VIDEO : CM મમતા બેનર્જીએ બતાવ્યું ‘BJP વોશિંગ મશીન’ : કાળા કપડાં નાંખીને સફેદ બહાર કાઢ્યા
ભ્રષ્ટાચારના આરોપોવાળા મંત્રીઓ ભાજપમાં જોડાઈ જાય પછી દોષમુક્ત થવા પર મમતા બેનર્જીએ કટાક્ષ કર્યો
કોલકાતા, તા.29 માર્ચ-2023, બુધવાર
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જીએ ભાજપનું ગજબની રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે આજે કોલકાતામાં આયોજિત ધરણા કાર્યક્રમ દરમિયાન ‘BJP વોશિંગ મશીન’ બતાવ્યું હતું. વાસ્તવમાં, આ વોશિંગ મશીન દ્વારા ભ્રષ્ટાચારના આરોપોવાળા મંત્રીઓ ભાજપમાં સામેલ થયા બાદ દોષમુક્ત થવા પર મમતા બેનર્જીએ કટાક્ષ કર્યો છે.
તૃણમૂલ કોંગ્રેસે ટ્વિટર પર વીડિયો કર્યો શેર
તૃણમૂલ કોંગ્રેસે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર ભાજપનો વિરોધ કરતો અનોખો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી BJP વોશિંગ મશીનમાં કાળા કપડા નાખે છે અને સફેદ બહાર કાઢે છે...
CM મમતાએ ભાજપ કર્યા આકરા પ્રહાર
તૃણમૂલ કોંગ્રેસ તરફથી આયોજિત કરાયેલા ધરણા કાર્યક્રમમાં ઘરેલુ ગેસની વધતી જતી કિંમતો, રાજ્ય સરકારનું ભંડોળને જારી ન કરવા તેમજ કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગ અંગે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી બેનર્જીએ જણાવ્યું કે, કેન્દ્રીય એજન્સીઓ વિપક્ષના નેતાઓને પરેશાન કરી રહી છે, પરંતુ ભાજપમાં સામેલ થનારા કોઈપણ નેતા વિરુદ્ધ તપાસ શરૂ કરી રહી નથી. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી કેન્દ્ર સરકાર વિરુદ્ધ બે દિવસના ધરણા પર બેઠા છે. સીએમ રાજ્યમાં 100 દિવસોના કામ (મનરેગા) સહિત અનેક યોજનાઓ માટે ફંડ ન આપતા કેન્દ્ર સરકાર વિરુદ્ધ કોલકાતામાં આજથી બે દિવસના ધરણા પર બેઠા છે. સીએમ મમતા બેનર્જી અગાઉ પણ અનેક વખત કેન્દ્રસરકાર વિરુદ્ધ રાજ્ય પ્રત્યે કથિત ભેદભાવપૂર્ણ વલણનો આરોપ લગાવી ચૂક્યા છે.
મનરેગા સહિત અનેક યોજનાઓના ફંડ કોરવાનો લગાવ્યો આરોપ
સીએમ મમતા બેનર્જી પાર્ટીના વરિષ્ઠ નેતા ફિરહાદ હકીમ, અરુપ વિશ્વાસ, સુબ્રત બખ્શી અને સોવનદેબ ચટ્ટોપાધ્યાય સાથે રેડ રોડ પર ડો. બીઆર આંબેડકરની પ્રતિમા સામે કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યા હતા અને કેન્દ્ર દ્વારા મનરેગા માટે કથિત રીતે ફંડ રોકવા સામે વિરોધ ચાલુ કર્યો છે. તેઓએ આવાસ અને માર્ગ વિભાગની અન્ય યોજનાઓ માટે ફંડ ન આપવા બદલ ગુરુવાર સાંજ સુધી ધરણા ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.
મંગળવારે બંગાળના મુખ્યમંત્રીએ આરોપ લગાવ્યો હતો કે, ભાજપની આગેવાની હેઠળના કેન્દ્રએ રાજ્ય માટે મનરેગા પ્રોજેક્ટ અને તેના આવાસ અને માર્ગ વિભાગોની અન્ય પહેલ માટે ફંડ જાહેર નથી કર્યું. 12,000 કિ.મી.ના ગ્રામીણ રસ્તાઓ બનાવવાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરતાં તેમણે કહ્યું કે, કેન્દ્રએ મનરેગા અને ઈન્દિરા આવાસ યોજના (ગ્રામીણ) માટે ફંડ આપવાનું બંધ કરી દીધું છે. આ ઉપરાંત ઓબીસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ પણ બંધ કરી દેવામાં આવી છે.
7,000 કરોડથી વધુ રકમ પેન્ડિંગ
આ વર્ષના અંતમાં યોજાનારી પંચાયતની ચૂંટણીઓ પહેલા 'પથશ્રી-રસ્તાશ્રી' યોજનાની શરૂઆત કરતા બેનર્જીએ કહ્યું હતું કે, ગ્રામીણ રસ્તાઓના નિર્માણ માટે રૂ. 3.75 હજાર કરોડનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે કેન્દ્ર નહીં. તેમણે કહ્યું કે, કેન્દ્રએ મનરેગા યોજના હેઠળ પેન્ડિંગ રૂ. 7,000 કરોડથી વધુ રકમ નથી આપી અને પહેલ હેઠળ કામ પૂર્ણ કરવામાં રાજ્યોની યાદીમાં પશ્ચિમ બંગાળ ટોચ પર હોવા છતાં આપણા લોકોને કામ આપ્યું નથી. તેમણે કહ્યું કે, અમારું માનવું છે કે આની પાછળ ઈર્ષ્યા કે રાજનીતિ કારણભૂત હોઈ શકે છે.