પ.બંગાળમાં બળાત્કારીને ફાંસી આપતું બિલ પસાર
- કોલાકાતમાં આરજી કર હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર પર બળાત્કાર-હત્યા મુદ્દે જનતાના આક્રોશ વચ્ચે તાત્કાલિક બિલ લવાયું
- યુપી-ગુજરાત જેવા રાજ્યોમાં મહિલાઓ પર અત્યાચાર વધુ, મોદી, શાહ, ભાજપ શાસિત મુખ્યમંત્રીઓ રાજીનામાં આપે : મમતા
- ઐતિહાસિક અને મોડેલ બિલમાં કેન્દ્રીય કાયદાઓમાં સુધારો કરનારું બંગાળ દેશનું પહેલું રાજ્ય : મુખ્યમંત્રી
કોલકાતા : કોલકાતામાં સરકારી આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટનાથી માત્ર પશ્ચિમ બંગાળ જ નહીં આખા દેશમાં લોકોમાં ભારે આક્રોશ ફેલાયેલો છે. મહિલાઓની સુરક્ષા પર અનેક સવાલો ઊઠી રહ્યા છે ત્યારે રાજ્યમાં લોકોનો રોષ શાંત કરવા માટે મમતા બેનરજીએ વિધાનસભાના બે દિવસના વિશેષ સત્રમાં બળાત્કાર વિરોધી આકરું 'અપરાજિતા' બિલ મંગળવારે રજૂ કર્યું હતું, જેમાં બળાત્કારીને માત્ર ૧૦ દિવસમાં ફાંસીની આકરી સજાની જોગવાઈ કરાયાનો દાવો થઈ રહ્યો છે. આ બિલ ટૂંકી ચર્ચા પછી આજે જ ગૃહમાં પાસ થઈ ગયું. હવે તેરાજ્યપાલ, રાષ્ટ્રપતિની મંજૂરી પછી કાયદો બની જશે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ વિધાનસભાના બે દિવસના વિશેષ સત્રના બીજા દિવસે અપરાજિતા મહિલા અને બાળ (પશ્ચિમ બંગાળ ગુનાઈત કાયદો અને સુધારો) બિલ ૨૦૨૪ રજૂ કર્યું હતું. આ બિલ ટૂંકી ચર્ચા પછી આજે જ સર્વસંમતિથી પસાર થઈ જતાં હવે તેને રાજ્યપાલ સીવી આનંદ બોઝ અને ત્યાર પછી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તાક્ષર માટે મોકલાશે. ત્યાર પછી તે કાયદો બનશે. આ બિલ રજૂ કરતાં મમતાએ દાવો કર્યો કે બળાત્કાર, સામુહિક બળાત્કાર અને બાળકો વિરુદ્ધ જાતીય ગુનાઓના સંદર્ભમાં કેન્દ્રીય કાયદાઓમાં સુધારો કરનારું પશ્ચિમ બંગાળ દેશનું પહેલું રાજ્ય બનશે.
કોલકાતામાં જુનિયર ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના વિરોધમાં લોકોમાં ભારે આક્રોશ ફેલાયેલો છે તેવા સમયે બે દિવસનું વિશેષ સત્ર બોલાવીને મમતા સરકારે આ બિલ રજૂ કર્યું છે. મમતા બેનરજીએ વર્ષ ૨૦૨૦માં ઉત્તર પ્રદેશના હાથરસમાં દલિત મહિલા પર બળાત્કાર અને ૨૦૧૩માં બંગાળના ઉત્તરી ૨૪ પરગણા જિલ્લામાં એક કોલેજ વિદ્યાર્થિની પર બળાત્કાર અને ક્રૂર હત્યાની સાથે ગયા સપ્તાહે જયપુરની સરકારી હોસ્પિટલમાં એક બાળકી સાથે થયેલી ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, ઉત્તર પ્રદેશ અને ગુજરાત જેવા રાજ્યોમાં મહિલાઓ વિરુદ્ધ ગૂનાનો દર અસામાન્યરૂપે વધુ છે. ત્યાં ન્યાય નથી, પરંતુ બંગાળની મહિલાઓને કોર્ટોમાં ન્યાય મળશે.
