બંગાળમાં ચૂંટણી હિંસા પર TMCને મળ્યું કોંગ્રેસનું સમર્થન, કહ્યું ‘મમતા બેનર્જી હિંસા ભડકાવનારાઓની સાથે નહીં’
મમતા બેનર્જી સરકારે એવું કહ્યું નથી કે, તેઓ ગુનેગારોની સાથે ઉભા છે, પરંતુ તેઓ ગુનેગારો સામે કડક કાર્યવાહીની વાત કરી રહ્યા છે : કોંગ્રેસ
નવી દિલ્હી, તા.10 જુલાઈ-2023, સોમવાર
પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી દરમિયાન થયેલી હિંસા અંગે કોંગ્રેસે આજે કહ્યું કે, લોકશાહીમાં હિંસા માટે કોઈ સ્થાન નથી અને રાજ્યની સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ (TMC) હિંસા ભડકાવનારાઓ સાથે ઉભી નથી. પાર્ટીના પ્રવક્તા ગૌરવ વલ્લભે એવો પણ દાવો કર્યો કે, જો આ હિંસા ભાજપ શાસિત રાજ્યમાં થઈ હોત તો ભાજપ હિંસા કરનારાઓની સાથે ઉભી જોવા મળત.
અમે નફરતના બજારમાં ‘મોહબ્બતની દુકાન’ ખોલી રહ્યા છીએ : કોંગ્રેસે
ગૌરવ વલ્લભે વધુમાં કહ્યું કે, કોંગ્રેસ હંમેશા માને છે કે લોકશાહીમાં હિંસાને કોઈ સ્થાન નથી... અમે નફરતના બજારમાં ‘મોહબ્બતની દુકાન’ ખોલી રહ્યા છીએ. ત્યાં જે પાર્ટી (TMC)ની સરકાર છે, શું તેઓ ગુનેગારો સાથે ઉભા છે કે ગુનેગારોની વિરુદ્ધ ઉભી છે ? જો આવું ભાજપના શાસનમાં થયું હોત તો તેઓ ગુનેગારોની સાથે ઉભા હોત. મમતા બેનર્જી અને (તેમની) સરકારે એવું કહ્યું નથી કે, તેઓ ગુનેગારોની સાથે ઉભા છે, પરંતુ તેઓ ગુનેગારો સામે કડક કાર્યવાહીની વાત કરી રહ્યા છે. લોકતંત્રમાં હિંસા માટે કોઈ સ્થાન નથી.
અધીર રંજન ચૌધરી તૃણમૂલ પર કર્યા પ્રહાર
એક પ્રશ્નના જવાબમાં વલ્લભે કહ્યું કે, મને લાગે છે અને અમે એ પણ જોઈ રહ્યા છીએ કે, બંગાળ એવા લોકોની સાથે નથી ઊભું રહ્યું જે હિંસા ભડકાવી રહ્યા છે. તો બીજી તરફ લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી તૃણમૂલ કોંગ્રેસ અને રાજ્ય સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા છે. કોંગ્રેસના પશ્ચિમ બંગાળ એકમના પ્રમુખ ચૌધરીએ ગઈકાલે આરોપ લગાવ્યો હતો કે, પંચાયત ચૂંટણી દરમિયાન તૃણમુલ કોંગ્રેસને મતો લૂંટવામાં મદદ થાય તે માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કેન્દ્રીય દળોને બંગાળમાં મોડેથી મોકલવાનો આદેશ આપ્યો હતો.
મતપેટીઓ લૂંટી લીધી
ઉલ્લેખનિય છે કે, પશ્ચિમ બંગાળમાં શનિવારે 61 હજારથી વધુ મતદાન મથકો પર મતદાન થયું હતું. આ ત્રિપાખિયા જંગમાં ઘણી હિંસાની ઘટનાઓ સામે આવી હતી. આ દરમિયાન મતપેટીઓની પણ લૂંટની ઘટના સામે આવી હતી, તો કેટલાક કેન્દ્રો પર મતપેટીઓમાં આગ લગાડવાની તેમજ તેમાં પાણી નાખવાની ઘટના પણ સામે આવી હતી. ચૂંટણીની જાહેરાત થયા બાદ બંગાળમાં હિંસાઓ શરૂ થઈ ગઈ હતી.