વ્હેલ માછલીની ઉલ્ટી છે ખૂબ જ કિમતી, ભાવ સાંભળીને ચોંકી જશો
- એમ્બરગ્રીસને વિશ્વની સૌથી અનોખી ઘટનાઓમાંથી એક માનવામા આવે છે
લખનૌ, તા. 08 સપ્ટેમ્બર 2022, ગુરૂવાર
ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક જગ્યાએથી વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ)ના દાણચોરો પકડાયા છે. તેનો બિઝનેસ જબરજસ્ત રીતે વધી રહ્યો છે. તાજેતરમાં ઉત્તર પ્રદેશ પોલીસે દ્વારા વ્હેલ માછલીની એમ્બરગ્રીસની દાણચોરી કરતા 4 લોકોને પકડવામાં આવ્યા હતા.
ઉત્તર પ્રદેશ પોલીસે કહ્યું હતું કે, વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ)ની દાણચોરી કરતા 4 લોકોને પકડવામાં આવ્યા હતા. તેમની પાસેથી 4 કિલોગ્રામ એમ્બરગ્રીસ પ્રાપ્ત થઈ છે અને તેની કિમત 10 કરોડ રૂપિયા છે.
UPSTFએ ટ્વિટર ઉપર ટ્વિટ લખીને જણાવ્યું હતું કે, 'UPSTF દ્વારા તા. 05 સપ્ટેમ્બર 2022ના રોજ ગોમતી નગર પોલીસ સ્ટેશનના એક્સ્ટેન્શન એરિયા લખનૌ ખાતેથી 10 કરોડ રૂપિયાની કિમતના 4.120 Kg એમ્બરગ્રીસ સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે વન્ય જીવ સંરક્ષણ અધિનિયમની અંતર્ગત પ્રતિબંધિત એમ્બરગ્રીસની દાણચોરી કરતી ગેંગના 4 સભ્યોની ધરપકડ કરવામાં આવી છે.'
વ્હેલ માછલીની ઉલ્ટી અથવા એમ્બરગ્રીસનું વેચાણ વન્ય જીવ સંરક્ષણ અધિનિયમ 1972ની હેઠળ પ્રતિબંધિત છે. સર્પ્મ વ્હેલ માછલી આ પદાર્થ બનાવે છે. આ પદાર્થને 'ગ્રે એમ્બર' અથવા ફ્લોટિંગ ગોલ્ડ એટલે કે તરતું સોનુ પણ કહેવામાં આવે છે. તેને વિશ્વની સૌથી અનોખી ઘટનાઓમાંથી એક માનવામાં આવે છે.
આ અગાઉ પણ ભારતમાં એમ્બરગ્રીસની દાણચોરી કરતા લોકોને પકડવામાં આવ્યા હતા. તાજેતરમાં આ પ્રકારની ઘટનાઓ વધી છે. ગત વર્ષે ડિસેમ્બરમાં મહારાષ્ટ્રની પિપરી ચિંચવાડ પોલીસે પુણેમાં 550 ગ્રામ એમ્બરગ્રીસ સાથે 2 લોકોને પકડ્યા હતા. આ અગાઉ ઓગસ્ટમાં પુણેમાં જ 3 Kg એમ્બરગ્રીસ સાથે 6 લોકોને પકડવામાં આવ્યા હતા.
શું હોય છે વ્હેલની ઉલ્ટી?
આ પદાર્થને વ્હેલની ઉલ્ટી કહેવામાં આવે છે પરંતુ આ સાચુ નથી. હકીકતમાં એમ્બરગ્રીસનો અર્થ ફ્રેન્ચમાં 'ગ્રે અંબર' થાય છે. તે મીણ જેવો એક પદાર્થ હોય છે જે સ્પર્મ વ્હેલના પાચનતંત્રમાં બને છે. સ્પર્મ વ્હેલ એક સંરક્ષિત પ્રજાતિ છે. આ પદાર્થ વ્હેલના પાચનતંત્રમાં બનતો હોવાથી તેને ઉલ્ટી કહેવામાં આવે છે.
આ વિશે હજુ પણ વિજ્ઞાન સંપૂર્ણ વિશ્વાસ સાથે નથી કહી શકતુ કે એમ્બરગ્રીસ કેવી રીતે બને છે. એક સિદ્ધાંત કહે છે કે, વ્હેલ જ્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં સમુદ્રી જીવ ખાઈ લે છે અને તેનો આકાર મોટો હોય છે ત્યારે તેને પચાવવા માટે વ્હેલના આંતરડાઓમાં આ પદાર્થ બને છે.
એમ્બરગ્રીસ વ્હેલ માછલીના શરીરમાંથી બહાર કઈ રીતે નીકળે છે તેની પણ અનેક રીતો હોય છે. ઘણી વખત તે ગુદા દ્વારા બહાર નીકળે છે અને તેનો રંગ મળ જેવો હોય છે. તેમાં મળની તીવ્ર ગંધ પણ હોય છે જેમાં દરિયાની ગંધ પણ ભળેલી હોય છે. જ્યારે તે વ્હેલના શરીરમાંથી નીકળે છે ત્યારે તેનો રંગ આછો પીળો હોય છે અને તે જાડી ચરબી જેવી હોય છે. જો કે સમયની સાથે તે ઘાટી લાલ રંગની અને ઘણી વખત કાળી અથવા રાખોડી રંગની પણ બની જાય છે. ત્યારે તેની ગંધ માટી જેવી થઈ જાય છે.
આટલી મોંઘી કેમ?
આંતરરાષ્ટ્રીય બજારમાં એમ્બરગ્રીસની કિમત 1થી 2 કરોડ રૂપિયા કિલો સુધીની હોઈ શકે છે. તેની કિમત તેની શુદ્ધતા અને ગુણવત્તા ઉપર આધાર રાખે છે. જાણકારો જણાવે છે કે, આ ખૂબ જ દુર્લભ વસ્તુ છે તેથી તેની કિમત ખૂબ જ ઉંચી છે.
પરંપરાગત રીતે એમ્બરગ્રીસનો ઉપયોગ પર્ફ્યમ બનાવવામાં કરવામાં આવે છે. જો કે પહેલા તેનો ઉપયોગ ખાવામાં, તમ્બાકૂ અને આલ્કોહોલમાં ફ્લેનર માટે પણ કરવામાં આવતો હતો. એક ધારણા એ પણ છે કે એમ્બરગ્રીસ
જાતીય શક્તિ વધારે છે. તેથી પણ આ પદાર્થની ખૂબ જ માંગ રહે છે અને ખૂબ જ ઉંચા ભાવે ખરીદવામાં આવે છે. મધ્ય પૂર્વ, પૂર્વી યૂરોપ અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં તેની ખૂબ જ માંગ છે.
એમ્બરગ્રીસ લગભગ 40 દેશોમાં પ્રતિબંધિત છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ભારત જેવા દેશોમાં તેને રાખવી અને તેનો વ્યાપાર સંપૂર્ણ રીતે પ્રતિબંધિત છે. ભારતમાં સ્પર્મ વ્હેલ એક સંરક્ષિત પ્રજાતિ છે અને તેનાથી બનનારા તમામ ઉત્પાદનોને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. જો કે ભારતના તટીય રાજ્યો, ખાસ કરીને મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં તેનો વ્યાપાર વધ્યો છે.