Get The App

ફરી સળગી ઉઠ્યું પશ્ચિમ બંગાળનું મુર્શિદાબાદ, ટોળાએ ટ્રેનો રોકી, વાહનોને આગ ચાંપી, અનેક પોલીસકર્મી ઘાયલ

Updated: Apr 11th, 2025

GS TEAM


Google News
Google News
ફરી સળગી ઉઠ્યું પશ્ચિમ બંગાળનું મુર્શિદાબાદ, ટોળાએ ટ્રેનો રોકી, વાહનોને આગ ચાંપી, અનેક પોલીસકર્મી ઘાયલ 1 - image


Murshidabad Violence: વક્ફ કાયદાને લઈને પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં ફરી એકવાર આજે (શુક્રવાર) હિંસા ભડકી હતી. આરોપ છે કે, ટોળાએ બોમ્બથી પણ હુમલા કર્યા. સરકારી વાહનોને આગના હવાલે કરી દેવાયા છે. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા ટિયર ગેસના સેલ છોડ્યા હતા. સ્થિતિ બેકાબૂ થતા BSF પણ તૈનાત કરવામાં આવી છે.

નિમટીટા રેલવે સ્ટેશન પર ટોળાનો હુમલો

નિમટીટા રેલવે સ્ટેશન પર કેટલાક પ્રદર્શનકારીઓએ ઉગ્રપ્રદર્શન કરતા ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો. હિંસાના કારણે અનેક ટ્રેનોને ડાયવર્ટ કરી દેવાઈ અને બે રદ કરી દેવાઈ હતી. રેલવે સ્ટેશન પર પથ્થરમારાના કારણે સાત થી દસ પોલીસ કર્મચારી ઘાયલ થયા છે. હિંસા અને આગચંપીને ધ્યાને રાખતા મુર્શિદાબાદના શમશેરગંજમાં બીએસએફના જવાનો તૈનાત કરી દેવાયા છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજુમદારે હિંસાને લઈને મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહાર કર્યા હતા. 

હિંસાને કારણે રેલ વ્યવહાર ખોરવાયો

હિંસાને કારણે, ધુલિયાનગંગા અને નિમટીટા રેલ્વે સ્ટેશનો વચ્ચે ટ્રેન સેવા ખોરવાઈ હતી. ભારતીય રેલ્વેએ માહિતી આપી હતી કે ન્યુ ફરક્કા-અઝીમગંજ રેલ સેક્શન પર રેલ્વે સેવા ખોરવાઈ ગઈ છે. લગભગ 5000 વિરોધીઓએ રેલ્વે ટ્રેક પર કબજો જમાવ્યો છે. આ પ્રદર્શનકારીઓ એલસી ગેટ નંબર 42 અને 43 નજીક બેઠા છે. 53029 અઝીમગંજ-ભાગલપુર પેસેન્જર અને 53435 કટવા-અઝીમગંજ પેસેન્જર ટ્રેનો રદ કરવામાં આવી હતી. જ્યારે પાંચ ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી હતી. તેમાં 13432 બાલુરઘાટ-નબદ્વીપ ધામ એક્સપ્રેસ, 15644 કામાખ્યા-પુરી એક્સપ્રેસ, 13141 સિયાલદાહ-ન્યૂ અલીપુરદ્વાર તીસ્તા તોર્સા એક્સપ્રેસ, 05640 કોલકાતા-સિલચર સ્પેશિયલ અને 13465 હાવડા-માલદા ટાઉન ઇન્ટરસિટીનો સમાવેશ થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વક્ફ સંશોધન કાયદાના વિરોધમાં છેલ્લા કેટલાક દિવસોથી મુર્શિદાબાદના કેટલાક વિસ્તારોમાં હિંસા ફાટી નીકળી છે. જંગીપુર, સુતી જેવા વિસ્તારોમાં પ્રદર્શનકારીઓની પોલીસની સાથે સીધી અથડામણ થઈ રહી છે. શુક્રવારે સુતી અને શમશેરગંજ વિસ્તારોમાં હજારો લોકો જુલૂસોમાં સામેલ થયા. જુલૂસે સાજુ મોડ વિસ્તાર પાસે નેશનલ હાઈવે-12ને બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આરોપ છે કે, તે સમયે કેટલાક પ્રદર્શનકારીઓએ બોમ્બ ફેક્યા અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જેમાં કેટલાક પોલીસ કર્મચારી ઘાયલ થયા છે, સાથે જ રસ્તા પરથી પસાર થઈ રહેલા સામાન્ય લોકો પણ ઈજાગ્રસ્ત થયા. સ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટોળાને વિખેરવા માટે આંસૂ ગેસના ગોળા છોડ્યા હતા. 

Tags :