આખું રેસલિંગ ફેડરેશન જ સસ્પેન્ડ, સ્પોર્ટ્સ મંત્રાલયની મોટી કાર્યવાહી, સંજય સિંહનું અધ્યક્ષ પદ પણ ગયું
અધ્યક્ષપદની ચૂંટણીના બે દિવસમાં જ વિવાદના અહેવાલ વચ્ચે મોટી કાર્યવાહી
WFI suspended : હાલમાં જ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના સંજય સિંહનો વિજય થયો હતો અને પૂર્વ કુશ્તીબાજ અનિતા શિયોરાનનો પરાજય થયો હતો. ત્યાર પછી મહિલા પહેલવાન સાક્ષી મલિકે કુશ્તીમાંથી નિવૃતિ લેવાની અને ઓલિમ્પિક પુરસ્કાર વિજેતા બજરંગ પુનિયાએ પદ્મ પુરસ્કારને પરત કરવાની જાહેરાત કરી હતી. આ દરમિયાન કેન્દ્ર સરકાર મોટી કાર્યવાહી કરતા આખેઆખઆ રેસલિંગ ફેડરેશનને જ સસ્પેન્ડ કરી દીધું છે.
આ કારણે કાર્યવાહી કરવામાં આવી
સ્પોર્ટ્સ મંત્રાલયે આજે મોટી કાર્યવાહી કરતા રેસલિંગ ફેડરેશન અને તેના નવનિયુક્ત અધ્યક્ષ સંજય સિંહને સસ્પેન્ડ કરી દીધા છે. સ્પોર્ટ્સ મંત્રાલયના મતે, ફેડરેશનના નવા ચૂંટાયેલા અધ્યક્ષે 21 ડિસેમ્બરે નિયમોથી વિરુદ્ધ જઈને આ વર્ષના અંત પહેલા જુનિયર રાષ્ટ્રીય સ્પર્ધાની તારીખો જાહેર કરી દીધી હતી. નિયમ પ્રમાણે કોઈપણ સ્પર્ધા શરુ કરવા ઓછામાં ઓછી 15 દિવસની નોટિસ આપવી જરૂરી છે, જેથી ખેલાડીઓ તૈયારી કરી શકે. આ ઉપરાંત નવું ફેડરેશન સંપૂર્ણપણે જૂના અધિકારીઓના નિયંત્રણમાં હોય તેવું લાગી રહ્યું છે, જેના પર પહેલાથી જ યૌન ઉત્પીડનના આરોપો છે.
ફેડરેશનમાં વિવાદ થયો હતો
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની ચૂંટણીના બે દિવસમાં જ અંદરોઅંદર વિવાદ થયાના અહેવાલ હતા. વાત એમ હતી કે, અધ્યક્ષપદે ચૂંટાઈને સંજય સિંહે જુનિયર નેશનલ ચેમ્પિયનશિપની તારીખો જાહેર કરી દીધી હતી. આ માટે તેમણે નિયમ પ્રમાણે મહા સચિવ પ્રેમચંદ લોચબ સાથે ચર્ચા પણ નહોતી કરી. તેથી પ્રેમચંદ લોચબ રોષે ભરાયા હતા અને તેમણે અનીતા શ્યોરાણના જૂથમાંથી ચૂંટાયેલા રેલવે ખેલ સંવર્ધન બોર્ડના પૂર્વ સચિવ લોચબે કાર્યકારિણીની બેઠકમાં ભાગ લીધો નહોતો. લોચબ માને છે કે તમામ નિર્ણય WFIના મહાસચિવના માધ્યમથી લેવામાં આવે. લોચબે આરોપ મૂક્યો કે આ સમગ્ર મામલે અધ્યક્ષ સંજય સિંહે નિયમોની અવગણના કરી હતી.
સંજય સિંહ અધ્યક્ષ બન્યા હતા
રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ સંજય સિંહ બન્યા હતા, જે ગોંડાના ભાજપ સાંસદ અને પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના મિત્ર છે. સંજય સિંહે ચૂંટણીમાં પૂર્વ કુશ્તીબાજ અનિતા શિયોરાનને હરાવ્યા હતા. આ ચૂંટણીમાં 47 લોકોએ મતદાન કર્યું હતું, જેમાં સંજય સિંહને 40 અને અનિતાને સાત મત મળ્યા હતા. સંજય સિંહ ફેડરેશનની અગાઉની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં પણ સંકળાયેલા હતા. આ ઉપરાંત તેઓ 2019માં રાષ્ટ્રીય મહા સંઘના સંયુક્ત સચિવ પણ હતા.