પ.બંગાળમાં મોટી ટ્રેન દુર્ઘટના, સુપરફાસ્ટ એક્સપ્રેસના 4 ડબા પાટા પરથી ઊતરી જતાં હાહાકાર
The Secunderabad-Shalimar Superfast Express derailed near Howrah | ફરી એકવાર પ.બંગાળમાં મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ હોવાના અહેવાલ સામે આવી રહ્યાં છે. અહીં નલપુર ખાતે સિકંદરાબાદ-શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનના 4 ડબા પાટા પરથી ખડી પડ્યા હતા. રેલવે અધિકારીઓને જાણકારી મળતાં જ બચાવ અને રાહત ટુકડી ઘટનાસ્થળે ધસી આવી હતી.
રેલવેએ શું કહ્યું?
આ મામલે રેલવે વિભાગના અધિકારીઓએ પ્રાથમિક આપતાં કહ્યું કે કોઈ મોટું નુકસાન તો થયું નથી પણ અમુક લોકોને નાની-મોટી ઈજાઓ થઇ છે. મળતી માહિતી અનુસાર એક એન્જિન અને 3 ડબા પાટા પરથી ઊતરી ગયા હતા. આ ઘટના વહેલી સવારે સાડા પાંચ વાગ્યાના સુમારે થઇ હતી.
સ્પેશિયલ ટ્રેન હતી
રેલવેએ જણાવ્યું કે આ એક સ્પેશિયલ ટ્રેન હતી. હાવડા-ખડગપુર રુટ પર આ અકસ્માત સર્જાયો હતો. ટ્રેનમાં મુસાફરોની સંખ્યા વધુ હતી. હાલમાં તમામ મુસાફરોને સુરક્ષિત રીતે ટ્રેનમાંથી બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અકસ્માતની જાણકારી સામે આવતા જ ફરી એકવાર રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સામે સવાલો ઊઠવા લાગ્યા છે અને તેમના રાજીનામાની માગ કરવામાં આવી રહી છે.