‘મને જેલમાં નાખશો તો હું...’ સોરેન વિરુદ્ધ EDની કાર્યવાહી મામલે મમતાનો આક્રોષ
મમતા બેનર્જીએ મહુઆ મોઈત્રા, લોકસભા ચૂંટણી અને NCR અંગે પણ ટિપ્પણી કરી, ગઠબંધન મામલે કોંગ્રેસ અને સીપીએમ પર પણ સાધ્યું નિશાન
Mamata Banerjee on ED Action : ઝારખંડ (Jharkhand) મુક્તિ મોરચાના નેતા હેમંત સોરેન (Hemant Soren)ની ધરપકડ મામલે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પર રોષ ઠાલવ્યો છે. તેમણે આજે કેન્દ્રીય એજન્સી પર કટાક્ષ કરતા કહ્યું કે, ‘ચૂંટણી જીતવા તમામને જેલમાં નાખી રહ્યા છે. અમે બધા ચોર છીએ અને તમે બધા સાધુ છો? મને જેલમાં નાખશો તો હું તોડીને બહાર આવી જઈશ. આજે ક્ષમતા છે એટલે એજન્સી લઈને ફરી રહ્યા છો, કાલે નહીં રહે તો સૂટ પણ ગાયબ થઈ જશે.’
‘મહુઆને કાઢી મુકવામાં આવી’
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ સાંસદ મહુઆ મોઈત્રા (Mahua Moitra)ની સંસદ પદ રદ કરવાનો ઉલ્લેખ કરી કહ્યું કે, ‘મહુઆને કાઢી મુકવામાં આવી છે, પરંતુ મને ખબર છે કે, તમે (જનતા) તેમને વોટ આપી ફરી જીતાડશો.’
‘રાજ્યમાં NRC લાગુ નહીં કરાય’
તેમણે કહ્યું કે, ‘હું બંગાળમાં એનઆરસી લાગુ કરવા નહીં દઉ. ચૂંટણી પહેલા BJP એનઆરસી લાગુ કરવા જઈ રહી છે. શું મહુઆ અહીંની નાગરિક નથી? વોટ આપો છો તો તેઓ નાગરિક છે. BSFનો અત્યાચાર વધી રહ્યો છે.’ આ ઉપરાંત તેમણે સવાલના અંદાજમાં કહ્યું કે, ‘બીએસએફ ઈનરલાઈન પરમિટ કેમ આપશે. ડીએમ લોકોને કહીશ કે, તમે ઈનરલાઈન પરમિટ આપો.’
ટીએમસી એકલા હાથે ચૂંટણી લડશે
તેમણે પ્રજા તરફ ઈશારો કરતા કહ્યું કે, ‘તમે અમારો સાથ આપશો તો વચન આપું છું કે, ચૂંટણી જીત્યા બાદ હું દિલ્હીમાં દખલ કરીશ. ચૂંટણી બાદ પ્રાદેશિક પક્ષો એક થઈને શું કરશે તેનો નિર્ણય કરાશે.’ મમતાએ સ્પષ્ટ કહ્યું કે, અમે લોકસભા ચૂંટણીમાં એકલા હાથે ચૂંટણી લડીશું. કારણ કે અમે ગઠબંધન ઈચ્છતા હતા, પરંતુ કોંગ્રેસ (Congress) CPM સાથે છે. હું સીપીએમ સાથે નથી.