‘અમે અડધી રોટલી ખાઈને રહીશું, પરંતુ...’ બાંગ્લાદેશની સ્થિતિ જોઈ મમતા ભડક્યા, ભાજપ કર્યો ગંભીર આક્ષેપ
Mamata Banerjee Attack On BJP : બાંગ્લાદેશની કફોડી હાલત જોઈ મમતા બેનરજીએ રોષ વ્યક્ત કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે બાંગ્લાદેશમાં યુએન પીસકીપિંગ ફોર્સ મોકલવાની માંગ કરી છે. શેખ હસીના વડાંપ્રધાન પદ છોડીને ભારત ભાગી આવ્યા બાદ વચગાળાની સરકાર ચલાવી રહેલા મોહમ્મદ યુનુસના રાજમાં ત્યાં હિન્દુઓની હાલત સતત કફોડી થઈ રહી છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ અને મંદિરો પર સતત હુમલાઓ, અનેક સાધુ-સંતોની ધરપકડનો ભારત સહિત અનેક દેશો વિરોધ જોવા મળી રહ્યો છે. આ ક્રમમાં TMCની પ્રમુખ મમતા બેનરજીએ પણ બાંગ્લાદેશની સ્થિતિ અંગે મોટું નિવેદન આપ્યું છે.
વડાપ્રધાન મોદી બાંગ્લાદેશ સાથે વાત કરે : મમતા બેનરજી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી (West Bengal CM Mamata Banerjee) વિધાનસભામાં નિવેદન આપવાની સાથે માંગ કરી છે કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) બાંગ્લાદેશ (Bangladesh) સાથે વાત કરે. તેમણે વિનંતી કરી છે કે, જો વડાપ્રધાન મોદીને વાત કરવામાં કોઈ સમસ્યા નડતી હોય તો વિદેશ મંત્રી બાંગ્લાદેશ સાથે વાત કરે.’
‘ભાજપે બોર્ડર-આયાત-નિકાસ બંધ કરવાની ધમકી આપી’
તેમણે કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી કહ્યું કે, ‘કેન્દ્ર સરકાર છેલ્લા 10 દિવસથી મૌન ધારણ કરીને બેઠી છે. તેમની પાર્ટી (BJP) બોર્ડર તેમજ આયાત-નિકાસ બંધ કરવાની ધમકી આપી રહી છે. કેન્દ્ર સરકાર ચોક્કસ ઓર્ડર આપે, ત્યારે જ આવું થઈ શકે છે. મમતાએ બાંગ્લાદેશમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સ્થાપના કમિટી મોકલવાની પણ માંગ કરી છે.
‘સંયુક્ત રાષ્ટ્ર બાંગ્લાદેશમાં શાંતિ રક્ષા સમિતિ મોકલે’
મમતા વિધાનસભામાં કહ્યું કે, ‘હું સંયુક્ત રાષ્ટ્રને બાંગ્લાદેશમાં શાંતિ રક્ષા સમિતિ મોકલવાનું પણ સૂચન કરું છું. અમે કોઈપણ જ્ઞાતિ, ધર્મ અને ધર્મ પર કોઈપણ પ્રકારના અત્યાચારની નિંદા કરીએ છીએ. અમે વડાપ્રધાન મોદીને અપીલ કરી રહ્યા છીએ કે, જરૂર પડે તો તેઓ બાંગ્લાદેશ સાથે વાત કરે અથવા વિદેશમંત્રી બાંગ્લાદેશ સાથે વાત કરે.’
અમે બાંગ્લાદેશમાંથી અમારા લોકોને લેવા તૈયાર : મમતા
તેમણે વધુમાં કહ્યું કે, ‘જો બાંગ્લાદેશમાં આવી સ્થિતિ ચાલી રહી છે, તો અમે અમારા લોકોને પરત લેવા માટે તૈયાર છીએ. અમે અડધી રોટલી ખાઈને રહીશું, પરંતુ તેઓને ખાવા-પીવામાં કોઈ અછત નહીં આવવા દઈએ. હું આશ્વાસન આપું છું કે, તેઓએ ભોજનની અછતનો સામનો નહીં કરવો પડે.’