ચૂંટણી બોન્ડ પર પ્રતિબંધ મુદ્દે રાહુલ ગાંધીએ આપી પ્રતિક્રિયા, PM મોદી પર સાધ્યુ નિશાન
ભાજપે ઈલેક્ટોરલ બોન્ડને લાંચ અને કમિશન લેવા માટેનું માધ્યમ બનાવી દીધું હતું : રાહુલ ગાંધી
મોદી સરકાર દાન આપનારાઓને વિશેષાધિકાર આપી અન્નદાતાઓ પર અત્યાચાર કરી રહી છે : જયરામ રમેશ
Electoral Bond Scheme : સુપ્રીમ કોર્ટે આજે ઈલેક્ટોરલ બોન્ડ યોજનાની માન્યતા રદ કરવાનો નિર્ણય કર્યો છે. દેશના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચૂડ, ન્યાયાધીશ સંજીવ ખન્ના, બી.આર.ગવઈ, જે.બી.પારડીવાલા અને મનોજ મિશ્રાની પાંચ ન્યાયાધીશોની ખંડપીઠે આજે સર્વસંમત્તિ સાથે ચુકાદો સંભળાવી ચૂંટણી બોન્ડ યોજનાને રદ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે.
મોદીની ભ્રષ્ટ નીતિઓનો વધુ એક પુરાવો સામે આવ્યો : રાહુલ ગાંધી
સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના નિર્ણય બાદ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ સોશિયલ મીડિયા હેન્ડર એક્સ પર લખ્યું કે, ‘નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની ભ્રષ્ટ નીતિનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. ભાજપે ઈલેક્ટોરલ બોન્ડને લાંચ અને કમીશન લેવા માટેનું માધ્યમ બનાવી દીધું હતું, હવે આ બાબત પર મહોર વાગી ગઈ છે.’
અમે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ : જયરામ રમેશ
ચૂંટણી બોન્ડ અંગે કોર્ટના નિર્ણય અંગે કોંગ્રેસ (Congress) નેતા જયરામ રમેશે (Jairam Ramesh) એક્સ પર લખ્યું કે, ‘સુપ્રીમ કોર્ટે મોદી સરકાર દ્વારા ખૂબ પ્રચાર કરાયેલ ચૂંટણી બોન્ડ યોજનાને સંસદ દ્વારા પસાર કરાયેલ કાયદો ઉપરાંત ભારતના બંધારણ બંનેનું ઉલ્લંઘન માન્યું છે. અમે આ નિર્ણયનું સ્વાગત કરીએ છીએ. કોર્ટનો નિર્ણય નોટો પર વૉટની શક્તિને મજબૂત કરશે. મોદી સરકાર દાન આપનારાઓને વિશેષાધિકાર આપી અન્નદાતાઓ પર અત્યાચાર કરી રહી છે.’
સુપ્રીમ કોર્ટે શું કહ્યું ?
સુપ્રીમ કોર્ટે ગુરુવારે ઈલેક્ટોરલ બોન્ડ્સ સ્કીમની માન્યતાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરતી વખતે કહ્યું હતું કે, 'કાળા નાણાને અંકુશમાં લેવાના હેતુથી માહિતીના અધિકારનું ઉલ્લંઘન વાજબી નથી. ઈલેક્ટોરલ બોન્ડ્સ સ્કીમ માહિતીના અધિકાર અને સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે. રાજકીય પક્ષો દ્વારા ભંડોળની માહિતી જાહેર ન કરવી એ ઉદ્દેશ્યની વિરુદ્ધ છે. આ સ્કીમ કલમ 19(1)(a)નું ઉલ્લંઘન છે.' કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ્સ તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો છે અને સૂચના જાહેર કરતા કહ્યું છે કે, 'સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ 31 માર્ચ સુધીમાં ચૂંટણી પંચને ઈલેક્ટોરલ બોન્ડ્સ દ્વારા અત્યાર સુધી આપેલા યોગદાનની તમામ વિગતો આપવાની રહેશે.' તેમજ 13 એપ્રિલ સુધીમાં ચૂંટણી પંચે તેની વેબસાઈટ પર માહિતી શેર કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.