મમતા હવે તોડફોડના મૂડમાં? ભાજપ સાંસદ અનંત મહારાજના ઘરે જઈને કલાક ચર્ચા કરી
Image:X
ભારતના રાજકરણમાં સામાન્ય રીતે હાલના તબક્કે અમિત શાહને ચાણક્ય અને તોડફોડની રાજનીતિના ગુરૂ કહેવાય છે પરંતુ મમતા પણ હવે આ રસ્તે આગળ વધશે કે શું, તે સમય બતાવશે પરંતુ મમતા બેનર્જીના હાલના વ્યવહાર ભાજપ માટે ચિંતાનું કારણ બની શકે છે.પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે બપોરે ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ અનંત મહારાજ ઉર્ફે નગેન રોય સાથે તેમના કૂચ બિહારના નિવાસસ્થાને મુલાકાત કરી હતી.
ચકચકા પેલેસમાં રાજ્યસભા સાંસદ રોયે પરંપરાગત સ્કાર્ફ અને સોપારી સાથે મમતા બેનર્જીનું સ્વાગત કર્યું હતું. તેમને રાજવંશી સમુદાયના મોટા નેતા માનવામાં આવે છે. રાજકીય રીતે મહત્વની ગણાઈ રહેલ આ બેઠક લગભગ 35-40 મિનિટ સુધી ચાલી હતી. મીટિંગથી ઉત્સાહિત રોયે કહ્યું કે ચાલો જોઈએ કે ભવિષ્યમાં શું થાય છે.
રોયના નિવાસસ્થાને પહોંચતા પહેલા મમતા બેનર્જીએ જિલ્લા મુખ્યાલયમાં આવેલા મદન મોહન મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. સિલિગુડીમાં ઉત્તર બંગાળ મેડિકલ કોલેજ અને હોસ્પિટલની મુલાકાત લીધા બાદ બેનર્જી સોમવારે સાંજે કૂચ બિહાર પહોંચ્યા હતા, જ્યાં તેઓ કાંચનજંગા એક્સપ્રેસ અકસ્માતના પીડિતોને મળ્યા હતા. જોકે રાજ્ય ભાજપે હજુ સુધી આ ઘટનાક્રમ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી પરંતુ બંગાળમાં ભાજપ માટે એક સાંધો ત્યાં તેર તૂટેની સ્થિતિ છે.
MP રોયની અલગ રાજ્યની માંગ :
વાસ્તવમાં અનંત મહારાજ પશ્ચિમ બંગાળના ભાગલા પાડીને તેના અમુક વિસ્તારોને અલગ રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની માંગ કરતા જોવા મળ્યા છે. તેમની માંગ છે કે ઉત્તર બંગાળના કેટલાક વિસ્તારો સમાવિષ્ટ કૂચ બિહારને અલગ રાજ્ય બનાવવું જોઈએ. અનંત બાદ ભાજપના કેટલાક નેતાઓએ પણ આવી માંગણી કરી હતી. જોકે બીજેપી સત્તાવાર રીતે કૂચબિહારને બંગાળથી અલગ કરવાની વાત નથી કરતી.
ઉત્તર બંગાળના પ્રદેશમાં કુલ 8 જિલ્લાઓ આવે છે. દાર્જિલિંગ પણ આમાં સામેલ છે. બંગાળ માટે આ વિસ્તાર આર્થિક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ચાની પત્તી, લાકડા અને પ્રવાસનનો સમગ્ર વેપાર ત્યાંથી થાય છે. આ વિસ્તારની સરહદો નેપાળ, ભૂતાન અને બાંગ્લાદેશ સાથે જોડાયેલ છે. અહીં, 80ના દાયકાની શરૂઆતમાં રાજવંશી, ગોરખા, કોચ અને કામતાપુરી વંશીય જૂથોએ અલગ રાજ્યના દરજ્જાની માંગણી કરી હતી અને હવે રોય સહિત અનેક સંસ્થાઓ આ માંગ કરતા હતા. જોકે બંગાળ CMની આ અણધારી બેઠક કઈંક નવાજૂનીના એંધાણ આપી રહી છે.