમીદારો પાસેથી પણ માહિતી મળે છે. પછી તે દરોડા પાડે છે અને રોકડ અથવા દારૂ જપ્ત કરે છે.
રોકડ પર થઈ શકે છે ક્લેમ
ચૂંટણી દરમિયાન પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવતી રોકડને આવકવેરા વિભાગને સોંપવામાં આવે છે. હવે જે વ્યક્તિ પાસેથી રોકડ જપ્ત કરવામાં આવે છે તે જો એવું સાબિત કરી દે કે આ નાણાં ગેરકાયદે કમાયા નથી અને તેના પોતાના છે તો આ રોકડ પર ક્લેમ પણ કરી શકે છે. આ માટે વ્યક્તિએ પુરાવા તરીકે સંપૂર્ણ માહિતી રજૂ કરવાની રહે છે ત્યારબાદ જ તેને તેને પૈસા પરત કરવામાં આવે છે. પુરાવા માટે, તમારી પાસે એટીએમ ટ્રાન્ઝેક્શન, બેંકની રસીદ અને પાસબુકમાં એન્ટ્રી હોવી જરૂરી છે. જો કોઈ જપ્ત કરાયેલા નાણાંંનો દાવો કરતું નથી, તો તે સરકારી તિજોરીમાં જમા કરવામાં આવે છે.
જપ્ત થયેલ દારૂનો કરવામાં આવે છે નાશ
ચૂંટણી દરમિયાન મોટી માત્રામાં દારૂ પણ પકડવામાં આવે છે. પ્રચારકો મતદારોને રીઝવવા માટે દારૂનો ઉપયોગ પણ કરે છે. જો દારૂની હેરફેર કાયદેસર હોય તો તેને છોડી દેવામાં આવે છે બાકી જો પૂરતા પુરાવા ન હોય તો તેને જપ્ત કરવામાં આવે છે. આ જપ્ત થયેલા દારૂને એક જગ્યાએ જમા કરવામાં આવે છે અને ત્યારબાદ કોઈ મોટી જગ્યાએ તેને રોલરથી કચડીને નાશ કરવામાં આવે છે.