પરિવારની ત્રણ મહિલાની હત્યા કર્યા બાદ પુરુષનો આત્મહત્યાનો પ્રયાસ, કારણ ચોંકવાનારું
Kolkata Murder And Suicide Case : કોલકાતામાં એક જ પરિવારની ત્રણ મહિલાઓની હત્યા કર્યા બાદ ઘરનાં જ સભ્યએ ભાઈ-પુત્ર સાથે જાણીજોઈને કારનો અકસ્માત કરી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસ જ્યારે ઘરે પહોંચી ત્યારે ઘરની અંદર એ કિશોરી સહિત બે મહિલાઓ લાશ મળી હતી અને તે જ દિવસે પુરુષોની કારનો પણ અકસ્માત થયો હતો, જેમાં ત્રણેયને ગંભીર ઈજા થઈ છે.
ઘરમાં ત્રણ મહિલાનો મૃતદેહ મળ્યો
ઘટનાની તપાસ કરી રહેલા અધિકારીઓએ પૂર્વ કોલકાતાના તંગરા વિસ્તારમાંથી એક ત્રણ માળના ઘરમાં પહોંચી હતી, જ્યાં તેમણે ત્રણ મહિલાઓના મૃતદેહ મળી આવ્યા હતા. પ્રાથમિક પોસ્ટમોર્ટમ તપાસમાં તેમની હત્યા થઈ હોવાનો ખુલાસો થયો છે. ઘરના 44 વર્ષના સભ્ય પ્રણય ડેએ દાવો કર્યો છે કે, તેમની પત્ની સુદેશના ડે (ઉ.વ.39), ભાભી રોમી ડે (ઉ.વ.44) અને 14 વર્ષની પુત્રીએ ઘરમાં આત્મહત્યા કરી લીધી છે.
પરિવારના સભ્યએ જાણીજોઈને કાર અકસ્માત કર્યો
પ્રણયે એવું પણ કહ્યું કે, ‘તે, તેનો ભાઈ પ્રસૂન (ઉ.વ.42) અને પુત્ર (ઉ.વ.15) સાથે કાર લઈને નીકળ્યો હતો અને તેણે આત્મહત્યા કરવા માટે જાણીજોઈને કાર મેટ્રોના થાંભલા સાથે અથડાવી અકસ્માત કર્યો હતો. અકસ્માતમાં ત્રણેયને ઈજા થઈ છે અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
કંપની ચલાવતો પરિવાર આર્થિક સંકટમાં આવી ગયો
એવી વિગતો પણ સામે આવી છે કે, પરિવાર ચામડાના ગ્લોવ્સ બનાવતી કંપની ચલાવે છે. એક સમય એવો હતો કે, કંપનીમાં લગભગ 200 કર્મચારીઓ કામ કરતા હતા. પરંતુ કેટલાક વર્ષોથી પરિવાર આર્થિક સંકટમાં આવી ગયો હતો અને કરોડો રૂપિયાનું દેવું થઈ ગયું હતું. પોલીસે કહ્યું કે, આ મામલે તેમના એકાઉન્ટન્ટની પણ પૂછપરછ કરાઈ છે. નાનો ભાઈ પ્રસુન માનસિક રીતે અસ્વસ્થ છે અને તેઓ તેની પણ પૂછપરછ કરશે.
પરિવારનું ઘર અને કાર પણ ગીરવે
એક પોલીસ અધિકારીએ કહ્યું કે, ‘પરિવારની ત્રણેય મહિલાઓએ ભોજન લીધા બાદ ત્રણથી છ કલાકની અંતર મોત થયું હોવાની સંભાવના છે. એવી માહિતી મળી છે કે, પરિવારે બેંકો અને અન્ય લોકો પાસેથી નાણાં લીધા હતા. તેમનું ઘર અને કાર ગીરવે હતું.
પુત્રીને ઝેર, મહિલાઓને ઈજા પહોંચાડી હત્યા કરાઈ
રિપોર્ટને ટાંકીને કેસની દેખરેખ રાખી રહેલા એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, ‘પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ, રોમી ડેના બંને હાથો અને ગળામાં ઈજા હતી, જ્યારે પુત્રીની છાતી, પગ અને હોથો પર અનેક ઈજા થઈ હતી. પુત્રીના માથામાં ઈજાના નિશાન હતા, તેના હાથ-પગમાં સાયનોસિસ અને પેટમાં બ્લીડિંગ હતું. સુદેશના ડેના બંને હાથ પર ઈજા હતી અને ગળામાં પર સામાન્ય ઈજા હતી. ઈજાની તમામ ઘટના પરથી સામે આવ્યું છે કે, પુત્રીનું મોત ઝેરના કારણે થયું છે. જ્યારે બંને મહિલાને બેહોશ કરીને ઈજા પહોંચાડવામાં આવી હોવાની મોત થયું હોવાની સંભાવના છે. રોમી ડેના પિતાએ અજાણ્યા લોકો વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ નોંધાવ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.