કોલકાતા દુષ્કર્મ કેસ: CM મમતા બેનરજી રાજીનામું આપવા તૈયાર, માફી માંગી હડતાળી ડૉક્ટરોને કહ્યું, ‘કામ પર પરત ફરો’

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
કોલકાતા દુષ્કર્મ કેસ: CM મમતા બેનરજી રાજીનામું આપવા તૈયાર, માફી માંગી હડતાળી ડૉક્ટરોને કહ્યું, ‘કામ પર પરત ફરો’ 1 - image


Kolkata Rape-Murder Case : કોલકાતા દુષ્કર્મ-હત્યા કેસમાં આંદોલન કરી રહેલા ડૉક્ટરોની હડતાળ મુદ્દે મુખ્યમંત્રી મમતા બેનરજીએ આજે મોટું નિવેદન આપ્યું છે. સતત ત્રણ દિવસથી ડૉક્ટરો સાથે બેઠક યોજવાનો પ્રયાસ કરી રહેલા મમતા બેનરજીએ પ્રજાની માફી માંગવા સાથે ડૉક્ટરોને કામ પર પરત ફરવાની અપીલ કરી છે. આ ઉપરાંત તેમણે રાજીનામું આપવા પણ તૈયાર હોવાનું કહ્યું છે.

ડૉક્ટરો સાથે બેઠક કરવાનો મમતા સરકારનો પ્રયાસ નિષ્ફળ

આંદોલનકારી જૂનિયર ડૉક્ટરો અને બંગાળ સરકાર વચ્ચે ઘણા દિવસોથી વિવાદ અને વાટાઘાટો ચાલી રહી છે. મુખ્યમંત્રી મમતા બેનરજી ન્યાયની માંગ કરી રહેલા ડૉક્ટરો હડતાળ અને દેખાવો ખતમ કરવા ઘણા દિવસોથી પ્રયાસો કરી રહ્યા છે. આ માટે મુખ્યમંત્રી છેલ્લા ત્રણ દિવસથી ડૉક્ટરો સાથે બેઠક કરવા માટે પ્રસ્તાવ મોકલી રહ્યા છે.

કોલકાતા દુષ્કર્મ કેસ: CM મમતા બેનરજી રાજીનામું આપવા તૈયાર, માફી માંગી હડતાળી ડૉક્ટરોને કહ્યું, ‘કામ પર પરત ફરો’ 2 - image

મુખ્યમંત્રીએ 10 મિનિટ રાહ જોઈ, પણ ડૉક્ટરો ન આવ્યા

રાજ્યના મુખ્ય સચિવ મનોજ મંતે આંદોલનકારી ડૉક્ટરોને નબાન્નામાં વાતચીત કરવા માટે આમંત્રણ મોકલ્યું હતું. આ આમંત્રણ મુજબ મુખ્યમંત્રી અને ડૉક્ટરો વચ્ચે આજે નબાન્નામાં બેઠક યોજાવાની હતી, જોકે મુખ્યમંત્રીએ 10 મિનિટ સુધી રાહ જોવા છતાં ડૉક્ટરો વાતચીત કરવા તૈયાર થયા નથી, છેવટે મમતા બેનરજીએ પ્રેસ કોન્ફરન્સ કરી, પ્રજાની માફી માંગી છે અને ડૉક્ટરોને કામ પર પરત ફરવાની પણ અપીલ કરી છે. આ સાથે તેમણે રાજીનામું આપવા પણ તૈયાર હોવાનું કહ્યું છે. 

આ પણ વાંચો : રાહુલે અમેરિકામાં આપેલા નિવેદન મુદ્દે ભડક્યા ઉપરાષ્ટ્રપતિ ધનખડ, કહ્યું- ‘તેમને દેશના બંધારણની કોઈ જાણકારી નથી’

હું લોક હિતના કારણે રાજીનામું આપવા તૈયાર : મમતા બેનરજી

મમતા બેનર્જીએ કહ્યું કે, ‘તેઓ ન્યાય લેવા ન આવ્યા, તેમને ખુરશી જોઈએ. હું લોક હિતના કારણે રાજીનામું આપવા તૈયાર છું. મને મુખ્યમંત્રીનું પદ જોઈતું નથી. હું ઈચ્છું છું કે, ગુનેગારો વિરુદ્ધ કેસ ચલાવવામાં આવે. સામાન્ય લોકોને ન્યાય મળવો જોઈએ.’

સારવાર ન મળતા 27 લોકોના મોત થયા : મમતા

મમતા બેનર્જીએ કહ્યું કે, ‘સારવાર ન મળવાના કારણે 27 લોકોના મોત થયા છે. મારું દિલ તમામ લોકો માટે રોઈ રહ્યું છે. આપણે ડૉક્ટરોને ભગવાન માનીએ છીએ.’

તેમણે આજની બેઠક અંગે કહ્યું કે, ‘મેં બે કલાક સુધી રાહ જોઈ, પરંતુ તેઓ ન આવ્યા. મેં બુધવારે પણ તેમની રાહ જોઈ હતી. હું આ બાબતને અહંકાર તરીકે જોતી નથી. ઘણા સીનિયર્સ ડૉક્ટરો પડકારો વચ્ચે ડ્યુટી કરી રહ્યા છે. હું બે કલાક સુધી રાહ જોઈ રહી છું, પરંતુ તેઓ નબાન્ના ગેટથી ન આવ્યા. હું કંઈપણ નહીં કહું અને આશા રાખું છું કે, ડૉક્ટરો હડતાલ પરત ખેંચે.’

રાજ્ય સરકારે બેઠકનું લાઈવ ટેલીકાસ્ટ કરવાનો કર્યો ઈન્કાર

ઉલ્લેખનીય છે કે, જૂનિયર ડૉક્ટરોના 30 સભ્યોનું પ્રતિનિધિ મંડળ આજે નબાન્ના પહોંચ્યા હતા અને તેઓ મમતા સાથેની બેઠકનું લાઈવ ટેલીકાસ્ટ કરવાની માંગ કરી રહ્યા હતા, પરંતુ રાજ્ય સરકારે આવું કરવાનો ઈન્કાર કરી દીધો છે, જેના કારણે બંને પક્ષો તરફથી વિવાદ યથાવત્ રહ્યો છે. કોલકાતાની આરજી કર મેડિકલ કૉલેજ હોસ્પિટલમાં તાલીમાર્થી મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ કરાયા બાદ હત્યા કરવામાં આવી હતી, જેના કારણે રોષે ભરાયેલા ડૉક્ટરો આજદિન સુધી હડતાળ પર છે.

આ પણ વાંચો : માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના મહા સચિવ સીતારામ યેચુરીનું 72 વર્ષની વયે નિધન


Google NewsGoogle News