પશ્ચિમ બંગાળ: ચાલુ બસમાં ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો, આ રીતે બચાવ્યો તમામ મુસાફરોનો જીવ
- આ બસ બાલાસોર જિલ્લાના નીલગિરી વિસ્તારમાં સ્થિત પંચલિંગેશ્વર જઈ રહી હતી
Image Source: Twitter
કોલકાતા, તા. 30 જાન્યુઆરી 2024, મંગળવાર
છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે પશ્ચિમ બંગાળમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ચાલુ બસમાં ડ્રાઈવરને હાર્ટ એટેક આવી ગયો. પરંતુ આ સ્થિતિમાં પણ બસ ડ્રાઈવરે બ્રેક મારી દીધી અને બસમાં સવાર ઓછામાં ઓછા 65 લોકોનો જીવ બચાવી લીધો. આ બસ બાલાસોર જિલ્લાના નીલગિરી વિસ્તારમાં સ્થિત પંચલિંગેશ્વર જઈ રહી હતી. બસમાં તમામ શ્રદ્ધાળુઓ સવાર હતા.
ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યો
પ્રાપ્ત માહિતી પ્રમાણે તમામ મુસાફરો કોલકાતાના હતા. બાલાસોરમાં જ ડ્રાઈવર એસકે અખ્તરને હાર્ટ એટેક આવી ગયો હતો. જ્યારે ડ્રાઈવરને છાતીમાં અસહ્ય દુખાવો થવા લાગ્યો ત્યારે તેણે બસને રસ્તાની બાજુમાં રોકી દીધી. ત્યારબાદ તરત જ તે બેભાન થઈ ગયો. મુસાફરોએ જ ડ્રાઈવરને નીલાગીરી હોસ્પિટલ ખસેડ્યો હતો. જોકે ડોક્ટર્સે તેમને મૃત જાહેર કરી દીધો હતો.
ડ્રાઈવર સીટ પર બેભાન થઈને પડ્યો હતો
ત્યાંના એક ગ્રામવાસીએ જણાવ્યું કે જ્યારે બસ અચાનક બંધ થઈ ત્યારે તેઓએ વિચાર્યું કે ડ્રાઈવર શૌચાલય જવાનો હશે. પરંતુ જ્યારે નજીક જઈને જોયું તો ડ્રાઈવર બેભાન થઈ ગયો હતો અને તેની સીટ પર બેભાન થઈને પડ્યો હતો. તરત જ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જો કે ડ્રાઈવરે પહેલા જ દમ તોડી દીધો હતો. બસ હાવડાની હતી.