તૃણમૂલ સાંસદ અભિષેક બેનર્જી સંસદમાં એવું તો શું બોલ્યા કે સ્પીકરે યાદ અપાવી દીધી મર્યાદા
Image: Facebook
Abhishek Banerjee in Parliament: સંસદમાં ગુરુવારે પણ સત્તા પક્ષ અને વિપક્ષની વચ્ચે ઘમસાણ જોવા મળ્યું. આજે પણ બંને ગૃહમાં હોબાળો અને સૂત્રોચ્ચાર થયા. આ દરમિયાન લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ભારતીય જનતા પાર્ટીના સભ્ય અભિજીત ગંગોપાધ્યાય તથા TMC ના MP અભિષેક બેનર્જીની કમેન્ટ્સને લઈને ગૃહમાં બેઠેલા સભ્યોને કહ્યું, 'તેઓ ગૃહની મર્યાદા રાખે તથા સ્પીકરને પડકાર ન આપે.' ગૃહની કાર્યવાહી શરૂ થવા પર કોંગ્રેસ સભ્યોએ ગંગોપાધ્યાયની આપત્તિજનક ટિપ્પણીનો વિષય ઉઠાવ્યો. જેની પર સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજીજૂએ કહ્યું, 'કોઈ પણ સભ્ય ગૃહની ગરિમાને ઠેસ પહોંચાડનારી ટિપ્પણી કરે, તે દુર્ભાગ્યપૂર્ણ છે.' તેમનું કહેવું હતું, 'સભ્ય ભલે સત્તાપક્ષનો હોય કે વિપક્ષનો હોય જો તે ગૃહની ગરિમાને ઠેસ પહોંચાડનારી ટિપ્પણી કરે છે તો શબ્દોને કાર્યવાહીથી હટાવવા જોઈએ. આ સાથે જ યોગ્ય કાર્યવાહી કરવા કે યોગ્ય ટિપ્પણી કરવાનો અધિકાર પણ અધ્યક્ષનો છે.'
કિરેન રિજીજૂના જણાવ્યા અનુસાર જ્યારે ગંગોપાધ્યાયે ટિપ્પણી કરી તો તેઓ તે સમયે લોકસભા નહીં પરંતુ રાજ્યસભામાં હતાં. તેમણે કહ્યું, 'જો ગૃહની અંદર યોગ્ય ભાષણ આપવામાં આવ્યું નથી તો માનનીય અધ્યક્ષ યોગ્ય કાર્યવાહી જરૂર કરશે.' ઓમ બિરલાએ કહ્યું, 'આ ગૃહની એક મર્યાદા છે. ઉચ્ચ પરંપરા અને સંમેલન રહ્યું છે. મારો તમામ લોકોને આગ્રહ છે કે ગૃહમાં પોતાની વાત મૂકો, ચર્ચામાં ભાગ લો, પરંતુ કોઈ એવી ટિપ્પણી ન કરો જે સંસદની મર્યાદા અને સંસદીય પરંપરાઓના અનુકૂળ હોય નહીં.' તેમણે કહ્યું, 'ક્યારેય આસન સાથે ચર્ચા ન કરો કે તેને પડકાર આપો નહીં.' બિરલાનો ઈશારો અભિષેક બેનર્જી દ્વારા બુધવારે ગૃહમાં કરવામાં આવેલી ટિપ્પણી તરફ હતો. લોકસભા અધ્યક્ષે કહ્યું કે સભ્ય જેટલી ગૃહની ગરિમા અને પ્રતિષ્ઠા રાખશે, એટલી જ તેમના વિસ્તારમાં તેમની પ્રતિષ્ઠા વધશે.
ગૃહમાં બુધવારે કેન્દ્રીય બજેટ પર સામાન્ય ચર્ચામાં ભાગ લેતાં ગંગોપાધ્યાયે વાંધાજનક ટિપ્પણી કરી હતી. તેમના ભાષણ દરમિયાન કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ ગોડસેને લઈને કોઈ ટિપ્પણી કરી જેની પર પલટવાર કરતાં ગંગોપાધ્યાયે તેમના માટે એક વાંધાજનક શબ્દનો ઉપયોગ કર્યો. જેનો વિપક્ષી સભ્યોએ વિરોધ કર્યો હતો અને માફીની માગ કરી.
અભિષેક બેનર્જી શું બોલ્યા હતાં
અભિષેક બેનર્જીએ બજેટ પર ચર્ચામાં ભાગ લેતાં જ્યારે નોટબંધી અને લોકડાઉનનો ઉલ્લેખ કર્યો હતો તો લોકસભા અધ્યક્ષે કહ્યું, 'વર્ષ 2016 બાદ બે વખત લોકસભા ચૂંટણી થઈ ચૂકી છે. તમે બજેટ પર વાત કરો.' અધ્યક્ષનો ઈશારો 2019 અને 2024માં થયેલી સામાન્ય ચૂંટણીમાં પણ ભાજપના સત્તામાં આવવા તરફ હતો. એક વખત ફરી બેનર્જીએ કોઈનું નામ લીધું, જેની પર સત્તા પક્ષના સભ્યોએ હોબાળો મચાવ્યો. તેની પર અધ્યક્ષે કહ્યું કે માનનીય સભ્ય તે લોકોના નામ ન લે જેઓ હવે ગૃહના સભ્ય નથી. તેની પર બેનર્જીએ અધ્યક્ષને કહ્યું કે જ્યારે સત્તાપક્ષના સભ્ય પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું નામ લે છે કે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહર લાલ નેહરુનું નામ લે છે તો તેની પર કોઈ કંઈ બોલતું નથી અને જો કોઈ ઈમરજન્સીની વાત કરે છે તો અધ્યક્ષ ચૂપ કરાવી દે છે.
સીટ બેલ્ટ બાંધીને રાખો, વાતાવરણ બગડવાનું છે
બુધવારે બજેટ પર ચર્ચા દરમિયાન અધ્યક્ષ ઓમ બિરલા અને તૃણમૂલ કોંગ્રેસના સભ્ય અભિષેક બેનર્જીની વચ્ચે ઘણી વખત કટાક્ષ જોવા મળ્યો હતો. બેનર્જીએ સત્તાપક્ષના સભ્યોને કહ્યું, 'પોતાના સીટ બેલ્ટ બાંધીને રાખો, વાતાવરણ બગડવાનું છે.' બેનર્જી પોતાના ભાષણમાં શરૂથી જ સરકાર પર નિશાન સાધતાં રહ્યાં અને તેમણે આકરા અંદાજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને 2024-25 ના બજેટને નિશાન બનાવ્યું. જે સમયે બેનર્જી બોલી રહ્યાં હતાં, ત્યારે પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે દિલીપ સૈકિયા હાજર હતા. બેનર્જીનું સંબોધન શરૂ થતાં જ સત્તા પક્ષ અને તૃણમૂલના સભ્ય વાગ્યુદ્ધમાં સામેલ થઈ ગયા અને જ્યારે હોબાળો વધી ગયો તો બિરલા આસન પર આવી ગયા. અધ્યક્ષે બંને પક્ષોને વ્યક્તિગત ટિપ્પણીથી બચવા અને સંસદીય મર્યાદાનું પાલન કરવા માટે કહ્યું હતું.