મમતાએ આ બિલને ઐતિહાસિક ગણાવતા કહ્યું કે આ સૂચિત બિલનો આશય બળાત્કાર અને જાતીય ગૂનાઓ સંબંધિત નવી જોગવાઈઓ મારફત મહિલાઓ અને બાળકીઓની સુરક્ષા મજબૂત કરવાનો છે. આ સાથે મમતા બેનરજીએ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ તેમજ ભાજપ શાસિત બધા જ રાજ્યોના મુખ્યમંત્રીઓના રાજીનામાની માગણી કરી હતી અને દાવો કર્યો હતો કે તેઓ મહિલાઓની સુરક્ષા માટે અસરકારક કાયદાના અમલમાં નિષ્ફળ ગયા છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે કેન્દ્ર સરકાર તેના વર્તમાન કાયદામાં સુધારો કરે અને પીડિતાને ઝડપી ન્યાય મળે અને દોષિતોને આકરી સજા મળે તેના માટે આકરી જોગવાઈઓનો સમાવેશ કરે. પરંતુ કેન્દ્રને તેમાં કોઈ રસ નથી. તેથી અમે પહેલ કરી છે અને આ બિલ લાવ્યા છીએ. આ બિલ અમલમાં આવ્યા પછી દેશના અન્ય ભાગો માટે મોડેલ બની રહેશે. આ બિલ પસાર થયા પછી રાજ્ય પોલીસ ફોર્સમાંથી સ્પેશિયલ અપરાજિતા ટાસ્ક ફોર્સ બનાવાશે, જે નિશ્ચિત સમયમાં આવા કેસોની તપાસ પૂરી કરવાની ખાતરી કરશે. બિલ રજૂ થયા પછી બળાત્કારના દોષિતને માત્ર ૧૦ દિવસમાં સજાની જોગવાઈનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ બિલની અંદર આ બાબતનો કોઈ ઉલ્લેખ નથી.
અપરાજિતા બિલમાં મહિલાઓ પર બળાત્કાર અને હત્યાના ગુનામાં માત્ર મોતની સજાની જોગવાઈ કરાઈ છે. આ બિલમાં સામુહિક બળાત્કાર માટે પણ મોતની સજાની જોગવાઈ છે. આ બિલમાં ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની સાથે ૨૦૧૨ના પોક્સો કાયદાના કેટલાક ભાગોમાં સુધારા કરવા અને પીડિતાની વય ગમે તેટલી હોય અનેક પ્રકારની જાતીય સતામણીના કેસોમાં મોતની સજાની જોગવાઈ કરાઈ છે.
બીજીબાજુ ગૃહમાં બિલ રજૂ થયા પછી ભાજપ નેતા અને વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે આ કાયદો તાત્કાલિક અસરથી લાગુ થાય. તેને લાગુ કરાવવાની જવાબદારી રાજ્ય સરકારની છે. અમને પરિણામ જોઈએ છે. અમારું તમને સંપૂર્ણ સમર્થન છે. તેમણે આ બિલ પર મતદાનની માગણી નહીં કરવાનું પણ જણાવ્યું હતું.
આંધ્ર-મહારાષ્ટ્રના બિલમાં પણ ફાંસીની જોગવાઈ
આ પહેલાં વર્ષ ૨૦૧૯માં આંધ્ર પ્રદેશ દિશા બિલ અને ૨૦૨૦માં મહારાષ્ટ્ર શક્તિ બિલ વિધાનસભામાં પાસ થઈ ગયા હતા. આ બંને બિલમાં પણ બળાત્કાર અને સામુહિક બળાત્કારના બધા જ પ્રકારના કેસોમાં અનિવાર્યરૂપે ફાંસીની સજાની જોગવાઈ કરાઈ છે. આ બંને બિલ વિધાનસભાઓમાં સર્વસંમતિથી પાસ થઈ ગયા હતા, પરંતુ તેમને હજી સુધી રાષ્ટ્રપતિની મંજૂરી નથી મળી. પશ્ચિમ બંગાળમાં આજે પસાર થયેલા બિલને પણ ક્યારે મંજૂરી મળશે તે નિશ્ચિત નથી.
અપરાજિતા બિલમાં જોગવાઈ
- આ બિલમાં બળાત્કાર અને હત્યાના દોષિત માટે ફાંસીની સજાની જોગવાઈ.
- આરોપનામું દાખલ કર્યાના ૩૬ દિવસની અંદર સજા સંભળાવવાની જોગવાઈ.
- પોલીસને ૨૧ દિવસમાં તપાસ પૂરી કરવાની રહેશે.
- આરોપીની મદદ કરવા બદલ પાંચ વર્ષની કેદની જોગવાઈ.
- દરેક જિલ્લામાં સ્પેશિયલ અપરાજિતા ટાસ્ક ફોર્સ બનાવવાની જોગવાઈ.
- રેપ, એસિડ અટેક અને છેડતી જેવા કેસોમાં આ ટાસ્ક ફોર્સ પગલાં લેશે.
- બળાત્કારની સાથે જ એસિડ એટેક પણ એટલો જ ગંભીર ગુનો ગણાશે, તેના માટે આજીવન કેદની જોગવાઈ.
- પીડિતાની ઓળખ ઊજાગર કરનારા વિરુદ્ધ ૩-૫ વર્ષ સુધીની સજાની જોગવાઈ.
- બિલમાં બળાત્કારની તપાસ અને સુનાવણીમાં ગતિ લાવવા માટે બીએનએસની જોગવાઈમાં પણ સુધારો કરાયો.