દેશના 62 વર્ષના ઈતિહાસમાં 38 હજાર ટ્રેન અકસ્માત, આ કારણે સર્જાઈ મોટાભાગની દુર્ઘટના
Indian Railway Train Accident Data : પશ્ચિમ બંગાળના ન્યૂ જલપાઈગુડીમાં એક ટ્રેન અકસ્માતમાં અત્યાર સુધીમાં 10થી વધુ લોકોના મોત અને 50થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. આજે સવારે એક ગુડ્સ ટ્રેને સિયાલદાહ જઈ રહેલી કંચનગંગા એક્સપ્રેસ ટ્રેનને પાછળથી ટક્કર મારી હતી, જેના કારણે ઘણા કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. રેલવે બોર્ડના ચેરમેન જયા વર્મા સિન્હાએ કહ્યું કે, ગુડ્સ ટ્રેનના લોકો પાયલોટે સિગ્નલની અવગણના કરી હતી. આ અકસ્માતમાં લોકો પાયલટ અને ગાર્ડનું પણ મોત થયું છે. આ અકસ્માત આ વર્ષેનો સૌથી મોટો અકસ્માત છે. આ પહેલા જૂન-2023માં ઓડિશાના બાલાસોરમાં ટ્રેન અકસ્માત થયો હતો, જેમાં કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન ટ્રેક પર ઉભી રહેલી ગુડ્સ ટ્રેનને અથડાઈ ઘઈ હતી. આ ઘટનામાં લગબગ 300 લોકોના મોત થયા હતા.
દર વર્ષે કેટલા અકસ્માતો થાય છે?
સરકારે દાવો કર્યો છે કે, 2004થી 2014 વચ્ચે વાર્ષિક સરેરાશ 171 ટ્રેન અકસ્માત થતા હતા, જ્યારે 2014થી 2023 વચ્ચે વાર્ષિક સરેરાશ 71 ટ્રેન અકસ્માત થયા છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં ભારતમાં ટ્રેન અકસ્માતમાં ઘટાડો થયો છે.
1960-61થી 1970-71 વચ્ચે એટલે કે 10 વર્ષમાં 14769, 2004-05થી 2014-15 વચ્ચે 1844, જ્યારે 2015-16થી 2021-22 એટલે કે છ વર્ષમાં 449 ટ્રેન અકસ્માતો થયા છે. આ મુજબ 1960થી 2022 સુધીના 62 વર્ષમાં 38,672 ટ્રેન અકસ્માતો થયા છે. એટલે કે દર વર્ષે સરેરાશ 600થી વધુ અકસ્માતો થયા છે.
રેલવેના ડેટા મુજબ ડિરેલમેન્ટ એટલે કે પાટા પરથી ટ્રેન ઉતરી જવાના કારણે સૌથી વધુ અકસ્માતો થયા છે. 2015-16થી 2021-22 વચ્ચે 449 ટ્રેન અકસ્માતોમાંથી 322 અકસ્માત ડિરેલમેન્ટના કારણે થયા હતા.
અકસ્માતમાં કેટલા મૃત્યુ?
રેલવેના 2021-22ના ડેટા મુજબ, 2017-18થી 2021-22 વચ્ચે પાંચ વર્ષમાં 53 લોકોના મોત અને 390 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. કોવિડ મહામારીનો સમયગાળો, જેમાં કેટલાક મહિનાઓ સુધી ટ્રેનો બંધ રહી હતી, તે દરમિયાન એટલે કે 2019-20 અને 2020-21માં થયેલા ટ્રેન અકસ્માતોમાં એકપણ મોત થયું નથી. જ્યારે 2021-22માં કુલ 38 ટ્રેન અકસ્માતોમાંથી 20 અકસ્માતો રેલવે સ્ટાફની ભુલના કારણે થયા હતા. તેમાંથી ચાર અકસ્માતો ઈક્વિપમેન્ટ ફેલ થવાના કારણે થયા હતા.
રેલવે પાંચ વર્ષમાં રૂ.14 કરોડનું વળતર ચુકવ્યું
ઉલ્લેખનીય છે કે, ટ્રેન અકસ્માતોમાં મૃતકો અને ઈજાગ્રસ્તોના પરિવારને રેલવે દ્વારા વળતર આપવામાં આવે છે. રેલવે પાંચ વર્ષમાં લગભગ 14 કરોડ રૂપિયાનું વળતર ચુકવ્યું છે. રેલવેએ 2021-22માં 85 લાખ રૂપિયાથી વધુનું વળતર ચુકવ્યું હતું. ટ્રેન અકસ્માતમાં મોત થવા પર પાંચ લાખ, ગંભીર રીતે ઈજાગ્રસ્ત થનારને 2.5 લાખ અને ઈજાગ્રસ્તને 50 હજાર રૂપિયાનું વળતર ચુકવવામાં આવે છે.