Get The App

દિલ્હી વટહુકમ બિલ : અભિષેક સિંઘવીના સરકાર પર આકરા પ્રહાર, કહ્યું ‘રાજ્યપાલને સુપર CM બનાવવાનો પ્રયાસ’

કોંગ્રેસ સાંસદ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું, આ વિધેયક શક્તિઓ પર અવરોધ વિના કબ્જો કરવા જેવું વિધેયક, આ બિલ એક ટેકઓવર છે, આ બિલનો ઉદ્દેશ્ય અધિકારીઓને ડરાવવાનો

Updated: Aug 7th, 2023


Google NewsGoogle News
દિલ્હી વટહુકમ બિલ : અભિષેક સિંઘવીના સરકાર પર આકરા પ્રહાર, કહ્યું ‘રાજ્યપાલને સુપર CM બનાવવાનો પ્રયાસ’ 1 - image

નવી દિલ્હી, તા.07 ઓગસ્ટ-2023, સોમવાર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે બપોરે રાજ્યસભામાં ‘ગવર્નમેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી (સુધારા) બિલ’ રજુ કર્યું હતું. આ વિધેયક પર બોલતા કોંગ્રેસ સાંસદ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, આ વિધેયક શક્તિઓ પર અવરોધ વિના કબ્જો કરવા જેવું વિધેયક છે, આ બિલ એક ટેકઓવર છે... તેમણે કહ્યું કે, આ બિલનો ઉદ્દેશ્ય અધિકારીઓને ડરાવવાનો છે... તેમણે રાજ્યપાલને સુપર સીએમ ગણાવતા કહ્યું કે, દિલ્હીના તમામ નિર્ણયો સુપર સીએમ કરશે અને સુપર સીએમની ઉપર ગૃહમંત્રાલય રહેશે.

દિલ્હી વટહુકમ લોકસભામાં પાસ, રાજ્યસભામાં કરાયો રજુ

ઉલ્લેખનિય છે કે, કેન્દ્ર સરકાર 19 મેના રોજ દિલ્હી સરકારમાં કાર્યરત અધિકારીઓની ટ્રાન્સફર-પોસ્ટિંગથી સંબંધિત એક વટહુકમ લાવી હતી. સુપ્રીમ કોર્ટે આ વટહુકમના તે નિર્ણયને પલટી નાખ્યો, જેમાં અધિકારીઓની ટ્રાન્સફર-પોસ્ટિંગનો અધિકારી દિલ્હી સરકારને અપાયો હતો. આ વિધેયકને લોકસભામાં મંજુરી મળી ગઈ છે અને હવે તેને રાજ્યસભામાં રજુ કરાયો છે. 

સિંઘવીએ લાલકૃષ્ણ અડવાણીનો કર્યો ઉલ્લેખ

સિંઘવીએ વટહુકમ પર સરકાર પર કટાક્ષ કરતા કહ્યું કે, વટહુકમ પાસ કરાવતા પહેલા તમારા માર્ગદર્શન મંડળ સાથે વાત કરી લો... તમારા માર્ગદર્શન મંડળમાં સામેલ લાલકૃષ્ણ અડવાણી દિલ્હીને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનું બિલ લાવ્યા હતા. આજે દિલ્હી સંપૂર્ણ રાજ્યનો દરજ્જો માગી રહ્યો નથી, માત્ર એટલું જ કહી રહ્યો છે કે, બંધારણે તેમને જે આપ્યું છે, તે ન છીનવો...

આ વિધેયકથી દિલ્હીની તમામ શક્તિઓ ઉપરાજ્યપાલ પાસે જતી રહેશે

સિંઘવીએ કહ્યું કે, આ એક એવું વિધેયક છે, જેનાથી દિલ્હીની તમામ શક્તિઓ ઉપરાજ્યપાલ પાસે જતી રહેશે... આવું પહેલા ક્યારેય બન્યું નથી.. તેમણે કહ્યું કે, આ બંધારણ મૂલ્યો વિરુદ્ધના છે... તમે દિલ્હીની તાકાત છિનવી રહ્યા છો... આવું ન કરો... જો આમ કરવું જ હોય તો દિલ્હીને એક મહાનગરપાલિકામાં જ કેમ ન રાખી દેવાય... તેમણે કહ્યું કે, તમામ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી દિલ્હીને વિશેષ દરજ્જો મળેલો છે. આ વિધેયક સુપ્રીમ કોર્ટના નિર્ણયને રદ કરે છે... આ વિધેયકમાં વેસ્ટમિનિસ્ટર ટાઈપની લોકશાહી છે... સરકારનો ઈરાદો કોઈપણ પ્રકારે કંટ્રોલ કરવાનો છે... અગાઉ આવું ક્યારે થયું નથી... આ તદ્દન ગેરબંધારણીય છે.


Google NewsGoogle News