શું હોય છે CCS મંત્રાલય, નીતિશ અને નાયડુ બંનેને આ પોર્ટફોલિયો જોઈતો હતો, ભાજપે કર્યો ઈનકાર
PM Modi Oath Ceremony: નરેન્દ્ર મોદી આજે સાંજે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. ભાજપે પ્રથમ બે ટર્મમાં પોતાના દમ પર બહુમતીનાં આંકડાથી પણ વધુ બેઠકો મેળવી હતી. જો કે, લોકસભાની ચૂંટણીમાં ભાજપે બહુમતીથી ઓછી બેઠકો મેળવી હોવાથી તેણે એનડીએના સાથી પક્ષોના સરકારે સરકાર લેવો પડ્યો છે. આ જ કારણે સાથી પક્ષોને પણ કેન્દ્રીય મંત્રી પરિષદમાં પ્રતિનિધિત્ત્વ આપવું પડશે. આ અંગે ભાજપ અને એનડીએમાં સામેલ અન્ય પક્ષો વચ્ચે બધુ નક્કી થઈ ગયું છે. એનડીએમાં ભાજપ પછી 16 બેઠકો સાથે ટીપીડી અને 12 બેઠકો સાથે જેડીયુ સૌથી મોટા પક્ષો છે. વર્તમાન એનડીએના ગઠબંધનને જોતા એવું પણ કહી શકાય કે, આ બંને પક્ષોના સહયોગ વિના કેન્દ્રમાં સરકાર બનાવવી મુશ્કેલ બની ગઈ હોત.
સરકાર માટે આ ચાર મંત્રાલયો મહત્ત્વના
આ ચૂંટણીમાં ચંદ્રબાબુ નાયડુની ટીડીપી અને નીતિશ કુમારની જેડીયુ કિંગમેકરની ભુમિકામાં હોવાથી બંને પક્ષો કેન્દ્રમાં મોટા મંત્રાલયો માંગી રહ્યા છે. જો કે ભાજપે પણ એનડીએના સાથી પક્ષોને સ્પષ્ટ જવાબ આપી દીધો છે કે, તે ગઠબંધન ધર્મનું પાલન કરશે, પરંતુ માથું નમાવીને સરકાર ચલાવશે નહીં. કદાચ તેથી જ ભાજપે સુરક્ષા અંગેની કેબિનેટ કમિટી સાથે સંબંધિત ચારેય મંત્રાલયો પોતાની પાસે રાખવાનો નિર્ણય કર્યો છે. આ ચાર મંત્રાલયો છે, ગૃહ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય, નાણાં મંત્રાલય અને વિદેશ મંત્રાલય. કોઈપણ પક્ષને મજબૂત સરકાર બનાવવા માટે, આ ચાર મંત્રાલયો પર તેનું નિયંત્રણ હોવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ મંત્રાલયો મળીને CCS (કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી) ની રચના કરે છે અને તમામ મુખ્ય બાબતો પર નિર્ણય લે છે.
સીસીએસનું શું કામ છે?
સીસીએસ દેશની સુરક્ષાના મામલાઓ પર નિર્ણય લે છે. વડાપ્રધાન આ સમિતિના અધ્યક્ષ હોય છે અને ગૃહમંત્રી, નાણાંમંત્રી, સંરક્ષણમંત્રી અને વિદેશમંત્રી તેના સભ્યો હોય છે. દેશની સુરક્ષાને લગતી તમામ બાબતોમાં અંતિમ નિર્ણય સીસીએસ દ્વારા લેવામાં આવે છે. આ સિવાય સીસીએસ કાયદો અને વ્યવસ્થા અને આંતરિક સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર પણ અંતિમ નિર્ણય લે છે.
સીસીએસ વિદેશી બાબતોને લગતા નીતિગત નિર્ણયો પર કામ કરે છે, જે આંતરિક અથવા બાહ્ય સુરક્ષા પર અસર કરે છે. આ ઉપરાંત આ સીસીએસ દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અન્ય દેશો સાથેના કરારો સંબંધિત બાબતો પણ સંભાળે છે. સીસીએસ રાષ્ટ્રીય સુરક્ષાને અસર કરતા આર્થિક અને રાજકીય મુદ્દાઓ અને પરમાણુ ઉર્જા સંબંધિત તમામ બાબતો નિવારણ માટે પણ કામ કરે છે. રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત સંસ્થાઓ અથવા સંસ્થાઓમાં અધિકારીઓની નિમણૂકનો નિર્ણય સીસીએસ દ્વારા લેવામાં આવે છે. જેમ કે સીસીએસ નક્કી કરે છે કે દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ હશે.
ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ પ્રોડક્શન અને ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (DRDO) સંબંધમાં 1000 કરોડ રૂપિયાથી વધુના મૂડી ખર્ચને લગતી તમામ બાબતો પર સીસીએસનો નિર્ણય અંતિમ છે. જોમ કે, તાજેતરમાં સીસીએસ દ્વારા ભારતીય નૌકાદળ માટે 200 બ્રહ્મોસ મિસાઇલો માટે 19000 કરોડ રૂપિયાના સોદાને મંજૂરી આપી છે. આ વર્ષે માર્ચમાં કેન્દ્રીય કેબિનેટની સુરક્ષા સમિતિએ 5મી પેઢીના સ્વદેશી સ્ટીલ્થ ફાઇટર પ્રોજેક્ટને લીલી ઝંડી આપી હતી.
ભાજપ સીસીએસ સંબંધિત મંત્રાલયો કેમ છોડવા માંગતી નથી?
અહેવાલો અનુસાર, નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ ગૃહ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય, નાણાં મંત્રાલય અને વિદેશ મંત્રાલય મંત્રાલયમાંથી એકની જવાબદારી માંગી રહ્યા છે. પરંતુ ભાજપે તેનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. કારણ કે આ ચારેય મંત્રીમંડળના સૌથી મહત્ત્વપૂર્ણ છે. એવી પણ ચર્ચા છે કે ભાજપ રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલય અને રેલવે મંત્રાલય તેમજ લોકસભા સ્પીકરનું પદ પણ તેના કોઈ સહયોગી પક્ષને નહીં આપે. આની પાછળનું કારણ એ છે કે ગઠબંધન સરકાર હોવા છતાં, ભાજપ ઇચ્છતી નથી કે વડાપ્રધાન મોદીએ ભવિષ્યમાં મુખ્ય નીતિ વિષયક બાબતોના નિર્ણયો માટે તેમના સહયોગી સાથીદારો પર નિર્ભર રહેવું પડે.
ટીડીપી અને જેડીયુની નજર સ્પીકરના પદ પર
લોકસભા સ્પીકરનું પદ ન છોડવા પાછળનું કારણ એ છે કે ગઠબંધન સરકારમાં કોઈપણ સહયોગી તરફથી સમર્થન પાછું ખેંચવાના કિસ્સામાં તેમની ભૂમિકા મહત્ત્વપૂર્ણ બની જાય છે. આથી ચંદ્રબાબુ નાયડુની ટીડીપી અને નીતિશ કુમારની જેડીયુની નજર સ્પીકરના પદ પર છે. જેથી સત્તાની ચાવી તેમની પાસે રહે અને કદાચ તેથી જ ભાજપ ગઠબંધન સાથીદારને આ પદ આપવામાં સંકોચ અનુભવે છે. મોદી સરકારે છેલ્લા 10 વર્ષમાં રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલય અને રેલવે મંત્રાલયમાં ઘણું કામ કર્યું છે. પછી તે હાઇવે અને એક્સપ્રેસ વે, પુલ, ટનલ અથવા રેલવે ટ્રેકનું ડબલિંગ, ઇલેક્ટ્રિફિકેશન, બુલેટ ટ્રેન કે વંદે ભારત ટ્રેન પ્રોજેક્ટ હોય.
સરકારે આ બંને મંત્રાલયોના પ્રોજેક્ટમાં ખૂબ જ મોટુંરોકાણ કર્યું છે. આ એવા મંત્રાલયો છે જેમનું કામ જમીન પર દેખાય છે અને જ્યારે વિકાસની વાત આવે છે, ત્યારે સરકાર આ બંને મંત્રાલયોના કામને બતાવે છે. આથી ભાજપ આ બંને મંત્રાલયો કોઈ સાથી પક્ષને આપવા માંગતી નથી. ભાજપ ઈચ્છે છે કે મોદી 3.0માં તે એવા મંત્રાલયોને જાળવી રાખે જે સરકારના યોગ્ય અહેવાલો જાળવવા માટે જરૂરી છે. તે ફૂડ પ્રોસેસિંગ, હેવી ઈન્ડસ્ટ્રી, એનર્જી, ટેક્સટાઈલ, ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ જેવા મંત્રાલયો તેના સહયોગીઓને આપવાના પક્ષમાં છે.