પશ્ચિમ બંગાળ: વર્લ્ડ કપમાં ભારતની હારથી નિરાશ થયેલા 23 વર્ષીય યુવકે કરી આત્મહત્યા
Image Source: Twitter
- યુવકે ફાઈનલ મેચ જોવા માટે રવિવારે રજા લીધી હતી
બાંકુરા, તા. 20 નવેમ્બર 2023, સોમવાર
ભારત વર્લ્ડ કપના ફાઈનલ મુકાબલામાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગયા બાદ પશ્ચિમ બંગાળના બાંકુરા જિલ્લામાં એક 23 વર્ષીય યુવકે કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે જણાવ્યું કે, આ ઘટના બેલિયાટોર પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત આવેલા સિનેમા હોલ પાસે રવિવારે રાત્રે લગભગ 11 વાગ્યે બની હતી.
મેચ જોવા માટે યુવકે રજા લીધી હતી
યુવક એક કપડાની દુકાનમાં કામ કરતો હતો અને ફાઈનલ મેચ જોવા માટે તેણે રવિવારે રજા લીધી હતી. તેના બનેવી ઉત્તમ સૂરે જણાવ્યું કે, ભારતની ઓસ્ટ્રેલિયા સામેની હારથી દુ:ખી થઈને રાહુલે પોતાના રૂમમાં ફાંસી લગાવી લીધી હતી. બાકી તેમના જીવનમાં એવી કોઈ પણ સમસ્યા નહોતી.
પોલીસે આ મામલે તપાસ હાથ ધરી
પોલીસે જણાવ્યું કે, સોમવારે સવારે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બાંકુરા સમ્મિલાની મેડિકલ કોલેજ અને હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. આ સાથે જ અકુદરતી મૃત્યુનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, ઘટના સમયે ઘરમાં કોઈ નહોતું. જોકે, પોલીસે મોતના કારણ પર ટિપ્પણી કરવાથી ઈનકાર કરતા જણાવ્યું કે, તપાસ ચાલુ છે.