Explainer: પશ્ચિમ બંગાળમાં મુસ્લિમોની અનામત કેમ ખતમ કરાઈ? હાઈકોર્ટે 32 વર્ષ જૂના કયા ચુકાદાનો આધાર લીધો
Muslim Reservation : કલકત્તા હાઈકોર્ટે (Calcutta High Court) પશ્ચિમ બંગાળની મમતા સરકારને ઝટકો આપતા એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં 2010થી 2012ની વચ્ચે ડાબેરી અને તૃણમૂલ સરકાર દ્વારા 77 જૂથોને અપાયેલા અન્ય પછાત વર્ગ (OBC) પ્રમાણપત્રોને રદ કર્યા છે. હાઈકોર્ટના જજ તપબ્રત ચક્રવર્તી અને રાજશેખર મંથાની ડિવિઝન બેન્ચે જણાવ્યું કે, 'પશ્ચિમ બંગાળ પછાત વર્ગ આયોગ અને રાજ્ય સરકારે ધર્મને અનામત આપવાનો આધાર બનાવ્યો છે, જે બંધારણ અને કોર્ટ દ્વારા અપાયેલા આદેશની વિરુદ્ધ છે.'
અનામત ક્યારે અને કઈ રીતે અપાઈ હતી?
સૌપ્રથમ ડાબેરી સરકારે વર્ષ 1994 થી 2006 વચ્ચે 66 સમુદાયોને ઓબીસીમાં સમાવેશ કર્યો હતો, તેમાંથી 12 મુસ્લિમ વર્ગ હતા. ત્યારબાદ વર્ષ 2010માં 42 વર્ગને ઓબીસીમાં સમાવેશ કર્યા, જેમાં 41 મુસ્લિમ વર્ગ હતા. આ ઉપરાંત ફેબ્રુઆરી 2010માં સરકારી નોકરીઓમાં મુસ્લિમો માટે 10 ટકા અનામત અપાયું. 2011માં મમતા બેનરજી (CM Mamata Banerjee)ની સરકાર સત્તા પર આવ્યા બાદ એક કાર્યકારી આદેશ દ્વારા 35 નવા વર્ગના બીજા સમૂહને ઓબીસીમાં સમાવ્યા, જેમાં 34 મુસ્લિમ વર્ગ હતા. આ રીતે ડાબેરી અને તૃણમૂલ સરકારે બે વર્ષમાં 77 નવા વર્ગોને ઓબીસીમાં સમાવેશ કર્યો હતો, જેમાં કુલ 75 મુસ્લિમ વર્ગ હતા.
મમતા સરકારે 'પશ્ચિમ બંગાળ પછાત વર્ગો અધિનિયમ' 2012 લાગુ કર્યો અને 108 ઓબીસી જાતિઓ (અગાઉની 66 અને 42 નવી) ને A અને B કેટેગરીમાં વિભાજિત કરી ઓબીસી A (વધુ પછાત)માં 56 અને ઓબીસી B (પછાત)માં 52 જાતિઓનો સમાવેશ કર્યો હતો.
આ અનામતને કોર્ટમાં પડકારવામાં આવી હતી
2011માં અમલ ચંદ્ર દાસ નામના વ્યક્તિએ સૌપ્રથમ તત્કાલીન ડાબેરી સરકારે આપેલા આરક્ષણ વિરુદ્ધ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેમને ધર્મના આધાર પર 42 વર્ગને અપાયેલી અનામત સામે સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, અનામત માટેનું વર્ગીકરણ કોઇપણ પ્રમાણભૂત ડેટાને આધારિત નથી અને રાજ્ય પછાત વર્ગ આયોગ દ્વારા કરાયેલું સર્વેક્ષણ પણ વૈજ્ઞાનિક નહીં પણ બનાવટી હતું.
અરજી પછી કોર્ટ દ્વારા કરવામાં આવેલ અવલોકનો
આ દરમિયાન કોર્ટે તેના આદેશમાં નોંધ્યું કે, 'પશ્ચિમ બંગાળ સરકારે અનામત આપવા માટે 2006ના સચ્ચર સમિતિના અહેવાલ પર ‘વધુ પડતી નિર્ભરતા’ રાખી છે, પરંતુ મુસ્લિમોના પછાતપણાને ન્યાયી ઠેરવવા અને તેમને ઓબીસી કેટેગરીમાં સામેલ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આધાર તરીકે લેવાયેલા સચ્ચર સમિતિના અહેવાલને કોઈ બંધારણીય મંજૂરી નથી. આ સમુદાયોને ઓબીસી તરીકે જાહેર કરવા માટે ધર્મ જ એકમાત્ર માપદંડ હોવાનું જણાય છે અને કોર્ટનું મન એવી શંકાથી મુક્ત નથી કે ઉક્ત સમુદાયને રાજકીય હેતુઓ માટે એક ચીજવસ્તુ તરીકે ગણવામાં આવે છે.'
રાજ્ય પછાત વર્ગ આયોગની કામગીરી સામે પણ સવાલ
કોર્ટે નોંધ્યું કે, રાજ્ય પછાત વર્ગ આયોગે ખૂબ ઉતાવળભર્યું કામ કર્યું છે. 2010માં તત્કાલીન મુખ્યમંત્રીએ મુસ્લિમો માટે અનામતની જાહેરાત કરી હતી. ત્યાર પછી રાજ્ય પછાત વર્ગ આયોગે ‘વીજળીની ઝડપે’ કામ કર્યું. આ દરમિયાન વિગતવાર સર્વે પણ ન કરાયો, જે માટે કમિશનની શિથિલતા પણ જવાબદાર છે. રાજ્ય પછાત વર્ગ આયોગના અહેવાલો એ બતાવવા માટે તૈયાર કરાયા છે કે તેણે કોઈ ધર્મ-વિશિષ્ટ અનામત આપી નથી, પરંતુ આયોગના અહેવાલો નિષ્પક્ષ અને બિનસાંપ્રદાયિક અનામતના બંધારણીય મૂલ્યને અનુરૂપ નથી.
સુપ્રીમ કોર્ટના 'ઈન્દ્રા સાહની વિરુદ્ધ ભારત સરકાર' કેસનો આધાર
આ દરમિયાન કલકત્તા હાઈકોર્ટે 1992માં સુપ્રીમ કોર્ટના 'ઈન્દ્રા સાહની વિરુદ્ધ ભારત સરકાર' કેસનાં નિર્ણયને આધાર બનાવતા જણાવ્યું કે, 'ઓબીસીની ઓળખ માત્ર ધર્મના આધારે કરી શકાય નહીં અને તેમને અનામત આપી શકાય નહીં'. ત્યાર પછી હાઈકોર્ટએ પોતાના આદેશમાં કહ્યું છે કે ‘પછાત વર્ગ કલ્યાણ વિભાગ એ રાજ્ય પછાત વર્ગ આયોગની સલાહ લઈને નવો રેપોર્ટ તૈયાર કરવો જોઈએ અને તેમાં કોને અન્ય પછાત વર્ગમાં સામેલ કરાશે અને કોને બહાર રખાશે તેની વિગતવાર સૂચી તેયાર કરવી જોઈએ. આ રિપોર્ટ વિધાનસભામાં રજૂ કરવો જોઈએ.