રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયામાં નવો ફણગો! હવે અધ્યક્ષ અને મહાસચિવ સામસામે, જાણો શું છે વિવાદ
મહાસચિવ પ્રેમચંદ લોચબે સંજય સિંહને પત્ર લખીને કરી ફરિયાદ
WFI ના બંધારણ મુજબ, નિર્ણય લેતી વખતે જનરલ સેક્રેટરીને સામેલ કરવા ફરજિયાત છે
WFI Controversy | રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની ચૂંટણીને હજુ બે દિવસ પણ વીત્યા નથી ત્યાં ફેડરેશનમાં બબાલ થઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ બબાલ સંજય સિંહના એક નિર્ણયના કારણે થઇ હતી. સંજય સિંહે અધ્યક્ષ બન્યા બાદ જૂનિયર નેશનલ ચેમ્પિયનશિપની તારીખો જાહેર કરી દીધી હતી. અહેવાલ અનુસાર આ માટે તેમણે મહાસચિવ પ્રેમચંદ લોચબ સાથે ચર્ચા પણ નહોતી કરી.
મહાસચિવ લોચબ બગડ્યાં
આ સમગ્ર મામલે પ્રેમચંદ લોચબ રોષે ભરાયા હતા. અનીતા શ્યોરાણના જૂથમાંથી ચૂંટાયેલા રેલવે ખેલ સંવર્ધન બોર્ડના પૂર્વ સચિવ લોચબે કાર્યકારિણીની બેઠકમાં ભાગ લીધો નહોતો. લોચબ માને છે કે તમામ નિર્ણય ડબ્લ્યૂએફઆઈના મહાસચિવના માધ્યમથી લેવામાં આવે. લોચબે આરોપ મૂક્યો કે આ સમગ્ર મામલે અધ્યક્ષ સંજય સિંહે નિયમોની અવગણના કરી છે.
સંજય સિંહે કર્યો લુલો બચાવ!
લોચબે સંજય સિંહને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, '21 ડિસેમ્બરે ચૂંટણી બાદ તરત જ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના બંધારણ મુજબ નવનિયુક્ત કાર્યકારીની નિયમિત બેઠકનું આયોજન કરવામાં આવ્યું ન હતું. એવું લાગે છે કે રાજ્યના મહાસંઘોનો વાંધો વાજબી છે અને નંદિની નગર, ગોંડામાં 28-30 ડિસેમ્બર દરમિયાન યોજાનારી અંડર-20 અને અંડર-15 નેશનલ કુશ્તી ચેમ્પિયનશિપને મુલતવી રાખવામાં આવે. આ પત્રની નકલ ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA)ને પણ મોકલવામાં આવી છે. આ ઉપરાંત નિર્ણય લેતી વખતે જનરલ સેક્રેટરીને સામેલ કરવું ફરજિયાત છે. સંજય સિંહે પોતાના બચાવમાં કહ્યું હતું કે તેઓ ઇચ્છતા નહોતા કે જુનિયર કુસ્તીબાજોનું એક વર્ષ બરબાદ થાય અને તેથી ઉતાવળમાં નિર્ણય લેવામાં આવ્યો.
બ્રિજભૂષણના ખાસ છે સંજય સિંહ
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની ચૂંટણી હાલમાં જ પૂર્ણ થઈ જેમાં સંજય સિંહ જીતી ગયા હતા જે પૂર્વ અધ્યક્ષ અને વિવાદિત નેતા બ્રિજભૂષણ સિંહના ખાસ છે. યુપી કુશ્તીસંઘના ઉપાધ્યક્ષ સંજયને 40 વૉટ મળ્યાં હતાં જોકે તેમના હરીફ અનીત શ્યોરાણને 7 વૉટ મળ્યા હતા. સંજય સિંહના અધ્યક્ષ બન્યા બાદ બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ સહિત અનેક રેસલરોએ નારાજગી વ્યક્ત કરી હતી.